એલિસબ્રિજ બેઠક:એલિસબ્રિજમાંથી મારી ટિકિટ અશાંતધારાને લીધે નહીં, ખોટા બ્રિફિંગથી કપાઈ : રાકેશ શાહ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાસ્કર સાથે સીધી વાતમાં કહ્યું, 5 વર્ષમાં એલિસબ્રિજમાં મુસ્લિમ મતદાર 360, હિન્દુ મતદાર 30 હજાર વધ્યા છે
  • હરેન પંડ્યાથી વધુ લોકપ્રિયતા હોવાનો દાવો

અમદાવાદ વિધાનસભાની 16 બેઠકો પૈકી વટવા સિવાય તમામ બેઠક ઉપર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેદવારોએ પોતપોતાના મતક્ષેત્રમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, ભાજપે શહેરમાંથી સાગમટે 13 સિટિંગ ધારાસભ્યોને બદલી નવા ઉમેદવારો મૂક્યા છે.

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદની એલિસબ્રિજ બેઠક અશાંતધારા ભંગ મુદ્દે વિવાદમાં રહી હતી. આ મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે કહ્યું હતું કે, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી આ બેઠક પર ત્રણ ટર્મ ધારાસભ્ય બનવા ચાન્સ આપ્યો હતો, પણ આ વખતે ભાજપમાં તેમની વિરૂદ્ધ મિસ બ્રિફિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2017 અને વર્ષ 2022 મતદાન યાદીની સરખામણી કરવામાં આવે તો આ બેઠકમાં છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 360 મુસ્લિમ મતદારો વધ્યા છે. જેની સામે હિન્દુ મતદારો 30 હજાર જેટલા વધ્યા છે.

અલિસબ્રિજ બેઠક પર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમો માટે ફ્લેટની સ્કિમમાં ભાગીદારી કરી હોવાનો તેમની સામે આક્ષેપ છે. તે મુદ્દે રાકેશ શાહે કહ્યું કે, પાર્ટી અને સંઘ પરિવારમાં તેમની ખોટી છાપ ઊભી કરવામાં આવી છે. એલિસબ્રિજ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષમાં ખૂબ ડેવલપમેન્ટ થયું છે અને જમાલપુર અને જુહાપુરાને જોડતો સૌથી લાંબો વાસણા ઓવરબ્રિજ એલિસબ્રિજ વિસ્તારમાં છે તેના કારણે સ્વભાવિક મુસ્લિમ ધર્મના લોકોની અવર જવર આ વિસ્તારમાં વધી છે, પણ આ લોકો મતદારો નથી.

તેમણે દાવો કર્યો હતો કે, એલિસબ્રિજના હિન્દુ મતદારો ભાજપથી ક્યારેય વિમુખ થયા નથી. હરેન પંડ્યા આ બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે 100એ 66 મત ભાજપને મળતા હતા જ્યારે તેમના કાર્યકાળ દરમિયાન મતનો સરેરાશ 100એ 80 મત થયો હતો.

ટિકિટ કપાવા મુદ્દે કયાં ઉમેદવારે શું કહ્યું

સુરેશ પટેલે કહ્યું, ભ્રષ્ટાચાર નથી કર્યો, માપદંડમાં ફીટ નહીં હોઉં

કૌશિક પટેલે તબિયત સારી નહીં રહેતી હોવાનું કહી જાતે જ ઉમેદવારી કરવા ઈન્કાર કર્યો છે.

કિશોર ચૌહાણે કહ્યું કે પ્રજાના ખૂબ કામો કર્યા છે. પાર્ટીએ મને ખૂબ આપ્યુ છે.

જગદીશ પેટલે કહ્યું, બીજાં કારણો છે. અત્યારે મિટિંગ ચાલી રહી છે.

બલરામ થવાણીએ કહ્યું કે, પાર્ટીને સવાલ કરી શકું નહીં. પાર્ટીએ જેને ટિકિટ આપી છે તેને જીતાડવા મહેનત કરશું

અરવિંદ પટેલે કહ્યું કે, કામથી કોઈ અસંતોષ નથી. પાર્ટી નિર્ણય મારે સ્વીકારવાનો હોય.

પ્રદિપ પરમારે કહ્યું કે, પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો અને મંત્રી પણ બનાવ્યો તેનાથી સંતુષ્ટ છું.

અન્ય સમાચારો પણ છે...