વળતર ચૂકવવા આદેશ:અમદાવાદમાં પીરાણા આગકાંડમાં મૃતકોના પરિવારને 15 લાખ તથા ઈજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા ચૂકવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીરાણા પીપળજ રોડ પર આગનો બનાવ બન્યો એ દરમિયાનનો ફોટો. - Divya Bhaskar
પીરાણા પીપળજ રોડ પર આગનો બનાવ બન્યો એ દરમિયાનનો ફોટો.
  • રાજ્યમાં 10 મહિનામાં આગ લાગવાના 10 બનાવ બન્યા, જેમાં 40 લોકોનાં મોત થયાં
  • નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી

અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર બનેલી આગકાંડની ઘટના સંદર્ભે આજે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં ભોગ બનનારા પરિવારજનોએ જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી 4 લાખની સહાય મળી છે, પરંતુ કંપની દ્વારા જાહેર કરાયેલી 15 લાખની સહાય મળી નથી તેમજ કંપનીમાં વળતર અંગેની રજૂઆત કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને એ અંગે પણ કેમિકલ કંપની દ્વારા વધુ કડક નિયમો અંગે રજૂઆત કરાઈ હતી.

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ.

ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણીમાં શું કહ્યું?
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અમે માત્ર ઘટનાના પુરાવા જ લીધા છે. હજી આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે, જેથી અમે સરકાર કે અન્ય અધિકારીઓ વિશે કશું કહી ના શકીએ. આજે માત્ર આઠ વ્યક્તિ જ આવી હતી, જેમાં સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું, જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે. આજે માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજૂઆત સાંભળી છે. વધુમાં, ટ્રિબ્યુનલે એવું પણ કહ્યું હતું કે ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઘટી છે, જેથી કલેક્ટર અને કોર્પોરેશને તમામ વિગતો આપવી પડશે. આ બાબતે કમિટીની બેઠક મળશે, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. હાલમાં ટ્રિબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 15 લાખ તથા ઈજાગ્રસ્તને 5 લાખ આપવાનો આદેશ કર્યો છે.

આ સુનાવણીમાં ગ્રીન ટ્રિબ્યુનલ- દિલ્હી હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ બી.સી. પટેલ, અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, GPCB મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ અને K ડિવિઝનના ACP મિલાપ પટેલ તેમજ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર અને ઇન્ડસ્ટ્રિયલ સેફટીના ડાયરેક્ટર અને ઝોનલ ડાયરેક્ટર નાર્કોટિક્સ અધિકારીઓ તેમજ આગમાં ભોગ બનનારા પરિવારજનો લોકસુનાવણીમાં હાજર રહ્યાં હતાં.

પર્યાવરણમિત્ર સંસ્થાના મહેશભાઈ પંડ્યાએ પણ રજૂઆત કરી હતી.
પર્યાવરણમિત્ર સંસ્થાના મહેશભાઈ પંડ્યાએ પણ રજૂઆત કરી હતી.

સરકાર યોગ્ય કામગીરી કરે તો આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં
આ સુનાવણીમાં પર્યાવરણમિત્ર સંસ્થાના મહેશભાઈ પંડ્યાએ પણ રજૂઆત કરી હતી. તેમણે પોતાની રજૂઆતમાં કહ્યું હતું કે સરકાર અને તંત્ર યોગ્ય કામગીરી કરે તો આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે જ નહીં. રાજ્યમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બની છે. ત્યારે ફેબ્રુઆરીથી નવેમ્બર મહિના સુધીનો આગની ઘટનાઓનો રિપોર્ટ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સમગ્ર રાજ્યમાં આગની 14 ઘટના બની હતી, જેમાં 40 લોકો મોતને ભેટ્યા અને 172 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તપાસ કમિટીનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવામાં નથી આવતો
પર્યાવરણમિત્રના મહેશ પંડ્યાએ એવી પણ રજૂઆત કરી હતી કે જ્યારે પણ રાજ્યમાં આ પ્રકારની મોટી દુર્ઘટનાઓ બને છે ત્યારે રાજ્ય સરકાર એક તપાસ કમિટીની રચના કરે છે. આ તપાસ કમિટીનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવામાં નથી આવતો, જેથી અમારી માગ છે કે આવા રિપોર્ટ જાહેર કરવા જોઈએ. તપાસપંચોએ કરેલી ભલામણો કે નિર્દેશોનું અમલીકરણ થાય એ માટેનું મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવાની જરૂર છે.

રાજ્યમાં 10 મહિનામાં આગના 14 બનાવ બન્યા
ગુજરાતમાં ફેબ્રુઆરી 2020થી નવેમ્બર 2020 સુધી 10 મહિનામાં આગ લાગવાના 14 બનાવો બન્યા અને તેમાં 40 લોકોનાં મોત થયાં. એ ઉપરાંત આ પ્રકારના બનાવોમાં 172 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદ પીરાણા ખાતે સાહિલ એન્ટરપ્રાઈઝમાં આગનો બનાવ બન્ચા બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સફાળું જાગ્યું અને 40 જેટલી ફેક્ટરીઓ, કેમિકલ ગોડાઉનો બંધ કરાવ્યાં છે.

કોંગ્રેસે પણ રજૂઆત કરી
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ સુનાવણીમાં રજૂઆત કરી હતી કે સરકારે ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને કાર્યયોજનાઓ તૈયાર કરવી જોઈએ. ગુજરાતમાં લાંબા સમયથી ફાયરબ્રિગેડ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ફેક્ટરી ઈન્ફેક્શન જેવા અનેક વિભાગોમાં ખાલી રહેલાં પદો પર ભરતી કરવામાં આવે. એ ઉપરાંત રાજ્યમાં ગેરકાયદે ધમધમી રહેલાં ગોડાઉનો અને ફેક્ટરીઓ પર સરકારે પગલાં લેવા જોઈએ. આવી જગ્યાઓ પર શિક્ષિત લોકોને જ ટેક્નિકલી કામનું સંચાલન કરવા માટે રાખવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...