એક્સક્લૂઝિવ:વહુ-દીકરાને ગુમાવનાર માતાનો કલ્પાંત, કહ્યું- મારી રાધે-શ્યામની જોડી વિખેરાઈ ગઈ, સરકારને વિનંતી કે મારી જેમ બીજી કોઈ માની આંતરડી ના કકળે

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: સારથી એમ.સાગર
  • અમદાવાદ સોલા ઓવર બ્રિજ અકસ્માત: દ્વારકેશ મિત્રો સાથે ગોવા ફરવા જવાનો પ્લાન કરતો હતો
  • જુલીને માતા-પિતાની સાથે સાસુ-સસુરાની સેવા કરવી હતી
  • પરિવારની એક જ માગ- જેણે પણ કર્યું છે તેની સામે સખત પગલાં લઈ અમને ન્યાય અપાવો
  • અન્ય ઘરડા મા-બાપનાં દીકરા-વહુ ના છીનવાય એવી કાર્યવાહી કરો

દીકરાના લગ્નને હજી બે મહિના જ થયા કે અમદાવાદના હતભાગી વાણિયા પરિવારને કુદરતે કારમી થપાટ મારી છે. સોલા ઓવર બ્રિજ પર પુત્ર-પુત્રવધૂનાં કરુણ મોતથી પરિવાર તદ્દન ભાંગી પડ્યો છે. ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાં પણ માતા-પિતા અને બહેનોનાં ડૂસકાં બંધ નથી થતાં. દીકરાને યાદ કરીને માતાની આંખમાં દળ દળ આંસુઓ વહ્યાં જ કરે છે. પિતા તો સાનભાન જ ભૂલી ગયા છે, જ્યારે બે મોટી બહેન હવે રાખડી કોના હાથે બાંધશે એ યાદ કરીને કરુણ કલ્પાંત કરી રહી છે. નોંધનીય છે કે ગત તારીખ 28મી મેના રોજ મોડીરાત્રે સોલા ઓવર બ્રિજ પર સ્વિફ્ટ ડિઝાયર કારે ટીવીએસ જ્યુપિટર પર જતાં યંગ કપલને પાછળથી ટક્કર મારી હતી, જેમાં તેઓ ઊછળીને બ્રિજ નીચે પટકાયાં હતાં. અકસ્માતમાં પતિ દ્વારકેશ વાણિયા અને પત્ની જુલીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

દિવ્ય ભાસ્કરની ટીમે ચાંદખેડામાં રહેતા મૃતક દ્વારકેશના પરિવારની મુલાકાત લીધી હતી. એમાં કેમેરા સામે વાત કરતાં કરતાં પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડ્યા હતા. પરિવાર આ અકસ્માત કરનારને કડકમાં કડક સજાની માગ કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ આવું કરતાં પહેલાં સો વાર વિચાર કરે.

જેણે આ કર્યું છે તેને કુદરત માફ નહીં કરે
દીકરાનો નવો સંસાર હજી શરૂ જ થયો હતો, વહુને હજી સરખા લાડ પણ નહોતા લડાવ્યા, ત્યાં આ વ્રજઘાતે માતાને હમચાવી દીધાં હતાં. રડતાં રડતાં વાત કરતાં દ્વારકેશનાં માતા મીનાબેને કહ્યું હતું કે મારી રાધે-શ્યામની જોડી ઘડીકમાં વિખેરાઈ ગઈ. જેણે આ કર્યું છે તેને કુદરત માફ નહીં કરે. સરકારને વિનંતી છે કે મારી આંતરડી કકળી એવી બીજી કોઈ માની ના કકળે. એના સિવાય મારી પાસે બીજા કોઈ શબ્દ નથી. આટલું કહેતાં જ તેમને ડૂમો ભરાઈ આવ્યો હતો અને વધુ કંઈ બોલી નહોતાં શક્યાં.

એવી સજા આપો કે કોઈ બીજા ભૂલ કરતાં પહેલાં સો વાર વિચારે
દ્વારાકેશનાં પરિણીત મોટા બહેન શીતલબેને ભાવુક થઈને કહ્યું, હિટ એન્ડ રનનો કેસ બને છે, એમાં જે મૃતકનો પરિવાર લાચાર બને છે તેમને કાયદાકીય રીતે એટલો ન્યાય આપો કે હવે પછી એક્સિડન્ટ કરીને ભાગવાવાળાને ખબર પડે કે તમારી એક નાની પાંચ કે દસ મિનિટની ભૂલ સામેવાળા પરિવારનું બધું છીનવી લે છે. આ જેણે પણ કર્યું છે તેની સામે સખત પગલાં લઈ અમને ન્યાય અપાવો. સામેવાળાની પાંચ મિનિટની ભૂલમાં અમારો આખો પરિવાર બરબાદ થઈ ગયો. ફરી આવા કેસ ના થાય એટલે આનું સખત પરિણામ લાવી અહી જ સ્ટોપ કરવા વિનંતી છે. અકસ્માત સર્જનારી વ્યક્તિની કેટલી લાપરવાહી હશે? આના કરતાં મર્ડર કરવાવાળી વ્યક્તિ મર્ડર કરે છે એ પણ સરળ હશે. આ ઘટના જે વ્યક્તિથી બની છે તેને એટલી સખત સજા મળે કે આ જ પછી રસ્તામાં કોઈ વાહન લઈને નીકળે તો તેને પણ એ જ વિચાર આવે કે મારાથી આ ભૂલ ના થવી જોઈએ. જેણે આ કર્યું છે તે જ્યાં હશે, જીવશે ત્યાં સુધી પળે પળે રિબાઈને મરશે. જીવનમાં એ વ્યક્તિ જ્યારે પણ પોતાને જોશે ત્યારે તેને લાગ્યા કરશે કે આના કરતાં હું મરી ગયો હોત તો સારું હતું.

શીતલબેને વધુમાં કહ્યું કે મારો ભાઈ દ્વારકેશ તો અનમોલ રતન હતો પણ એની સાથે જોડાયેલી વ્યક્તિ હતી જુલી, એ અનમોલ રતનને પણ અમે ગુમાવ્યું છે. એનું વ્યક્તિત્વ સારું હતું. એ એની સારાઈ ફક્ત બે મહિનામાં મૂકીને ચાલી ગઈ. અમારી પાસે એની ફક્ત યાદો સિવાય કશું જ નથી. અમે જુલી માટે જેટલું કહીશું એટલું ઓછું છે પણ એટલું છે કે એ બંને એકબીજા માટે બન્યા હતા અને એકબીજા સાથે ગયા છે.

અન્ય ઘરડા મા-બાપનાં દીકરા-વહુ ના છીનવાય એવી કાર્યવાહી કરો
દ્વારકેશના બનેવી હસમુખભાઈએ જણાવ્યું હતું કે મારા સસરાનું જૂનું ઘર રાણીપમાં હતું. શનિવારે રાત્રે ત્યાંથી મારા પર ફોન આવ્યો હતો કે બે જણાએ વિગત આપી છે કે તમારા સસરાનો એક્સિડેન્ટ થયો છે, એટ્લે હું મારા સસરાના ઘરે પહોચ્યો હતો, પરંતુ ત્યાં તેઓ પોતે હાજર હતા, જેથી મેં દ્વારકેશ અને જુલીને ફોન કર્યો હતો, પરંતુ તેમણે રિસીવ કર્યા નહોતો, એટલે અમે ટેન્શનમાં આવી ગયા . થોડીવાર બાદ અમને જાણ થઈ કે બંનેનો અકસ્માત થયો છે. મારી સરકારને એટલી જ વિનંતી છે કે ફરી કોઈ અન્ય ઘરડા મા-બાપનાં દીકરા ને વહુ ના છીનવાય એવી કાર્યવાહી કરે. આટલું કહેતાં જ તેઓ રડી પડ્યા હતા. બાદમાં હસમુખભાઇએ ઉમેર્યું કે દ્વારકેશના પિતા હસમુખભાઈનું આધારકાર્ડ દ્વારકેશ પાસે જ હતું, જેના આધારે લોકો શોધતાં શોધતાં જૂના ઘરે પહોંચ્યા હતા.

સરકાર સ્પીડ પર પ્રતિબંધ લગાવે, ટૂ-વ્હીલર ચલાવવું ભારે પડી જશે
કાકા કનુભાઇએ કહ્યું હતું કે એ રાત્રે પોલીસનો ફોન આવ્યો અને અમે સોલા સિવિલમાં ગયા ત્યારે બંનેના મૃતદેહો જોઈને અમારી ઉપર આભ તૂટી પડ્યું હતું. બાદમાં સગાંને ત્યાં બોલાવી લીધા. અમને કહેવામાં આવ્યું કે સવારે પોસ્ટમોર્ટમ થશે પછી બોડી મળશે. બીજા દિવસે નવ વાગ્યે અમને બોડી મળી. સાણંદથી ગોતા સુધીનો જે એસજી હાઇવે બનાવ્યો છે, ત્યાં એટલા પૂરઝડપે વાહનો જઇ રહ્યાં છે કે ટૂ-વ્હીલરને તો ચલાવવા માટે કોઈ સ્થાન જ નથી. સરકારને વિનંતી છે કે બે બાજુ જે પાળી છે એ ઊંચી કરવી જોઈએ. એવું નહીં કરે તો ટૂંક સમયમાં ટૂ-વ્હીલર ત્યાં ચલાવવું ભારે પડી જશે. સરકારે ત્યાં સ્પીડ પર રોક લગાવવી જોઈએ, જેથી ફરીવાર કોઈનો પરિવાર ન નંદવાય.

