વેપારી-કારીગરોના ‘અચ્છે દિન’:4 લાખ લોકોને રોજગારી આપતા નવરાત્રિનાં કપડાંના બિઝનેસમાં તેજી, કારીગરો કરી રહ્યા છે ઓવરટાઇમ

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી

કોરોના પર લગભગ હવે અંકુશ આવી જતાં લોકો તહેવારની ઉજવણી માટે રાહ જોઈ રહ્યા છે. એમાંય નવરાત્રિના તહેવારને લઈને તમામ વર્ગના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવરાત્રિના તહેવાર પર નિર્ભર ટ્રેડિશનલ કપડાંનો વ્યવસાય પુરજોશમાં શરૂ થયો છે. આમ, વેપારી અને કારીગરોના ‘અચ્છે દિન’ આવ્યા છે.

બે વર્ષ દરમિયાન કોરોના હોવાથી નવરાત્રિની ઉજવણી ફિક્કી રહી હતી, જેને કારણે ટ્રેડિશનલ કપડાંના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે કપરા દિવસો રહ્યા હતા. જોકે ચાલુ વર્ષે નવરાત્રિને હજુ 4 મહિના જેટલો સમય બાકી છે, એવામાં ન માત્ર ગુજરાત અન્ય રાજ્યો અને વિદેશમાં અત્યારથી જ ટ્રેડિશનલ કપડાં પહોંચવા લાગ્યાં છે. વેપારીઓનું માનીએ તો હાલ પરિસ્થિતિ એવી છે કે સમય ઓછો છે અને માગ વધુ છે.

દૈનિક 100થી 150 જેટલા નંગ તૈયાર થઈ રહ્યા છેઃ જૈનમ શાહ
આ અંગે CAIT( Confederation of All India Traders) એટલે કે અખિલ ભારત વેપારી મહામંડળ યૂથ વિંગ-ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ જૈનમ શાહે જણાવ્યું હતું કે તહેવારમાં ટ્રેડિશનલ કપડાંની ભારે માગ રહે છે, જેને લઇને આ વર્ષે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યો અને વિદેશમાં ટ્રેડિશનલ કપડાંની માગને જોતાં કારીગરોએ ઓવરટાઈમ કરવાની ફરજ પડી રહી છે. દૈનિક 100થી 150 જેટલા નંગ તૈયાર થઈ રહ્યા છે. નવરાત્રિ અને રક્ષાબંધનના તહેવારમાં ગુજરાતમાં અંદાજે 10 હજાર કરોડનું માર્કેટ રહે એવી શક્યતા છે. વર્ષ 2021માં 2-3 હજાર કરોડનું માર્કેટ રહ્યું હતું.

અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મળવા લાગ્યાઃ હિતાંશી શાહ
ટ્રેડિશનલ કપડાંના વેપાર સાથે જોડાયેલા હિતાંશી શાહે જણાવ્યું હતું કે 'આ વર્ષે કેનેડા, ઓસ્ટ્રેલિયા, US, UK, સિંગાપોર, દુબઈ, સાઉથ આફ્રિકા જેવા દેશોમાં માલ મોકલવામાં આવે છે તેમજ કેટલાક અમદાવાદ આવતા NRI ખરીદી કરી રહ્યા છે. અન્ય રાજ્યોની પૂછપરછ સાથે ઓર્ડર મળવાની શરૂઆત થઈ ગઈ છે.

કારીગરોને ઝૂંટવાયેલી રોજગારી ફરી મળીઃ જાગૃતિબેન
પાછલાં 30 વર્ષથી ટ્રેડિશનલ કપડાંના ઉત્પાદન સાથે જોડાયેલાં જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે 'આ વ્યવસાય સાથે સીધી અથવા આડકતરી રીતે ચાર લાખ જેટલા લોકો જોડાયેલા છે, જેઓ બાંધણીકામ, મિરર વર્ક, પેન્ટિંગ વર્ક, ખાટ વર્ક વગેરે પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા હોય છે. અગાઉનાં બે વર્ષ દરમિયાન વેપાર ન હોવાથી કારીગરો પાસેથી રોજગારીનું માધ્યમ પણ ઝૂંટવાઈ ગયું હતું, પરંતુ હવે ફરીથી તેમને કામ મળવા લાગ્યું છે'

ડાબેથી હિતાંશી શાહ અને જાગૃતિબેન પટેલ.
ડાબેથી હિતાંશી શાહ અને જાગૃતિબેન પટેલ.

મોડર્ન ટચ આપતાં ઓરિજિનલ કપડાંની માગઃ હેલી શાહ
ટ્રેડિશનલ વેપાર સાથે જોડાયેલાં હેલી શાહનું કહેવું છે કે 'હવે ધીમે ધીમે પરંપરાગત ફેશનમાં મોડર્ન ટચ આપતાં ઓરિજિનલ કપડાંની માગ જોવા મળી રહી છે, એટલે કે ટૂંકમાં ફ્યુઝન પ્રકારની વેરાઈટી માર્કેટમાં હાલ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...