GTUના કુલપતિએ વિવાદ ઊભો કર્યો:નવીન શેઠે કહ્યું, હું ભાજપનો સમર્થક નથી, ગોપાલ ઈટાલિયા હિન્દુવિરોધી છે, માટે પોસ્ટ શેર કરી

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં અનેક પ્રકારના રાજકીય ખેલ શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકચાહના બાદ હવે રાજ્યમાં ભાજપ અને ‘આપ’ વચ્ચેની ચૂંટણીની લડાઈ શરૂ થઈ છે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રિક્ષાચાલક વડાપ્રધાનની સભામાં કેસરી ટોપી પહેરીને આવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું તો મોદીનો આશિક છું અને પહેલાંથી જ ભાજપમાં હતો, પરંતુ હવે શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો પણ વિવાદ ઉભો કરવામાં બાકાત નથી રહ્યા. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના કુલપતિએ ગોપાલ ઈટાલિયાને હિન્દુવિરોધી કહીને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

નવીન શેઠ અગાઉ ABVP સાથે જોડાયેલા હતા
GTUના કુલપતિની નિમણૂક સરકાર કરે છે, પરંતુ એ રાજકીય હોદ્દો નથી છતાં GTUના કુલપતિ નવીન શેઠે સોશિયલ મીડિયા પર AAPવિરોધી પોસ્ટ શેર કરી છે, જેને કારણે શિક્ષણજગતમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નવીન શેઠ અગાઉ ABVP સાથે જોડાયેલા હતા, જેથી ચૂંટણી નજીક આવતાં જ આ પ્રકારની પોસ્ટ શેર કરી હોવાનું માનવામાં આવે છે. માત્ર ભાજપ પ્રત્યે નફરતને લીધે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરનાર હિન્દુઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે, લખેલી પોસ્ટ GTUના કુલપતિ નવીન શેઠે તેમના ફેસબુક પર શેર કરી છે.

ભાજપના સમર્થક હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે
GTUના કુલપતિની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. કુલપતિનો હોદ્દો બિનરાજકીય છે છતાં ABVP સાથે જોડાયેલા હોવાથી તે રાજકીય ટિપ્પણી કરી રહ્યા હોવાની અધ્યાપકોમાં ચર્ચા ચાલી રહી છે. આ પ્રકારની પોસ્ટ શેર કરીને તેઓ ભાજપના સમર્થક હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ પોસ્ટ મૂકતાં વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નવીન શેઠે જણાવ્યું હતું કે ગોપાલ ઈટાલિયા અને તેમની પાર્ટી હિન્દુવિરોધી છે, એટલે આ પોસ્ટ મેં શેર કરી છે, પરંતુ હું ભાજપનો સમર્થક નથી.

યૂથ કોંગ્રેસ કુલપતિ પાસે ખુલાસો માગવા જશે
યૂથ કોંગ્રેસના મહામંત્રી ગૌરંગ મકવાણાએ જણાવ્યું હતું કે GTUના કુલપતિનો કાર્યકાળ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાનો છે. એ પહેલાંથી જ ABVP સાથે જોડાયેલા છે, જેથી હવે તેમને ફરીથી રિપીટ કરવામાં આવે એ માટે તે ભાજપને વહાલા થવા આ પ્રકારે જાહેરમાં પોસ્ટ શેર કરી રહ્યા છે, પરંતુ આ મામલે વિરોધ કરવામાં આવશે અને આગામી દિવસમાં GTUમાં જઈને કુલપતિ પાસે ખુલાસો માગવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...