નેશનલ અવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ-એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન. તેમણે રામાયણમાં કર્યો હતો નિષાદ રાજનો રોલ. રામાયણમાં લંકેશનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદીના નિધન બાદ ગુજરાતી ફિલ્મોના વધુ એક જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 75ની વયે મુંબઈમાં નિધન થયું છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય આપ્યો છે. તેમના અંતિમસંસ્કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્યા છે.
નેશનલ અવૉર્ડ મળ્યો હતો
ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં ઘણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્મ માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય અવૉર્ડ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મજગતમાં 100થી વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યું છે.
ડીસાના ભીલડીમાં જન્મ
અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે 1-1-1946ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. ચંદ્રકાન્ત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી, જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી.
અમઝદ ખાનના મિત્ર
ચંદ્રકાંત પંડ્યાને જુદા જુદા સાત જેટલા અવૉર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમઝદ ખાન તેમના ગાઢ મિત્ર હતા. બન્નેએ સાથે કોલેજ કરી હતી. ઘોડે સવારીનો નાનપણથી જ શોખ હતો.
આ ફિલ્મોમાં કર્યું કામ
ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી. એ બાદ તેમણે ક્યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્ત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શકવર્ગ ઊભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત 100થી વધુ ફિલ્મોમાં તેમણે અભિનયનાં કામણ પાથર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.