મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:દિલ્હીના લાલ કિલ્લાથી નરેન્દ્ર મોદી સતત 8મી વાર તિરંગો ફરકાવશે, જૂનાગઢમાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ, વિજય માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ 52 કરોડમાં વેચાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર,આજે રવિવાર, તારીખ 15 ઓગસ્ટ, શ્રાવણ સુદ સાતમ, ભારતનો સ્વતંત્રતા દિવસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે જૂનાગઢના પરેડ ગ્રાઉન્ડમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, મુખ્યમંત્રી ધ્વજવંદન કરાવશે, રાજ્યભરમાં ઉજવણી થશે
2) સ્વતંત્રતા દિવસે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ એથ્લિટ્સ રાષ્ટ્રપતિ ભવન જશે, ગુજરાતી સ્વિમર માના પટેલને પણ આમંત્રણ
3) સુરતના સાંસદ અને રેલ તથા કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ આજથી ચાર દિવસ ચાલનારી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરશે
4) અમદાવાદ શહેરમાં આજે માત્ર બીજા ડોઝનું કોરોના વેક્સિનેશન ચાલુ રહેશે, પ્રથમ ડોઝ માટેનું વેક્સિનેશન બંધ
5) સુરતમાં કોરોના વેક્સિનનો માત્ર બીજો ડોઝ અપાશે, કોવિન વેબસાઈટનો મેસેજ અને ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લીધી હોય તેમના માટે અલાયદી વ્યવસ્થા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં સૌ પ્રથમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિનો અમલ, અધવચ્ચે અભ્યાસ છોડનારને ફાયદો થશેવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શનિવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બહુવિધ પ્રમાણપત્ર અમલમાં મૂકનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે.વીએનએસજીયુના વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડાએ સેનેટની બેઠક બોલાવી હતી. જ્યાં વર્તમાન શૈક્ષણિક વર્ષ 2021-22થી એનઇપી હેઠળ એમસીના અમલીકરણ માટે યુનિવર્સિટી કાનૂન 229 (બી) માં ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે.જેથી અધવચ્ચે અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને ફાયદો થશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ) 'બાયોડીઝલ નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે': જયેશ રાદડીયા
ગેરકાયદે બાયોડીઝલના વેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 30 દિવસથી 1121 જેટલી રેડ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે પૂરવઠા મંત્રી જયેશ રાદડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બાયો ડીઝલ નાબૂદ કરવા પોલીસ સાથે સંકલન કરી મોટાપાયે દરોડા પાડવામાં આવશે. અને ગેરકાયદેસર ચાલતો બાયો ડીઝલનો વેપાર 100% નાબૂદ થાય તેવા પ્રયત્નો અમે કરશું.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાયું, અરજદારોને ડોક્યુમેન્ટ જમા કરાવવા હાઇકોર્ટ સુધી નહીં જવું પડે
ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાયું છે. આ ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો તથા પક્ષકારોના સમયનો બચાવ થશે. અરજદારોએ હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઇકોર્ટ સુધી નહીં લાંબુ થવું નહીં પડે. તેઓ માય કેસ સ્ટેટસ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતાં ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરી શકશે. આ સાથે જ હાઇકોર્ટનો ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી આપવાનો પ્રયાસ છે. આ માટે એન્ડ્રોઇડ અથવા iOS પ્લેટફોર્મ પર ઇ-કોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

