ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપની સરકાર બની રહી છે. સમગ્ર દેશમાં ભગવાની વાત કરીએ તો ભાજપ અને તેના સાથીપક્ષો આ પરિણામો સાથે 18 રાજ્યમાં સત્તા પર યથાવત છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં પણ આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવી રહ્યા છે.
'મારું ગામ, મારું ગુજરાત' થીમથી ચૂંટણી પ્રચારનો આરંભ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશનનો પ્રારંભ મોદી 11 માર્ચ એટલે કે શુક્રવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાંથી કરશે. અહીં 'મારું ગામ, મારું ગુજરાત'ના નામના સરપંચ સંમેલનમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને ભેગા કરવામાં આવશે. ગ્રામ્ય સશક્તિકરણની સાથે ગામડે-ગામડે ભાજપની વિકાસ યોજનાઓના અમલીકરણના પ્રચારનો પણ મોદીનો માસ્ટરસ્ટ્રોક છે.
મિશન 150 માટે ભાજપની શક્તિપ્રદર્શનની કવાયત
GMDC ગ્રાઉન્ડના આ કાર્યક્રમ થકી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો પણ શંખનાદ કરશે. આ માટે જ 11 માર્ચે મોદીના કાર્યક્રમમાં વિરાટ શક્તિ પ્રદર્શન માટે 1.50 લાખથી વધુની ભીડ એકત્ર કરવામાં આવી રહી છે. મોદી આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલા કાર્યકર્તાઓએ ગુજરાતની ચૂંટણી અંગેનું માર્ગદર્શન આપશે. ભાજપનું આ વિરાટ શક્તિ પ્રદર્શન મિશન 150 બેઠકો માટેનું માનવામાં આવી રહ્યું છે.
11મીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી PMનો રોડ-શો
11મીએ સવારે દિલ્હીથી વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી ગાંધીનગર સ્થિત કમલમ સુધી મોદીનો રોડ-શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ-શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે રસ્તાની બાજુએ હાજર રહેશે. રાજ્યના અલગ-અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે.
ખેલ મહાકુંભ, રક્ષાશક્તિ યુનિ.નો દીક્ષાંત સમારોહમાં પણ મોદી જશે
વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. આની સાથોસાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.