પપ્પા-સંતાનો વચ્ચે સંબંધો બદલાઈ રહ્યા છે:''સાહેબ, આ મારા દીકરાને સમજાવોને... આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, મારૂં માનતો જ નથી...''

17 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી
  • એક સમયે પિતાજી પોતે જ કાઉન્સેલર હતા, હવે ડેડી તેના બાળકોને કાઉન્સેલર પાસે લઈ જાય છે

જો તમે 40-50 વર્ષના હો તો યાદ કરો કે, તમે નાનાં હતા ત્યારે પપ્પાનો ડર રહેતો. એમના ઠપકામાં પ્રેમ હતો, એ સમજાવીને આપણને મનાવી લેતા. એ સમયની પેઢીના સંતાનો પણ પિતાજીને માન આપતા. આજના સંતાનો અને તેના ડેડી વચ્ચે ફ્રેન્ડશિપ વધારે હોય છે અને તેનાં સારાં અને ખરાબ બંને પરિણામો જોવા મળે છે. એક સમય હતો કે પિતાજી પોતે જ સંતાનાનું કાઉન્સેલિંગ કરતા, પણ હવે સમય બદલાયો છે અને પિતાજી તેના સંતાનને પ્રોફેશનલ કાઉન્સેલર પાસે લઈ જતા થયા છે.

ફાધરની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ફાધરને ફ્રેન્ડ માનવાના કારણે જ પિતા પ્રત્યેનું રિસ્પેક્ટ ઘટતું જાય છે. પિતા પોતે એવું ઈચ્છે છે કે પોતાનું સંતાન એ જ ભણે જે પોતે એક સમયે ભણી શક્યા નથી. તે એ જ કરે જે પોતે કરી શક્યા નથી. પોતે ફાધર છે એટલે પોતે કહે તેમ થવું જોઈએ. જ્યારે સંતાન પોતાની ઈચ્છા પૂરી કરવા મથે છે. અહીંથી જ શરૂ થાય છે પિતા અને બાળક વચ્ચે ડિસ્પ્યુટ. આના કારણે આશ્ચર્ય થાય એવા કેસ કાઉન્સેલર્સ કે સાઇકોલોજિસ્ટ પાસે આવે છે. આ કેસમાંથી ત્રણ કેસ એવા વાંચો જે આંખ ઉઘાડનારા છે.

કેસ-1
પાલનપુરનો આરવ સાતમા સ્ટાન્ડર્ડમાં ભણે. ઉંમર માત્ર 12 વર્ષ. સવારમાં તેની મમ્મીને આરવ દેખાયો નહીં. તે શોધવા લાગી પણ આરવ એક રૂમ બંધ કરીને અંદર બેસી ગયો હતો. બહારથી મમ્મીએ દરવાજો ખખડાવ્યો અને આરવના નામની બૂમ પાડી. પણ તેણે દરવાજો ખોલ્યો નહીં. આરવનો કોઈ અવાજ પણ અંદરથી નહોતો આવતો. તેની મમ્મીએ તરત આરવના પપ્પાને જગાડ્યા. ''ઉઠો, આરવે રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો છે.'' તેના પપ્પા પણ સફાળા ઊભા થયા અને દરવાજો ખખડાવ્યો. તેના પપ્પાએ પૂછ્યું, આરવ તારે શું જોઈએ છે ? તારે જે જોઈતું હશે તે લઈ આપીશ. અંદરથી આરવ બોલે છે, ના... મારે કાંઈ નથી જોઈતું. હું દરવાજો નહીં ખોલું ને સુસાઇડ જ કરી લઇશ. આ વાક્ય સાંભળતાં જ તેની મમ્મી રડવા લાગી. તેના પપ્પાને પણ પરસેવો વળી ગયો. નજીકમાં રહેતા આરવના મામાને બોલાવાયા ને મામાએ પ્રેમથી આરવને સમજાવ્યો. આરવ બહાર તો આવ્યો પણ રૂમમાં શા માટે પુરાયો હતો તેનું કારણ સામે ન આવ્યું.
અંતે તેના પપ્પા આરવને સાઇકોલિજસ્ટ અને બ્રેઈન કીના CEO ડો. ફેનિલ શાહ પાસે કાઉન્સેલિંગ માટે લઈ ગયા. કાઉન્સેલરે આરવને અલગ રૂમમાં લઈ જઈ સારી રીતે સવાલ પૂછ્યા અને તેના દિમાગમાં ચાલતી વાત બહાર કઢાવી. કાઉન્સેલરે આરવને પૂછ્યું, બેટા, તું રૂમમાં શા માટે પુરાઈ ગયો હતો અને સુસાઇડની વાત કરાય ? આ સારૂં ન કહેવાય. તારી મમ્મી તો કેટલું રડતી હતી.... આ સાંભળીને આરવ બોલ્યો, ''મને મારા પપ્પા આખો દિવસ ભણવા માટે ખૂબ ફોર્સ કરે છે એટલે હું રૂમમાં જ પુરાઈ રહીશ, બહાર નહીં જ નીકળું...'' - આ કેસ પરથી એક મેસેજ ચોક્કસ મળે છે કે પિતા તરીકે બાળકો પર કોઈ પ્રકારનું પ્રેશર ન કરો. તેને જે ગમતું હોય તે કરવા દો. ભણવા માટે પણ પ્રેમથી સમજાવો. દરેક ફાધરે આ વાત સમજવી પડશે. બાળકોને કોઈ વસ્તુ નથી જોઈતી, માત્ર સમય જોઈએ છે.

કેસ-2
અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતી જ્યોતિ કોલેજના ફાઇનલ યરમાં છે. તેને ફેશન ડિઝાઈનિંગનો બહુ શોખ. તેને કોર્સ કરીને એ દિશામાં જ કારકિર્દી બનાવવી હતી પણ તેના ડેડી માન્યા નહીં. જ્યારે જ્યારે જ્યોતિ કહેતી કે, મારે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કરવો છે તો એના પિતાજી તરત કહેતા કે એવું બધું કાંઈ કરવાની જરૂર નથી. કોલેજ પૂરી કર ને એકાદ કંપનીમાં નોકરીએ લાગી જા. તારા લગન થઈ જાય પછી જે કરવું હોય તે કરજે.
જ્યોતિ તેના પપ્પાના દબાણથી અકળાતી હતી. તેને પોતાના મનગમતાં ફિલ્ડમાં આગળ વધવું હતું. તે ફેશન ડિઝાઈનિંગના વીડિયો પણ યુટ્યૂબમાં જોયા કરતી. આ બાબતે રોજ માથાકૂટ થવા લાગી અને એક દિવસ એવો આવ્યો કે જ્યોતિ ઘણું ભૂલવા લાગી. ખાંડના બદલે મીઠું નાંખતી તો ક્યારેક પાડોશના બાળકોને ખોટાં નામ લઈને બોલાવતી.
જ્યોતિની મમ્મીને ટેન્શન થવા લાગ્યું. તેના પપ્પા તો કહેતા જ હતા કે, આ બધાં નાટક છે. ભૂલવાનો ઢોંગ કરે છે. પણ તેની મમ્મીએ જીદ્દ પકડીને અંતે જ્યોતિને લઈને સિનિયર સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી પાસે એ પહોંચ્યા. સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ આપ્યા પછી ડો. ભીમાણીએ કહ્યું કે, જ્યોતિને જે ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે તેમાં આગળ વધવા દો. તેને પ્રેશરાઈઝ ન કરો. થેરાપિથી ઠીક થઈ જશે પણ મન ઉપર દબાણ ન કરતા. પછી તેના પપ્પાને પણ પોતાની ભૂલ સમજાઈ. આજે જ્યોતિ ઘેર બેઠાં ઓનલાઈન ફેશન ડિઝાઈનિંગના ક્લાસ કરે છે અને તેની માનસિક સ્થિતિ પણ સારી છે.

કેસ-3
રોબિન 9th સ્ટાન્ડર્ડમાં આવ્યો. પણ એને સતત મોબાઈલની ટેવ. સવારે બ્રશ પછી કરે, પહેલાં મોબાઈલ હાથમાં લે અને વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામમાં નજર કરે. આ સીલસીલો છેક રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહે. તેના પપ્પા તેના પર ગુસ્સો કરે, પ્રેમથી સમજાવે, ક્યારેક મોબાઈલ છુપાવે પણ રોબિનની આ આદત જતી નહોતી. અંતે તેમણે સાઇકોલોજિસ્ટ અને કાઉન્સેલરનો સંપર્ક કર્યો. હવે થયું એવું કે, રોબિનના પપ્પા કાઉન્સેલર સામે બેઠાં અને પોતાનું ધ્યાન પણ મોબાઈલમાં હતું. એ વોટ્સએપના મેસેજ વાંચતાં વાંચતાં જ કહેતા હતા કે, સાહેબ રોબિનને સમજાવો ને કે આખો દિવસ મોબાઈલ કર્યા કરે છે તો તેનું મગજ બગડી ગયું છે. અમારું તો માનતો નથી. ત્યારે ડોક્ટરે કહ્યું, તમે મારી સાથે વાત કરો છો પણ તમારૂં ધ્યાન તો મોબાઈલમાં જ છે ને ? જે ઘરમાં માહોલ હશે, બાળક એ જ શીખશે. તમે બાળકને સમય આપો, એનામાં ઈન્વોલ્વ થાવ તો એ એના વિચારો તમને કહેશે. ડોક્ટરની વાત સાંભળ્યા પછી રોબિનના પપ્પાને થયું કે, ભૂલ મારી જ છે.

ફાધર હોવાનો અહેસાસ
અત્યારનો ડિજિટલ જમાનો છે અને આજની જનરેશન એડવાન્સ છે. તેમના માટે વડીલ, સંસ્કારનું સિંચન, માન આપવું આ બધી વાત ગૌણ છે અથવા નવી પેઢી સમજવા તૈયાર નથી. આજના પિતાજીઓએ એટલું સમજી લેવાની જરૂર છે કે તમારૂં સંતાન જન્મે ત્યારથી જ તમે ફાધર બનો છો. ત્યાં સુધી પુત્ર કે પતિ હો છો પણ પિતા બન્યા પછી જવાબદારી વધે છે. આજની પેઢીના પિતાઓએ પિતા તરીકેની મેચ્યુરિટી કેળવવાની છે. દિવસમાં કાંઈ ન કરો પણ માત્ર વીસ મિનિટ તમારા બાળકને આપો, તો પણ બાળકને ફાધરની હૂંફ મળશે અને ફાધરને પણ ફાધર હોવાનો અહેસાસ થશે.

અન્ય સમાચારો પણ છે...