4) મોદી સરકારમાં ગુજરાતના 5 નવ નિયુક્ત મંત્રીઓ રાજ્યમાં યાત્રાઓ કરશે,કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. મહેન્દ્ર મુંજપુરા અમદાવાદમાં યાત્રા યોજશે
વડાપ્રધાન મોદીની સરકારમાં ગુજરાતના પાંચ સાંસદો મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતાં જનતાના આશિર્વાદ લેવા 16મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી “જન આશિર્વાદ યાત્રા” યોજશે. સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના 43 મંત્રીઓ 212 લોકસભા અને 19 હજાર કિ.મીથી વધુ યાત્રા કરીને પ્રજાના દ્વાર સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ યાત્રાના સંદર્ભે 16મી ઓગસ્ટે કેન્દ્રિય રાજ્યકક્ષાના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અમદાવાદમાં યાત્રા યોજાશે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગુજરાત યુનિવર્સિટીની તમામ સ્ટ્રીમના પેપર આંગળીના ટેરવે મોબાઈલમાં જ જોઈ શકાશે, વિદ્યાર્થીઓએ 10 હજાર પેપરની એપ તૈયાર કરી
પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષના પેપર પરીક્ષાની તૈયારી કરવા માટે મદદરૂપ થાય છે. પેપર માટે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ અને લાયબ્રેરી કે અન્ય જગ્યાએ તપાસ કરતા હોય છે. પરંતુ તેમાં વિદ્યાર્થીઓને ક્યારેક મુશ્કેલી પણ આવે છે. જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી અને GLS યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની તમામ સ્ટ્રીમના પેપર એક એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને સરળતાથી પેપર મળી રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદના કણભામાં જે દીકરાના ઉછેર માટે પિતાએ બીજા લગ્ન કર્યા તેને જ મારીને સાવકી માએ લાશ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી
પિતાએ પુત્ર સચાવવા બીજા લગ્ન કર્યા, તેના મોત બાદ માતાએ પુત્રના નામે ઉઘરાણા કર્યા, ખબર પડી તો એ જ દીકરાને મોતને ઘાટ ઉતાર્યોસભ્ય સમાજમાં રૂપિયા માટે સંબંધનું ખૂન કરવાની ઘટના અમદાવાદ શહેરને અડીને આવેલા કણભા ગામ પાસે બની છે. બાળકોને મોટા કરવા પિતાએ બીજા લગ્ન કર્યા, પણ સાવકી માતાએ જેવું પતિનું મોત થયું કે દીકરાના નામે રૂપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું. આ વાત દીકરાને ખબર પડતાં માતાએ તેના મિત્રને મહારાષ્ટ્રથી બોલાવીને તેની હત્યા કરવી દીધી છે. ત્યાર બાદ લાશને સળગાવીને કોથળામાં મૂકી ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં અમદાવાદ જિલ્લા પોલીસે હત્યાના ગુનામાં માતાની ધરપકડ કરી છે. આ અગાઉ આ મહિલાએ પોતાના સગા દીકરાની પણ હત્યા કરી હોવાની વિગત સામે આવી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) રાષ્ટ્રપતિ અશરફ ગની પર રાજીનામાનું દબાણ બનાની રહ્યું છે અમેરિકા, તાલિબાન વચગાળાની સરકાર બનાવે તેવી શક્યતા
તાલિબાની લડાકુઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી હવે માત્ર 11 કિમી દૂર છે. એટલે કે માત્ર 10 મિનિટના અંતર પર. છેલ્લા કેટલાક દિવસોમાં આ લડાકુઓએ અફઘાનિસ્તાનના ઉત્તરી, પશ્ચિમી અને દક્ષિણી રાજ્યો પર કબ્જો કર્યા બાદ રાજધાની કાબુલ તરફ ઝડપથી કૂચ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસોમાં જ તાલિબાને 190 કિલોમીટરનાં અંતર કાપી આ વિસ્તારો પર અંકૂશ મેળવી લીધો છે. ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અશરફ ગની પર અમેરિકા સતત રાજીનામું આપવાનું દબાણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે તેઓ એક શાંતિ યોજના પર કામ કરી રહ્યા છે. તે યોજના શું છે તેના વિશે વધુ જાણકારી આપવામાં આવી નથી.
વાંચો સમાચાર વિગતવાર

