માનવીય અભિગમ:નવરંગપુરા પોસ્ટ ઓફિસ વિધવાઓના ઘરે પહોંચી મદદ કરી, 41ને પેન્શન આપ્યું

અમદાવાદ3 વર્ષ પહેલા
  • શાહપુર,દિલ્હી ચકલા, ઘીકાંટાની 41 વિધવાઓને વિધવા પેન્શન ચુકવણી

કોરોના મહામારી અને બે માસના લોકડાઉન દરમિયાન પોસ્ટ ઓફિસ બંધ રહેતા વિધવાઓને તેમનું વિધવા પેન્શન લેવા માટે વલખા મારવા પડતા હતા. જોકે, નવરંગપુરા પોસ્ટ ઓફિસના કર્મીઓ ઘરે પહોંચીને 41 વિધવાઓને ખરા સમયે પેન્શન આપ્યું હતું,
યુવાનોએ પોસ્ટ માસ્ટરને પેન્શન આપવા રજૂઆતો કરી હતી
શાહપુર,દિલ્હી ચકલા,ઘીકાંટા વિસ્તારની વિધવાઓની વેદના ભરી અસહ્ય પરિસ્થિતિને જોતા શાહપુરના યુવાનો રમેશ રાઠોડ,ભરત ભાવસાર અને એડવોકેટ હર્ષ રાઠોડે છેલ્લા દોઢ માસથી નવરંગપુરા પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહને પેન્શનધારક મહિલાઓની પોસ્ટની પાસબુક તેમજ આધાર કાર્ડ મોકલી તેમનું જમા થયેલું પેન્શન અપાવવા વારંવાર રજૂઆત કરી હતી.
વિકલાંગ હોવાછતાં પોસ્ટમાસ્ટર શાહપુર ગયા
યુવાનોની વારંવારની રજૂઆતને પગલે આજે 27 મેના રોજ સિનિયર પોસ્ટમાસ્ટર અલ્પેશ શાહ પોતે વિકલાંગ હોવા છતાં તેમના સ્ટાફ સાથે કેન્ટોન્મેન્ટ વિસ્તાર શાહપુર ખાતે આવીને 41 વિધવા પેન્શનધારક મહિલાઓને કુલ રૂપિયા 88 હજારથી વધુ રકમની ચુકવણી કરી હતી.
વિધવાઓના ચહેરા પર ખુશી છલકાઈ
વિધવાઓને તેમનું વિધવા પેન્શન ઘર આંગણે મળતાં વિધવા મહિલાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી અને તેઓએ સિનિયર પોસ્ટમાસ્ટર અલ્પેશ શાહ તથા તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...