શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં કોરોના માટે કોવિડ કેર સેન્ટર બનાવાયું હતું. મોડી રાત્રે 3-30 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ના બેડ નંબર 8ના મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. તેનાંથી અચાનક સ્પાર્ક થયો અને દર્દીના એટેન્ડન્ટની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટમાં આગ લાગી હતી. બે એટેન્ડન્ટ બુઝાવવાનો પ્રયાસ કરતાં તેમની કીટ સળગતા બંને ભાગ્યા હતા. જોતજોતામાં આગે ICU વોર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો. આ સમયે ICUમાં 10 દર્દીઓ અને તેમની સાથે મેડિકલ સ્ટાફ હતો. જેમાં 8 દર્દીના મોત નિપજ્યા છે.
ઓક્સિજન સિલિન્ડર લપેટમાં આવતાં આગ વિકરાળ થઈ
શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતાં 8 લોકોના મોત નિપજ્યા છે. શ્રેય હોસ્પિટલમાં મોડી રાતે આગ કઈ રીતે લાગી તે અંગે DivyaBhaksarએ સૂત્રો પાસેથી માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં રાતે ICU વોર્ડમાં 8 જેટલા દર્દીઓ અને બે કર્મચારીઓ PPE કીટ પહેરીને હાજર હતા. રાતે 3.30 વાગ્યે 8 નંબરના બેડ પાસે કોઈ કારણસર શોર્ટસર્કિટ થયું હતું અને મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી. PPE કીટ પહેરેલા કર્મચારીએ ત્યાં જઈ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં PPE કીટમાં આગ લાગી હતી. જેથી તેઓ બચવા માટે તાત્કાલિક ત્યાંથી બહાર દોડી ગયા હતા. આગ સીધી બેડમાં અને ત્યાં રહેલા ઓક્સિજન સિલિન્ડર સુધી પહોંચી હતી અને સિલિન્ડર આગની લપેટમાં આવતા આખા વોર્ડમાં આગ લાગી ગઇ હતી. તમામ દર્દીઓની ચીસો સંભળાઈ હતી. PPE કીટ પહેરેલા બંને એટેન્ડન્ટ પણ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગતા જ 15 મિનિટમાં પોલીસ પહોંચી ગઈ હતી.
ફાયર ઓફિસરે કહ્યું અમે પહોંચ્યા ત્યારે ICU વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો
અમદાવાદ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે DivyaBhaksarને જણાવ્યું હતું કે, રાતે અમે પહોંચ્યા ત્યારે ICUમાં આગ લાગી હતી અને આખો વોર્ડ બળીને ખાખ થઈ ગયો છે. બીજી તરફ હોસ્પિટલમાં બીજા માળે 40 દર્દી હતાં, ત્યાં સુધી ધુમાડો હતો. જેમાં કેટલાક દર્દી તો ઓક્સિજન સાથે હતા. આ બધાની વચ્ચે અમારી 40 ફાયર જવાનોની ટીમ અંદર પહોંચીને પહેલાં તમામ જીવતા લોકોને બચાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમયે હોસ્પિટલમાં દર્દીઓ ડરી ગયા હતા પણ તેમને અમે બચાવીને SVPમાં મોકલ્યા છે. અમારો સ્ટાફ કોરોનાનાં દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યો છે અને અમે તેમને હોસ્પિટલ સુધી લઈ ગયા હતા એટલે અમે હવે ક્વોરન્ટીન છીએ.
ફાયર વિભાગના કર્મચારીઓએ 40 દર્દીને બચાવ્યા
શ્રેય હોસ્પિટલના ICUમાં આગે 10 જિંદગી ભરખી લીધી છે. ત્યારે આગમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના અધિકારી અને સ્ટાફ પોતાના જીવની ચિંતા કર્યા વિના બચાવ કામગીરી કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે હોસ્પિટલમાં પહોંચીને 40 કોરોનાનાં દર્દીને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડનો સ્ટાફ સીધો કોરોનાનાં દર્દીઓના સંપર્કમાં આવ્યા છે. તેથી તમામ ક્વોરન્ટીન થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.