8) વિજય માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ 52 કરોડમાં વેચાયું, હરાજી માટે 8 વાર થયા હતા પ્રયાસો
અંતે ભાગેડુ વેપારી વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. એને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપર્સ સેટર્ન રિયલ્ટર્સે 52 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. કિંગફિશર હાઉસને ડેટ રિક્વરી ટ્રેબ્યુનલે (DRT) વેચ્યું છે. વેચાણ ભાવ એની રિઝર્વ પ્રાઈસ 135 કરોડથી લગભગ એક તૃતીયાંશ છે. આ પ્રોપર્ટી કિંગફિશર એરલાઈન્સની હેડ ઓફિસ હતી. માલ્યાની એરલાઈન્સ કંપની હવે બંધ થઈ ગઈ છે. કંપની પર SBIના નેતૃત્વવાળી બેન્કોનું અંદાજે 10 હજાર કરોડનું દેવું છે. પ્રોપર્ટીનો એરિયા 1,586 સ્ક્વેર ફૂટ છે, જ્યારે પ્લોટ 2,402 સ્ક્વેરફૂટનો છે. ઓફિસના બિલ્ડિંગના બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર અને બે અપર ફ્લોર છે.
વાંચો સમાચાર વિગતવાર

9) ગંભીર રીતે બીમાર બાળકોને દેશમાં પહેલાં અપાશે કોરોના વેક્સિન, સંપૂર્ણ સ્વસ્થ બાળકોએ વેક્સિન માટે જોવી પડશે રાહ
ભારત સરકાર બીમારીથી પીડિત 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું વેક્સિનેશન ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જોકે, સંપૂર્ણપણે સ્વસ્થ બાળકોને હાલ પૂરતા વેક્સિનેશનનો લાભ મળે તેવી નહીંવત શક્યતા છે. કોવિડ-19 વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપનારી સમિતિના મતે વર્તમાન સમયમાં દેશમાં 40 કરોડ બાળકો છે. તમામનું વેક્સિનેશન શરૂ કરવામાં આવે તો તેવા સંજોગોમાં અગાઉથી ચાલી રહેલા 18+ ઉંમરના લોકોના વેક્સિનેશનને અસર થઈ શકે છે. સૌ પ્રથમ એવા બાળકોને વેક્સિન આપવામાં આવશે કે જેઓ ગંભીર રીતે બીમાર છે. જેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે, જન્મથી કેન્સરગ્રસ્ત છે અથવા હૃદય સંબંધિત બીમારીનો શિકાર બનેલા બાળકોને આ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગેંગરેપ પીડિતાના પરિવારની ઓળખાણ જાહેર કરવા બાબતે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી
2)PM મોદીએ કહ્યું- ભાગલાનું દુ:ખ ક્યારેય ભૂલી નહીં શકાય, લાખો ભાઈઓ-બહેનોને બેઘર થવું પડ્યું હતું
3) તાલિબાને કહ્યું- ભારતે અફઘાનિસ્તાનમાં સેના મોકલી તો સારું નહીં થાય, ભારતે આપ્યો સણસણતો જવાબ- તાકાતના દમ પર રચાયેલી સરકારને સમર્થન નહીં
4) સુરતમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેરમાં ઉજવ્યો પોતાનો બર્થડે, ધારાસભ્ય અને અન્ય લોકોએ માસ્ક પણ ન પહેર્યા
5) દુબઈ એક્સ્પોમાં ભાગ લેનારી વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરાશે, રૂપાણી એક્સ્પોમાં જાય તેવી સંભાવના
6) રાજકોટમાં મનપા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં 75 જગ્યા સામે 700 ફોર્મ ભરાયા,ડ્રો કરી પ્રવેશ અપાશે
7) અમદાવાદમાં બાળકોમાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઉલટી, શરદી અને તાવના કેસો વધ્યાં, ઓગસ્ટના 12 દિવસમાં 475 બાળકોને દાખલ કરાયા

આજનો ઈતિહાસ
વર્ષ 1947માં આજના દિવસે ભારતીયોએ અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી.

અને આજનો સુવિચાર
દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ. - સાયરસ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...