અમદાવાદમાં પ્રથમ નોરતું:આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરે દર્શન કરી આરતી ઉતારી

અમદાવાદ14 દિવસ પહેલા
ભૂપેન્દ્ર પટેલે નગરદેવીના દર્શન કર્યા
  • પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓએ પણ આરતી ઉતારી હતી
  • મંદિર પરિસરમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા ગરબા

રાજ્યમાં આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. દર વર્ષે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડમાં રાજયકક્ષાનો નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી આરતી કરી મહોત્સવનો પ્રારંભ કરાવે છે પરંતુ કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિ યોજાઈ ન હતી. ચાલુ વર્ષે રાજય સરકારે શેરી ગરબાની પરમિશન આપી છે. જેથી આ વર્ષે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પહેલી નવરાત્રિએ લાલદરવાજા ખાતે નગરદેવી ભદ્રકાળી આરતી ઉતારી હતી. ભદ્રકાળી મંદિર પરિસરમાં ગરબા યોજવામાં આવ્યા હતા.

સીએમે કોરોનાની ત્રીજી વેવ ન આવે તેવી પ્રાર્થના કરી
મુખ્યમંત્રીએ એક કલાક સુધી ગરબા નિહાળ્યા બાદ રવાના થયા હતા. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે, આજે નવરાત્રિની શરૂઆત થઈ છે. આજે ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા છે. ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ વધે. કોરોનાની ત્રીજી વેવ ન આવે તેની માતાજીને પ્રાર્થના કરી છે. નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું.

ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ
મંદિર પરિસરમાં DP કેમ્પસ નિર્ણયનગર ગ્રુપના 60 ખેલૈયાઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને તેઓએ ગરબા રમ્યા હતા. ઐશ્વર્યા મજમુદારના સ્વરે ગરબાની રમઝટ બોલાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ ગરબા નિહાળ્યા હતા. નવરાત્રિ મહા આરતી ઉત્સવમાં શહેરના મોટાભાગના કાઉન્સિલરો, વિવિધ કમિટિના ચેરમેનો અને ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ભાજપના નેતા ધર્મેન્દ્ર શાહ, મેયર કિરીટ પરમાર સહિતના નેતાઓએ પણ આરતી ઉતારી હતી.

એશ્વર્યા મજુમદારના સ્વરના તાલે ગરબાની રમઝટ
એશ્વર્યા મજુમદારના સ્વરના તાલે ગરબાની રમઝટ

મુખ્યમંત્રીના કાફલો આવતા રસ્તા બ્લોક કરાયા
લાલદરવાજા ભદ્રકાળી મંદિરે મુખ્યમંત્રી સહિતના નેતાઓ આવવાના હોવાથી વીજળી ઘરથી ભદ્ર પાથરણા બજાર તરફ, રાયખડ ચાર રસ્તાથી ભદ્ર બજાર તરફનો અને ત્રણ દરવાજાથી ભદ્ર તરફ જવાના રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. મંદિર પરિસરની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નેતાઓ અને VVIP સિવાય કોઈને પ્રવેશ આપવામા આવ્યો ન હતો.

ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી
ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી

રાજ્યના વિવિધ મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવરાત્રિ મહોત્સવ

  • પ્રથમ નોરતાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભદ્રકાળી મંદિર, લાલ દરવાજા, અમદાવાદ ખાતે માતાજીની મહાઆરતીથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.(લોક કલાકા ઐશ્વર્યા મજમુદાર)
  • બીજા નોરતાના દિવસે ઋષિકેશ પટેલ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ)ની ઉપસ્થિતિમાં ઉમિયા માતા મંદિર, ઉંઝા ખાતે નવરાત્રિ મહોત્સવ. (લોક કલાકાર, આદિત્ય ગઢવી તથા અરવિંદ વેગડા)
  • ત્રીજા અને ચોથા નોરતાના દિવસે નિમાબેન આચાર્ય, અધ્યક્ષ, ગુજરાત વિધાનસભાની ઉપસ્થિતિમાં માતાનો મઢ, કચ્છ ખાતે નવરાત્રિ મહોત્સવ. (લોક કલાકાર, ગીતાબેન રબારી)
  • પાંચમા નોરતાના દિવસે કીરીટસિંહ રાણા (વન અને પર્યાવરણ)ની ઉપસ્થિતિમાં ચામુંડા માતા મંદિર, ચોટીલા ખાતે નવરાત્રિ મહોત્સવ.(લોક કલાકાર, શ્યામલ શૌમિલ તથા આરતી મુન્શી)
  • છઠ્ઠા નોરતાના દિવસે આર.સી.મકવાણા (સામાજીક ન્યાય અને અધિકારીતા)ની ઉપસ્થિતિમાં ખોડીયાર માતા મંદિર, રાજપરા, ભાવનગર ખાતે નવરાત્રિ મહોત્સવ.(લોક કલાકાર, ફરીદા મીર અને દેવાંગ પટેલ)
  • સાતમા નોરતાના દિવસે નરેશ પટેલ (આદિજાતિ વિકાસ)ની ઉપસ્થિતિમાં શ્રી ઉનાઇ માતા મંદિર, નવસારી ખાતે નવરાત્રિ મહોત્સવ.(લોક કલાકાર, ઉમેશ બારોટ અને ઉર્વશી રાદડીયા)
  • આઠમા નોરતાના દિવસે નિમિષાબેન સુથાર (આદિજાતિ વિકાસ)ની ઉપસ્થિતિ માં શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ ખાતે નવરાત્રિ મહોત્સવ. (લોક કલાકાર, ઓસ્માન મીર, ડીમ્પલ પંચોલી)
  • નવમા નોરતાના દિવસે કિર્તિસિંહ વાઘેલા (શિક્ષણ)ની ઉપસ્થિતિમાં અંબાજી માતા મંદિર, અંબાજી ખાતે નવરાત્રિ મહોત્સવ. (લોક કલાકાર, પાર્થ ઓઝા અને સંજય ઓઝા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યાં બાદ પહેલીવાર નગરદેવીની આરતી ઉતારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યાં બાદ પહેલીવાર નગરદેવીની આરતી ઉતારી