જુલીને માતા-પિતાની સાથે સાસુ-સસુરાની સેવા કરવી હતી
કનુભાઇએ વધુમાં કહ્યું હતું કે જ્યારે સગાઈ કરવાની હતી ત્યારે જુલીએ કહ્યું હતું કે હું એક જ પુત્રી છું. મારે મારાં માતા-પિતાની સેવા કરવાની છે. તો એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, જે ચાંદખેડામાં જ રહેતી હોય, જેથી હું મારાં માતા-પિતા સાથે સાસુ-સસરાની પણ સંભાળ રાખી શકું. બાદમાં લગ્ન થતાં બંનેએ સાસુ-સસરા અને માતા-પિતાની સંભાળ રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ એ પહેલાં જ જુલીનું સ્વપ્ન રોળાઈ ગયું.

દ્વારકેશ મિત્રો સાથે ગોવા ફરવા જવાનો પ્લાન કરતો હતો
દ્વારકેશના મિત્ર સ્વ્પ્નેશ નાગરે જણાવ્યું હતું કે દ્વારકેશ મારો સ્કૂલ સમયનો મિત્ર હતો. મારે સગો ભાઈ કોઈ નથી, તે મારા સગા ભાઈથી પણ વિશેષ હતો. તેના લગ્નને બે મહિના જ થયા હતા. આ બે મહિનામાં અમે ઘણો સારો સમય પસાર કર્યો હતો. અમે ગોવા જવાનો પ્લાન પણ કરી રહ્યા હતા, પણ એવા સમયે આ ખરાબ સમાચાર અમને મળ્યા છે. બે જ મહિના પહેલાં તેના લગ્ન થયા હતા. બધા મિત્રો ભેગા થઈને ત્રણ દિવસ સાથે રહ્યા હતા, એ દિવસો ખૂબ યાદ આવી રહ્યા છે. આટલા દિવસ થયા હોવા છતાં જે વ્યક્તિ અકસ્માત સર્જીને ગઈ છે તેની કાર હોવા છતાં હજી કોઈ ભાળ નથી મળી રહી. તેના ઘટનાસ્થળના ફોટા જોઈએ તો ખ્યાલ આવે છે કે તે વ્યક્તિએ એ સમય દરમિયાન બહુ જ વેદના ગણતરીની સેકંડોમાં ભોગવી હશે.

ઘટના શું હતી?
અમદાવાદના ચાંદખેડામાં આસ્થા સ્ક્વેર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ રામજીભાઇ વાણિયા પોલીસમાં ASI પદેથી રિટાયર થયા છે. પરિવારમાં બે મોટી દીકરી અને એક નાનો દીકરો દ્વારકેશ હતો. 34 વર્ષીય દીકરા દ્વારકેશના બે મહિના પહેલાં 28 માર્ચના રોજ હર્ષદભાઈ મેકવાનની 32 વર્ષીય દીકરી જુલી સાથે લગ્ન થયા હતા. દ્વારકેશ વાણિયા આસ્થા મોટર્સ નામનો ટૂ-વ્હીલરનો શોરૂમ ચલાવતો હતો. નવપરિણીત કપલે હસીખુશીથી નવી જિંદગી શરૂ કરી હતી. બંનેએ અનેક સપનાં સજાવ્યા હતા. દરમિયાન લગ્નના બે મહિના પૂરા થતાં એનિવર્સરી પર કપલ SG હાઈવે પર નવું ખરીદેલું ટીવીએસ સ્કૂટર લઈને ડિનર પર નીકળ્યું હતું, જ્યાં બંનેએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો, પણ કપલને ક્યાં ખબર હતી કે તેમની જિંદગીની આ છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. રાત્રે કપલ સ્કૂટર પર બેસીને ઘરે જવા નીકળ્યું હતું. કપલ જેવું સોલા ઓવરબ્રિજ પર પહોચ્યું કે પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર-GJ01 KP 9398)એ ધડામ દઈને ટક્કર મારી હતી.

બ્રિજના બોલ્ટ સાથે ઘસાતાં દ્વારકેશનાં આંતરડાં બહાર આવી ગયાં
કારે એટલી ભયંકર રીતે ટક્કર મારી હતી કે સ્કૂટર રોડ પર અનેક ફૂટ સુધી ઢસડાયું હતું. બે ઘડી કંઈ સમજે એ પહેલાં દ્વારકેશ પણ બ્રિજ નીચે પટકાયો હતો. દ્વારકેશ બ્રિજ ઉપરથી નીચે પડ્યો એ પહેલાં સાઈડની પાળી પર લાગેલા એક ફુટના બોલ્ટ સાથે ઘસાયો હતો. આ કારણે તેનું પેટ ફાટીને આંતરડાં બહાર આવી ગયાં હતાં. બોલ્ટ પર તેના શર્ટનો એક ટુકડો પણ ચોંટી ગયો હતો. નીચે પડેલા દ્વારકેશનું ત્યાં ને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બે સેકન્ડ બાદ જુલી ઊછળીને બ્રિજની નીચે માથાભેર પટકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...