અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ છેલ્લા કેટલાય સમયથી હલકી ગુણવત્તાના બાંધકામના કારણે બંધ કરવો પડ્યો હોવાને લઈ ચર્ચામાં છે. ત્યારે અધિકારીઓ પાસે કડક કામગીરી કરાવવામાં માનતા એવા હાલના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને જ આ બ્રિજ બનાવવા માટે અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનું ટેન્ડર મંજૂર કર્યું હતું અને તેઓના કાર્યકાળ દરમિયાન જ આ બ્રિજ બનવાની શરૂઆત થઈ હતી. વર્તમાન કમિશનર એમ. થેન્નારસને વર્ષ 2014 અને 2015માં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે જ બ્રિજ પ્રોજેક્ટનો હવાલો હતો. તેઓએ આ ટેન્ડર પ્રક્રિયા કરી અને કંપનીને કામગીરી સોંપી હતી. જો હવે બ્રિજને ફરીથી મજબૂત કરવામાં આવશે તો પણ તેઓએ જ નિર્ણય લેવાનો રહેશે અને જો બ્રિજ તોડવો પડશે તો પણ તેમને જ નિર્ણય લેવાનો થશે. એટલે જ્યારે બ્રિજ બનાવ્યો ત્યારે પણ આ જ કમિશનર હતા અને હવે તેઓ સમયગાળામાં જે બ્રિજ બનાવ્યો હતો તેને જ રીપેરીંગ કરાવવો પડશે.
એમ. થેન્નારસને જ મંજૂર કર્યું હતું બ્રિજનું ટેન્ડર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2014માં ખોખરાથી લઈ અને એક્સપ્રેસવેને જોડતા રોડ પર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાટકેશ્વર ચાર રસ્તા પર આ બ્રિજ બનાવવા માટે થઈ અને વર્ષ 2014માં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન હાલના વર્તમાન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને તે સમયે બ્રિજ પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓએ જ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનું ટેન્ડર મંજૂર કર્યું હતું. ટેન્ડર મંજૂર કરવાની પ્રક્રિયાથી લઈ પ્રોજેકટ કન્સલ્ટન્ટ નિમવા વગેરે સુધીની તમામ પ્રક્રિયા આ કમિશનર દ્વારા જ કરવામાં આવી હતી અને જ્યારે બ્રિજ બનવાની શરૂઆત 10 એપ્રિલ 2015ના રોજ થઈ હતી. ત્યારે પણ એમ. થેન્નારેસન મ્યુનિસિપલ કમિશનર હતા. વર્ષ 2017માં બ્રિજ બનીને તૈયાર થયો ત્યારે કમિશનર તરીકે હાલના અગ્ર સચિવ મુકેશકુમાર હતા.
બ્રિજની કામગીરીને લઈ અનેક સવાલો ઉભા થયા
હવે બ્રિજ બનાવવાની કામગીરીને લઈ અને સવાલો ઉભા થયા છે. ત્યારે ખુદ કમિશનર પોતાના જ બ્રિજ પ્રોજેકટના સમયગાળા દરમિયાન ટેન્ડર પ્રક્રિયા અને બ્રિજ બનાવવાની શરૂઆત થઈ હતી તો આ કોન્ટ્રાકટર કંપની સામે નિષ્પક્ષ તપાસ કરશે કે કેમ? જે તે સમયે ખુદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા અને તેઓના દ્વારા જ અધિકારીઓની સાથે રહી અને આ બ્રિજ બનાવવાની કામગીરી પર ધ્યાન આપવાની જવાબદારી હતી તો હવે આ મામલે શું તેઓ પગલાં લે છે અને તેઓ દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.