કોર્પોરેટર ભરી સભામાં રડી પડ્યા:'વી.એસ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં મારી માતા મૃત્યુ પામી' કહીને દરિયાપુરના કોર્પોરેટર સભાગૃહમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા

અમદાવાદ6 મહિનો પહેલા
AMCની બેઠકમાં ભાવુક થયેલા મહિલા કોર્પોરેટરની તસવીર - Divya Bhaskar
AMCની બેઠકમાં ભાવુક થયેલા મહિલા કોર્પોરેટરની તસવીર
  • કોંગ્રેસના કોર્પોરેટર સમીરા શેખના માતાનું વી.એસ હોસ્પિટલમાં પાંચ દિવસ પહેલા અવસાન થયું હતું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2022-23ના રૂ.8807 કરોડના બજેટને મંજૂરી આપવા આજે બજેટની સામાન્ય સભા મળી હતી. બજેટ સત્ર દરમ્યાન વી.એસ હોસ્પિટલના બજેટની ચર્ચામાં વી.એસ હોસ્પિટલમાં તમામ સારી સારવાર આપવામાં આવતી હોવાનું વાસણાના કોર્પોરેટરે જણાવ્યું હતું. જોકે દરિયાપુરના કોંગ્રેસના જ કોર્પોરેટર સમીરા શેખ પોતાની માતાને વી.એસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે તેમને બચાવી શકાય નહોતા. આ વાતનો ઉલ્લેખ કરતા કોર્પોરેટર સભામાં રડી પડ્યા હતા.

પાંચ દિવસ પહેલા જ કોર્પોરેટરના માતાનું અવસાન
કોંગ્રેસના દરિયાપુરના કોર્પોરેટર સમીરા શેખે કહ્યું કે, વી.એમાં યોગ્ય સારવાર ન મળી અને તેના કારણે તેમનું અવસાન થઈ ગયું. પાંચ દિવસ પહેલા જ મારી માતાનું અવસાન થઇ ગયું એમ કહીને કોર્પોરેટર સમીરા શેખ રડી પડ્યા હતા. જેને લઈને સભાગૃહમાં થોડીવાર માટે ગમગીની છવાઈ હતી. કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ તેઓને સાંત્વના આપી હતી અને ભાજપના કોર્પોરેટરોને પૂછ્યું હતું કે, બોલો હવે કેમ નથી બોલતાં?

સામાન્ય સભામાં રડી રહેલા કોંગ્રેસના કોર્પોરેટર
સામાન્ય સભામાં રડી રહેલા કોંગ્રેસના કોર્પોરેટર

બિમાર માતાને લઈને SVP અને VS વચ્ચે ધક્કા ખાતા રહ્યા કોર્પોરેટર
કોર્પોરેટર સમીરા શેખે જણાવ્યું હતું કે, પાંચેક દિવસ પહેલા તેમના માતાની તબિયત બગડતાં ડાયાલીસીસ કરાવવાનું હતું જેથી તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ SVP હોસ્પિટલમાં મા કાર્ડ ચાલતું નથી જેના કારણે સારવાર કરવાની ના પાડી હતી. તેથી તેઓને VS હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડોકટરોએ ડાયાલિસિસ ન થઈ શક્તું હોવાથી SVPમાં જ લઈ જવાનું કહ્યું હતું અને આ રીતે સારવાર ન મળતાં તેઓ મૃત્યુ પામ્યા હતા.

દાણાપીઠ ખાતે મહાત્મા ગાંધી હોલમાં AMCની સામાન્ય સભા
મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતેના મહાત્મા ગાંધી હોલમાં બજેટને મંજૂરી આપવા સામાન્ય સભાની બેઠક શરૂ થઈ હતી. જેમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એમ.જે લાયબ્રેરી, વી.એસ હોસ્પિટલ તેમજ AMTS બજેટ અંગે ચર્ચા થઈ હતી. જોકે બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સભાગૃહમાં હોબાળો કરતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોની તસવીર
સભાગૃહમાં હોબાળો કરતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોની તસવીર

વિપક્ષ નેતાએ કમિટી સભ્યોને 'વાંદરા' કહ્યા
બજેટ સત્રની ચર્ચા દરમ્યાન કમિટીમાં વિરોધ પક્ષના નેતાઓને સમાવવા મામલે મહાદેવ દેસાઈ બોલતા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કહ્યું હતું કે, ગાંધીજીના જેમ ત્રણ વાંદરા હતા એમ તમામ કમિટીમાં 12 વાંદરાઓ છે એમ કહેતા ભાજપના સભ્યો રોષે ભરાયા હતાં. પોતાની જગ્યા પરથી ઉભા થઇ અને ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બધા સભ્યો આમને સામને આવી ગયા હતા. મેયરે તમામને સમજાવી પરત મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...