અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ગત 2021-22ના વર્ષમાં વ્હીકલ ટેક્સની 131 કરોડથી વધુની આવક થવા પામી હતી. ગત વર્ષે 131 કરોડની આવક થઇ હતી. તેની સામે તેના આગલા વર્ષમાં મતલબ કે 2020-21માં 88 કરોડની આવક થઇ હતી. આમ 2020-21ની સરખામણીમાં સને 2020-21માં 43 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનની 100 કરોડની આવકના ટાર્ગેટ કરતાં પણ વધુ આવક થઇ હતી.
106 કરોડ રૂપિયા ફોર-વ્હીલરના ટેક્સ પેટે મળ્યા
અમદાવાદ શહેરની હદમાં શહેરીજનો દ્વારા ખરીદવામાં આવતાં વાહનના માલિક પાસેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી રોડ ટેક્સ વસૂલવામાં આવે છે. વાહનના પ્રકાર પ્રમાણે નિયત કરાયેલ ટેક્સની રકમની વસૂલાત કરવામાં આવે છે. આ ટેક્સ બાદ જ આરટીઓ તરફથી વાહનનું પાસીંગ કરવામાં આવે છે. ગત 2021-22ના વર્ષમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને વાહનના ટેક્સ પેટે કુલ 131,56,47,142 રૂપિયાની આવક થઇ હતી. જેમાં સૌથી વધુ ફોર વ્હીલરના ટેક્સ પેટે 106,09,13,377ની આવક થઇ હતી. જયારે ટુ-વ્હીલરના ટેક્સ પેટે 17,90,42,730 ની આવક થઇ હતી. તેની સામે 2020-21ના વર્ષમાં 71,02,70,431ની આવક થવા પામી છે.
2020-21 કરતા 43 કરોડ વધુ આવક
વર્ષ 2020-21ની સરખામણીમાં 2021-22ની આવક વધવા પાછળના કારણો અંગે સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોનાના કારણે 2020-21માં આવક ઘટી હતી. તેની અસર ઘટવાના કારણે બજારો ચાલુ થઇ જતાં ધંધા-રોજગાર પુન: ધમધમવા લાગ્યા છે. જેના કારણે નાગરિકોની ખરીદ શક્તિ વધી છે. આ ઉપરાંત લકઝયુરીયસ કાર પર ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમ જ અગાઉ બાકી હોય તેવા વાહનચાલકો દ્વારા પણ ટેક્સ ભરવામાં આવ્યો હોવાથી ટેક્સની આવકમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદમાં નવા વિસ્તારો ઉમેરાતા ફાયદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વ્હીકલ ટેક્સની આવકમાં વધારો થવાના અન્ય કારણોમાંથી એક છે એપ્રિલ 2021થી અમદાવાદ શહેરની હદમાં બોપલ, ઘુમા, સનાથળ, અસલાલી, ખોડિયાર, કઠવાડા, નાના ચિલોડા, ગેરતપુર, બિલાસિયા, રણાસણ સહિતના વિસ્તારોનો સમાવેશ. આ નવા ઉમેરાયા વિસ્તારોના કારણે ત્યાં રહેતા રહીશો દ્વારા AMCને વ્હીકલની ટેક્સની આવકમાં ઘણો વધારો થયો છે.
ઉપરાંત વાહન માલિકો પાસેથી 2019ના વર્ષથી વસૂલાત કાઢીને ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. જેના કારણે પણ AMCની તિજોરી આ વર્ષે વ્હીકલ ટેક્સની આવકથી છલોછલ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.