તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક અદાલત:અમદાવાદમાં મિર્ઝાપુર કોર્ટ ખાતે કોરોના કાળ બાદ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ, હજારો પેન્ડિંગ કેસોનો બંને પક્ષોની સમજૂતીથી નિકાલ

અમદાવાદ23 દિવસ પહેલા
મિર્ઝાપુર ખાતે લોક અદાલત યોજાઈ હતી
  • ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શનમાં મિર્ઝાપુર કોર્ટમાં લોક અદાલત યોજાઈ
  • બંને પક્ષોના સમાધાન સાથે શાંતિના વાતાવરણમાં કેસોના નિકાલ કરાયો

કોરોના કાળમાં તમામ વેપાર-ધંધા, સરકારી વિભાગ અને ન્યાયાલય તમામને ઘણી અસર થઈ છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોર્ટમાં અરજન્ટ અને મહત્વના કેસોની જ સુનવણી થતી હતી. જેમાં હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી કાર્યવાહી ચાલતી હતી અને અન્ય ડિસ્ટ્રીક કોર્ટ થોડા સમય બંધ હતી. ત્યારબાદ તેમાં પણ વીડિયો કોન્ફરન્સિંગથી સુનવણી થતી હતી. તેના કારણે ઘણા કેસ પેન્ડિંગ રહેતા હતા જેમાં બંને પક્ષકારો જો સમાધાન કરવા માંગે તો પણ તેઓએ કોર્ટમાં તેમનો કેસ આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી. ત્યારે આજે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી આ લોક અદાલતમાં કોરોના કાળ દરમિયાન પેન્ડિંગ પડી રહેલા હજારો કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

લોકો અદાલતમાં 20601 કેસનો સમાધાન રાહે નિકાલ
આજે લોક અદાલતમાં વિવિધ પ્રકારના પેન્ડિંગ કેસો તથા પ્રિ-લિટિગેશન કેસો મળીને કુલ 33134 કેસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મોટર અકસ્માત વળતરના કુલ 312 કેસોનો સમાધાન રાહે નિકાલ કરાયો હતો. જેમાં 10 કરોડ 1 લાખ 96 હજાર 767 જેટલી રકમનું સમાધાન થયું હતું. એ સિવાયના 1421 કેસોનું પણ સમાધાન રાહે નિકાલ કરાયો હતો. જેમાં 51 કરોડ 74 લાખ 87 હજાર 926 રકમનું સમાધાન થયું હતું. જેમાં 19927 પેન્ડિંગ કેસ તથા 674 પ્રિ-લિટિગેશન કેસ મળી કુલ 20601 કેસનો નિકાલ થયો હતો.

હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ મિર્ઝાપુર ખાતે લોકઅદાલત યોજાઈ
કોરોના છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવી રહ્યો છે. જેથી અમદાવાદમાં હજારો કેસો પેન્ડિંગ હતા. જે આજે લોક અદાલત સમક્ષ આવ્યા છે અને જેમાં મોટા ભાગના કેસનો નિકાલ પણ થઈ ગયો છે. અમદાવાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઇન્ચાર્જ ચેરમેન નરેશ દવેએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નામદાર હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ આજે મિર્ઝાપુર ખાતે લોકઅદાલત યોજાઈ છે. જેમાં આજે અમે ઘણા કેસો જે પેન્ડિંગ છે તેનો નિકાલ આવે તેવા પ્રયાસ કરીશું.

લોક અદાલતમાં બંને પક્ષોની સમજૂતીથી કેસનો નિકાલ
તેમણે આગળ જણાવ્યું કે, લોક અદાલતમાં હંમેશા જે કેસનો નિકાલ થાય તે કેસના બંને તરફી પક્ષકારો રાજીખુશીથી સમાધાન કરતા હોય છે અને એ રીતે નિકાલ થતો હોય છે. આ બધા કેસમાં સમાધાન થવાથી સમાજમાં એક મેસેજ જાય છે. જેથી શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. બે પક્ષકારોને એકબીજા પ્રત્યેની ગેરસમજ હોય તો તે દૂર થાય છે. આ અદાલતમાં જૂના પેન્ડિંગ કેસોનો ઝડપી નિકાલ લાવવા અમે પ્રયત્ન કરીએ છીએ.

સમજાવટ અને ખુશીથી સમાધાન કરાવાના પ્રયાસ
એડવોકેટ ધર્મેશ ચૌહાણએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે જે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લોકોના કેસનો ઝડપથી નિકાલ થતા તેઓને અનેક ફાયદા થાય છે. તેઓનો સમય બચે છે, તેઓનો આર્થિક ખર્ચ પણ ઘટે છે. આ અદાલતમાં બંને તરફી પક્ષકારો સમાધાન માટે સંમત થાય પછી જ કેસનો નિકાલ થાય છે અથવા તેઓને સમાધન બાબતે કોઈ અસંજસતા હોય તો તેને પણ સમજાવીને કેસનો નિકાલ થાય તે રીતે પ્રયત્ન કરવામાં આવે છે. અને ખાસ વાત એ છે અહીં કોઈની જીત કે હાર નથી થતી બંને પાર્ટી સમજાવટથી અને ખુશીથી સમાધાન કરે છે.