ઉ. ભારતમાં શીત લહેરને કારણે રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડી રહેશે, ત્યાર બાદ ઠંડીમાં ઘટાડો થશે. હવામાન નિષ્ણાતના અનુસાર, ઉત્તર ભારતની શીત લહેરની સાથે રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસર રાજ્યમાં થઈ છે. બંને સિસ્ટમની અસરથી લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. વેધર એક્સપર્ટ અંકિત પટેલે જણાવ્યું કે, હજુ ત્રણ દિવસ ઠંડી યથાવત્ રહેશે. ફેબ્રુઆરીની શરૂઆત બાદ ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને ઠંડીમાં ઘટાડો થશે. શનિવારે નલિયાનું તાપમાન ગગડીને 3.5 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં શનિવારે લઘુતમ તાપમાન ઘટીને 10.9 ડિગ્રી સુધી પહોચ્યું હતું. ઉપરાંત પોરબંદર, કેશોદ, કંડલા એરપોર્ટ, ડિસા, ગાંધીનગર, વડોદરામાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.
કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં નીચે રહ્યું હતું. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 2 ડીગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાઇ શકે છે. નલિયામાં હજુ આગામી બે દિવસ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે. દરમિયાન નલિયા-ગાંધીનગર ઉપરાંત ડીસા-કેશોદ-કંડલા-અમરેલી-વલ્લભવિદ્યાનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, રાજકોટ, ભાવનગર અને પોરબંદરમાં કોલ્ડવેવની સ્થિતિ બનશે.
બરફવર્ષાની અસરથી તાપમાનનો પારો સતત નીચે સરકી રહ્યો છે
જમ્મુ-કાશ્મીરમાં ઠંડી 30 વર્ષનો રેકોર્ડ તોડી રહી છે. બે દિવસ પહેલાં કાશ્મીરમાં થયેલી બરફવર્ષાની અસરથી તાપમાનનો પારો સતત નીચે સરકી રહ્યો છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન -5.6 ડીગ્રી સુધી નીચે ઊતરી ગયું. કાશ્મીરના પહાડી વિસ્તાર પહેલગામમાં -12.3 ડીગ્રી અને ગુલમર્ગમાં -13.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના મુખ્ય શહેર લેહમાં -16.8 ડીગ્રી તાપમાન, કારગિલમાં -21.3 ડીગ્રી અને દ્રાસમાં -28.1 ડીગ્રી તાપમાન નોંધાયું.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું જોર ઘટશે
અમદાવાદમાં 11.2 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડીગ્રીનો ઘટાડો, જ્યારે 26.7 ડીગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.5 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં તાપમાન 13 ડીગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યાર બાદ ઠંડીમાં ઘટાડો અનુભવાશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાન 15 ડીગ્રીથી વધી શકે છે.
શહેર | તાપમાન (ડીગ્રીમાં) |
અમદાવાદ | 11.2 |
ગાંધીનગર | 6.8 |
રાજકોટ | 11.1 |
પોરબંદર | 11.8 |
સુરત | 13.8 |
વડોદરા | 10.4 |
વલસાડ | 10 |
સુરેન્દ્રનગર | 11.2 |
ભુજ | 11.4 |
નલિયા | 4.3 |
ભાવનગર | 11 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.