પોલીસ ક્યારે જાગશે?:અમદાવાદ શહેરમાં માત્ર 9 મહિનામાં જ બે દંપતી સહિત 6 સિનિયર સિટિઝનનાં મર્ડર, હત્યારાઓએ દાગીના-રોકડ સહિતની લૂંટ ચલાવી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોલામાં દંપતીની ગળાં કાપી હત્યા કરી લૂંટ ચલાવી હતી
  • ઘાટલોડિયામાં પત્નીને ખુરશી પર અને પતિને બેડ પર જ રહેંસી નાખ્યાં હતાં

અમદાવાદ શહેરમાં 9 મહિનામાં જ બે દંપતી સહિત 6 સિનિયર સિટિઝનની હત્યા થતાં જીવનની ઢળતી સંધ્યાએ એકલવાયું જીવન જીવતા સિનિયર સિટિઝનો ફફડી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત સિનિયર સિટિઝનોની સુરક્ષા માટે કાર્યરત હોવાની વાતો કરે છે. કમનસીબી એ છે કે 9 મહિનામાં જ 6 સિનિયર સિટિઝન્સની તેમના ઘરમાં જ હત્યા થઈ છે.

ગત માર્ચ મહિનામાં શહેરના સોલા વિસ્તારના શાંતિવન પેલેસમાં રહેતાં સિનિયર સિટિઝન દંપતીની હત્યા થયા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે હાલ સિનિયર સિટિઝનનો ડેટા એકત્ર કરી રહ્યા છીએ તેમજ આગામી સમયમાં એકલા રહેતા સિનિયર સિટિઝનને કઈ રીતે મદદ થઇ શકે એ માટે એનજીઓ અને અન્ય સંસ્થા સાથે મળીને કામ કરીશું. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહે જણાવ્યું હતું કે અત્યારસુધી શહેરના 5000 સિનિયર સિટિઝન્સનો ડેટા અમારી પાસે છે તેમજ આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન લેવલે પણ આવા એકલા રહેતા સિનિયર સિટિઝન મુદ્દે અમે કામગીરી કરવા માગીએ છીએ.

જોકે પોલીસે સિનિયર સિટિઝનોની સુરક્ષા અંગે માત્ર વાતો જ કરે છે અને માત્ર કાગળ પર જ કામગીરી બતાવી રહી છે, જેનો સૌથી મોટો પુરાવો માત્ર 9 મહિનામાં જ થયેલી 6 સિનિયર સિટિઝન્સની હત્યા છે.

ફેબ્રુઆરી, 2021: વેજલપુરમાં વૃદ્ધાની હત્યા, ઘરેણાં ગાયબ હતાં
ફેબ્રુઆરી 2021માં શહેરના વેજલપુરમાં 80 વર્ષનાં વૃદ્ધા મેનાબેન ઠાકોરની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયા નહોતાં, જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેમણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી તેમજ મૃતદેહ પરથી ઘરેણાં પણ ગાયબ હતાં.

માર્ચ, 2021: દંપતીની હત્યા બાદ રૂ.50 હજાર અને દાગીનાની લૂંટ
શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસના 2 નંબરના બંગલોમાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન એવાં અશોક પટેલ અને જ્યોત્સ્નાબેન પટેલ નામના દંપતીની 4 લૂંટારા દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનના બંગલામાં ઘૂસી આવેલા 4 લૂંટારા બંનેની ગળાં કાપી હત્યા કરી ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ભાગી ગયા હતા. ત્યાર બાદ હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.

અશોક પટેલ અને જ્યોત્સ્ના પટેલની લોહી લુહાણ હાલતમાં પડેલી લાશ.
અશોક પટેલ અને જ્યોત્સ્ના પટેલની લોહી લુહાણ હાલતમાં પડેલી લાશ.

આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાંચની 3થી 4 ટીમ ગિઝોરા પહોંચી હતી, જ્યાં સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવી હતી, જેમાં રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 4 સાગરીતને પણ પોલીસે ઝડપી લીધા હતા. ચારેય પાસેથી પોલીસે લૂંટના પૈસા તેમજ જ્યોત્સ્નાબહેનના દાગીના અને હત્યા કરવા માટે વાપરેલાં ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે સગા ભાઈએ બનેવી સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો
આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ભરત ગૌડ દંપતીના ઘરમાં સુથારીકામ કરતો હતો. ઘરમાં દાદા-દાદી એકલાં હતાં. એની જાણ તેને હતી અને તેની સાથે ઘરમાં દાગીના અને રૂપિયા પણ હોવાની જાણ તેને હતી, જે માટે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. આ પાંચ આરોપીમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગૌડ અને ભરત ગૌડ સાળો-બનેવી, જ્યારે રાહુલ ગૌડ અને ભરત ગૌડ સગા ભાઈઓ છે.

આરોપી ભરત મૃતક એવા અશોક પટેલના ઘરે સુથારીકામ કરતો હતો. ભરતનાં બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે માટે તેણે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. એને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ(માર્ચ,2020) છે તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે પણ આરોપીઓને જાણ હતી.

2 નવેમ્બર,2021: વૃદ્ધ દંપતીએ બૂમો પાડતાં જ હત્યા કરી
દિવાળીના બે દિવસ પહેલાં એટલે કે 2 નવેમ્બરના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સિટિઝનની લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમાં વૃદ્ધ દંપતી એકલું હતું ત્યારે અજાણ્યા શખસો ઘૂસી આવ્યા હતા, જેમણે લૂંટના ઇરાદે તેમના પર હુમલો કરી દીધો હતો, જેમાં વૃદ્ધ દંપતીનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ રહી રહીને થતાં પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ મર્ડર મિસ્ટ્રીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી હતી.

ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા બે આરોપી મુકુટ અને ઈમને પોલીસને જણાવ્યું હતું કે હત્યાની રાત્રે તેઓ સોસાયટીમાં ફરી રહ્યા હતા. તેમને એવું હતું કે દિવાળીના તહેવારમાં કોઈ ઘર એવું મળી જશે, જ્યાં કીમતી સામાન હશે. તેઓ જ્યારે વૃદ્ધ દંપતીના બ્લોક પાસે પહોંચ્યા ત્યારે ઉપરના માળે અવાજ આવતો હતો. થોડીવાર રહીને તેઓ એક ઘરમાં ઘૂસીને કીમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. આ દરમિયાન વૃદ્ધ દંપતીએ અવાજ કરતાં જ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ ભરચક વિસ્તાર હોવાથી તેઓ ડરતાં ડરતાં ત્યાંથી ભાગી ગયા હતાં. આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ લૂંટનો હતો, પણ વૃદ્ધ દંપતી બૂમો પાડશે અને તેઓ પકડાઈ જશે એવા ડરથી હત્યાને અંજામ આપ્યો હતો.

સાબરમતી વિસ્તારમાં દેવેન્દ્ર રાવતનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.
સાબરમતી વિસ્તારમાં દેવેન્દ્ર રાવતનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.

17 નવેમ્બર,2021: સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની ગળું કાપી હત્યા
17 નવેમ્બર,2021ના રોજ સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘૂસી 62 વર્ષના દેવેન્દ્ર રાવતનું ગળું કાપી હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પણ ગાયબ હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

શહેરમાં 2020માં 41 સિનિયર સિટિઝન્સ પર હુમલા
રાજ્ય સરકારે માર્ચ, 2021માં વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓમાં મેટ્રોસિટી તરીકે જાણીતા અમદાવાદમાં જ સિનિયર સિટિઝનો પર વર્ષ 2020માં 41 હુમલાની ઘટનાઓ બની હોવાનું જણાવ્યું છે. આ જ પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યમાંય સિનિયર સિટિઝન્સ પર હુમલો થવાની 12 ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી.