નેશનલ ડોકટર્સ ડે / અમદાવાદના બે ડોક્ટર કોરોના દર્દીઓની સારવાર કરતાં કોરોનાગ્રસ્ત થયા, ડ્યુટી પર પરત આવી બે વાર પ્લાઝમા પણ ડોનેટ કર્યા

X

  • ICUમાં દર્દીઓ સાથે રહી અને સારા અને ખરાબ બંને અનુભવો થયા
  • રજા લઈને ઘરે પરત ગયેલા ડોકટરે ડોકટરનો સારવાર બદલ આભાર માન્યો

અનિરુદ્ધસિંહ મકવાણા

અનિરુદ્ધસિંહ મકવાણા

Jul 01, 2020, 12:15 PM IST

અમદાવાદ. લોકમુખે સાંભળવા મળે છે કે ડોક્ટર ભગવાનનું બીજું રૂપ છે, તેમાં પણ હાલ ચાલી રહેલી મહામારી કોરોનાને કારણે તો ડોક્ટરો ભગવાન બનીને જ કરોડો દર્દીની સારવાર માટે મેદાને પડ્યા છે. તેમાં પણ મહામારી વચ્ચે આજે 1 જુલાઈ એટલે કે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ છે. હાલ ડોક્ટર્સ પણ કોરોના દર્દીની સારવાર દરમિયાન કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. તેમજ ઘણા ડોક્ટર્સે તો જીવ પણ ગુમાવ્યા છે. શહેરમાં પણ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો ડ્યુટી કરતા કરતા સંક્રમિત થયા છે અને સાજા થઈ પરત આવી ડોક્ટર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. SVP હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. વિશાલ પરમાર અને ડો. દર્શન પંડ્યા કોરોના પોઝિટિવ થયા હતા અને સાજા થયા બાદ  ફરજ પર હાજર પણ થઈ ગયા છે. એટલું જ નહીં બંને ડોક્ટરોએ બે વાર પ્લાઝમા પણ ડોનેટ કર્યા છે.

દર્દી જીવ ગુમાવે ત્યારે ખૂબ દુઃખ થાય છેઃ ડો. વિશાલ પરમાર
અમદાવાદની SVP હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો. વિશાલ પરમારે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોવિડ 19 હોસ્પિટલ જાહેર થતા જ અમને ICUમાં ડ્યુટી આપવામાં આવી હતી. એક અઠવાડિયા ડ્યુટી અને એક અઠવાડિયાનો ઓફ આપવામાં આવે છે. કોવિડ હોસ્પિટલના ICUમાં PPE કીટ પહેરી સતત 8 કલાક ફરજ બજાવવી પડે છે જે ખૂબ જ અઘરું કામ છે. કોરોનાનાં દર્દીઓ વચ્ચે રહેતા હોવાથી તેઓની સાથે ખૂબ જ સારા સંબંધો બંધાઈ જાય છે અને જ્યારે તેઓ જીવ ગુમાવે છે ત્યારે અમને ખૂબ જ દુઃખ પણ થાય છે. અમને અનેક સારી અને ખરાબ પરિસ્થિતિનો અનુભવ થાય છે. ખાસ કરીને દર્દીના સગા સાથે જ્યારે વાતચીત કરીએ ત્યારે ખરું ખોટું પણ સાંભળવું પડે છે. 

કોવિડ હોસ્પિટલના ICUમાં PPE કીટ પહેરી સતત 8 કલાક ફરજ બજાવવી પડે છે:ડો. વિશાલ પરમાર

‘કોરોના થયા બાદ 17 દિવસમાં ફરી દર્દીઓની સારવારમાં લાગી ગયો’
ડો. વિશાલ પરમાર આગળ કહે છે, ગાંધીનગરમાં UHCમાં ફરજ બજાવતાં 53 વર્ષના ડોક્ટર SVPમાં દાખલ થયાં અને તેમને તાત્કાલિક ઓક્સિજન પર રાખવા પડ્યા હતા. પરંતુ તેમની હાલત વધુ ખરાબ થતાં 4 દિવસ વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. ત્યાર બાદ રિકવરી દેખાતા તેઓને વેન્ટિલેટર પરથી હટાવ્યા અને 4 દિવસ પછી રજા આપી દીધી. રજા લીધા પછી ઘરે ગયા બાદ ફોન કરી ડોક્ટર તરીકે એક ડોક્ટરની જ સારવાર કરી હતી. જેનો તેમણે ખૂબ ખૂબ આભાર માન્યો હતો. દર્દીઓની સારવાર કરતા હું પણ કોરોના પોઝિટિવ થયો હતો. જેથી 5 દિવસ SVP હોસ્પિટલમાં દાખલ રહ્યો અને 12 દિવસ હોટલમાં ક્વોરન્ટીન થયો હતો. આમ 17 દિવસ બાદ ફરી ડ્યુટી પર હાજર થઈ ગયો હતો. તેની સાથે સાથે એક-એક મહિનાના સમયગાળામાં બે વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે.

દર્દીઓની સારવાર દરમિયાન 23 મેના રોજ હું કોરોના પોઝિટિવ થયો હતો: ડો. દર્શન પંડ્યા

કેટલાક દર્દીઓ હિંમત હારી જતા બીજા દર્દીઓના ઉદાહરણ આપી હિંમત આપતા: ડો. દર્શન પંડ્યા
જ્યારે ડો. દર્શન પંડ્યાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચના અંતમાં જ અમને કોરોનામાં ડ્યુટી આપી દેવામાં આવી હતી. કોરોના વોર્ડ અને ICUમાં ફરજ બજાવવાની હોવાથી 8 કલાક PPE કીટ પહેરી રાખવી પડતી હતી. તેમજ ICUમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ વધુ જોવા મળતા હતા. કેટલાક દર્દીઓ મનથી હિંમત હારી જતા હતા, પરંતુ તેઓને બીજા દર્દીઓના ઉદાહરણ આપી અમે હિંમત આપતાં હતા. દર્દીઓની સારવાર કરતા કોઈ દર્દીના સંપર્કમાં આવતા 23 મેના રોજ હું કોરોના પોઝિટિવ થયો હતો. જેથી SVP હોસ્પિટલમાં જ દાખલ થયો હતો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ 8 દિવસ હોટલમાં ક્વોરન્ટીન થવું પડ્યું હતું. ક્વોરન્ટીન પિરિયડ પૂર્ણ કરી ફરીથી ICUમાં જ દર્દીઓની સારવાર માટે ડ્યુટી પર હાજર થઈ ગયો અને અત્યારે અલ્ટરનેટ વીક ડ્યુટી આપવામા આવે છે. દર્દીઓની સારવાર માટે બે વાર પ્લાઝમા પણ ડોનેટ કર્યા હતા.

ડો. દર્શન પંડ્યા અને ડો. વિશાલ પરમારે એક-એક મહિનાના સમયગાળામાં બે વાર પ્લાઝમા ડોનેટ કર્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી