શુક્રવારે શહેરનાં દરિયાપુરના મરકજમાંથી લવાયેલાં 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી. જેથી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. 5 કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરાઈ હતી.
મુસ્લિમ ડોક્ટરની નિયુક્તિ કરવામાં આવી
શહેરનાં દરિયાપુરમાં દિલ્હી મરકજમાંથી આવેલા 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. જોકે હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી, જેથી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરની કાઉન્સિલિંગ માટે નિયુક્તિ કરાતા લગભગ પાંચ કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ બાદ તબલીઘીઓ મેડિકલ તપાસ માટે તૈયાર થયા હતા. સોલા સિવિલ હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં લવાયેલાં 26 તબલીઘીઓમાંથી 2 અમદાવાદ, 1 વલસાડ, 9 યુપીનાં મુઝફ્ફરનગર, 10 યુપીના આઝમગઢ અને હૈદરાબાદનાં વતની છે, 26માંથી 1 ડાયાબિટીસનો દર્દી છે, તેમજ 6 લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
બધા ટોળું વળીને એકબાજુ ઊભા રહી ગયા
તમામ તબલીઘીઓને બપોરે 12.00 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં લવાયા હતા અને મેડિકલ તપાસ શરૂ કરતાં તબલીઘીઓએ સરકાર અમને ઇન્જેક્શન કે દવા આપીને મારી નાંખવા માંગે છે તેવી આશંકા સાથે મેડિકલ તપાસ કે પ્રિવેન્શનની ગોળી લેવાની ના પાડી દીધી હતી. અમે સ્વસ્થ છીએ, અમને ખોટી રીતે ગોંધી રખાયા છે, તેમ બૂમબરાડા પાડીને મેડિકલ તપાસ કરાવવાની કે પ્રિવેન્ટિવ મેડિશિન લેવાની ના પાડી દીધી હતી અને ટોળું વળીને એક બાજુ ઊભા થઇ ગયા હતા. અમને જમવાની, ચા નાસ્તા કે પાણીની કોઇ સુવિધા અપાતી નથી, અમને અહીંથી જવા દો કહીને આખી હોસ્પિટલ માથે લીધી હતી. અંતે હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. આર.એમ. જીતિયાએ જિલ્લા કલેક્ટરને સમગ્ર સ્થિતિ જણાવીને કોઇ મુસ્લિમ ડોકટર સોલા સિવિલમાં નિયુક્ત કરવાની માગણી કરી હતી, જેથી કલેક્ટરનાં આદેશથી સાંજે 5.00 વાગ્યે ધોળકાથી એક મુસ્લિમ ડોકટર હોસ્પિટલ આવ્યા હતા. મુસ્લિમ ડોક્ટરે આઇસોલેશન વોર્ડમાં જઇને તમામ તબલીઘીઓનું કાઉન્સેલિંગ કરીને વિશ્વાસમાં લીધા હતા.
1 કલાક સુધી તમામને સમજાવ્યા હતા
સરકાર તમને મારી નાંખવા નહિ પણ અન્ય લોકોમાં કોરોના ફેલાતો અટકાવવા તમને આઇસોલેટ કરાયા છે. સરકાર તમને કોરોના છે કે નહીં તેની તપાસ કરીને તમને બચાવવા માગે છે. તેમની તપાસથી અન્ય લોકોમાં આ રોગને ફેલાતો અટકાવવા મેડિકલ તપાસ કરવાની છે. લગભગ 1 કલાકની સમજાવટ બાદ તબલીઘીઓ મેડિકલ તપાસ માટે તૈયાર થયા હતા. તેમના ઇસીજી, આરબીએસ અને છાતીના એક્સ-રે જેવા ટેસ્ટ કર્યાં હતા. 26માંથી 6 લોકો 18 વર્ષથી નાની ઉંમરનાં હોવાથી ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ દ્વારા તેમની તપાસ કરાઇ હતી. - ડૉ. આર.એમ. જીતિયા, સુપરિન્ટેન્ડન્ટ, સોલા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.