મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડવાની હોનારતમાં તપાસ કરી રહેલી સીટે કેસના તપાસના વચગાળાનો અહેવાલ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં સીટે ખુલાસો કર્યો હતો કે, આ દુઘટર્ના પાછળ વહીવટી અને ટેક્નિકલ દૃષ્ટિકોણથી મોરબી નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ થાય છે. સીટ દ્વારા કોર્ટ સમક્ષ સૂચન કરેલું કે આ પ્રકારના જાહેર બાંધકામો કે લોકોની વધુ પડતી આવન જાવન થતી હોય એવી જગ્યાએ જાળવણી અને સમયસર જરૂરી પગલાં લેવા જોઈએ. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી 21 ડિસેમ્બરે હાથ ધરવાનો નિર્દેશ કર્યો છે.
રાજ્યભરના પૂલોની સ્થિતિનો સર્વે કરી અહેવાલ રજૂ કરવાના હાઈકોર્ટના આદેશના અનુસંધાનમા રાજ્ય સરકારે કોઈ વિગતો રજૂ નહીં કરતાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી ગંભીર ટકોર કરી હતી કે, મોરબી ઝૂલતા પુલ તૂટી પડવાની અન્ય દુઘટર્ના ન બંને તે માટેની તકેદારી અને પગલાં લેવા જરૂરી છે. હાઈકોર્ટે રાજ્યના તમામ પુલોની સ્થિતિનો સર્વે આ પુલોની જાળવણી કેવી રીતે થાય છે. તે અંગે શું પગલાં લેવામાં આવે તેની માહિતી માગી છે. મોરબી નગરપાલિકા અને રાજય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં કેટલીક વિગતો વિરોધાભાસી હોવાનું હાઈકોર્ટના ધ્યાન પર આવતાં હાઈકોર્ટે સત્તાવાળાઓ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી જરૂરી ખુલાસો કરવા આદેશ કર્યો હતો.
સરકાર પરિવારને વધુ 4 લાખ વળતર આપશે
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની હોનારતમાં મૃતકોના પરિવારજનોને વળતર પેટે રૂ. 10 લાખ ચૂકવવામાં આવશે તેવું સોગંદનામું રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કર્યું છે. આ સાથે ઈજાગ્રસ્તોને રૂ. 1 લાખ વળતર અપાશે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખ અને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી રૂ.2 લાખ ચૂકવવામાં આવ્યા છે. આથી રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને વધુ રૂ.4 લાખ રૂપિયા વળતર આપશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.