ભાસ્કર એક્સક્લુઝિવ:કોરોનાની ફ્રી સારવાર માટે મ્યુનિ.એ દર્દી દીઠ રૂ.36350 લેખે કુલ રૂ.1035 કરોડનો ખર્ચ કર્યો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 એપ્રિલ 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીની બીજી-ત્રીજી લહેરમાં કુલ 284696 દર્દીને મફતમાં સારવાર અપાઈ હતી
  • ખર્ચમાં હોસ્પિટલાઈઝેશન, દવા, ભોજન સહિતની ફાળવણીનો સમાવેશ

શહેરમાં 1 એપ્રિલ 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીના 278 દિવસમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં કુલ 284696 દર્દીને ફ્રી સારવાર આપવા પાછળ મ્યુનિ.એ 1034.86 કરોડનો ખર્ચ કર્યો છે. ત્રિરાશી માંડીએ તો મ્યુનિ. હોસ્પિટલો તેમજ મ્યુનિ.એ ડેઝિગ્નેટ કરેલી હોસ્પિટલોમાં દાખલ દર્દીની સારવાર તેમજ હોમ આઈસોલેશન રહેલા દર્દીઓને દવા સહિતની સુવિધા માટે દર્દી દીઠ રૂ.36,350નો ખર્ચ કર્યો કહેવાય. મ્યુનિ.એ દૈનિક 3.75 કરોડ રૂપિયા કોવિડની સારવાર પાછળ વાપર્યા હતા. સૌથી વધુ 382.54 કરોડ તો મ્યુનિ.એ ડેઝિગ્નેટેડ કરેલી 90 ખાનગી હોસ્પિટલને ચૂકવવામાં આવી છે.

શહેરમાં કોરોનાની ફ્રી સારવાર પાછળ થયેલા અધધ ખર્ચથી મ્યુનિ.નું બજેટ ખોરવાઈ ગયું હોવાનું અનેક વખત ઉચ્ચ અધિકારીઓ કહી ચૂક્યા છે. એપ્રિલ 2021 થી જાન્યુઆરી 2022ના આંકડા જોતાં આ રકમ 1034.85 કરોડે પહોંચી છે. મ્યુનિ.એ મફતમાં સારવાર માટે કરેલા કુલ ખર્ચમાં દવાઓ પાછળ થયેલા રૂ.68.40 કરોડના ખર્ચનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટિંગ કિટ પાછળ પણ રૂ. 155.27 કરોડનો ખર્ચ થયો છે.

શહેરમાં બીજી અને ત્રીજી લહેરના આ 278 દિવસ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 284696 હોવાનું હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. બીજી લહેરની વાત કરીએ તો સંક્રમિતોમાંથી અંદાજે 50 ટકા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હતા. જો કે, ત્રીજી લહેરમાં કોરોનાનો વેરિએન્ટ એટલો ગંભીર ન હોવાથી માંડ 5થી 7 ટકા દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા દર્દીઓના રહેવા જમવા પાછળ પણ મ્યુનિ.એ 79.88 કરોડનો મસમોટો ખર્ચ ચૂકવવો પડ્યો છે.

કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોને સૌથી વધુ રૂ.382.54 કરોડ ચૂકવાયા

કામ જેની પાછળ ખર્ચ થયોખર્ચ (કરોડમાં)
કોરોનાની દવાઓ પાછળ68.4
ટેસ્ટિંગ કિટ વસાવવા માટે155.27
પીપીઇ કિટ, ડોક્ટરો-હેલ્થ વર્કર માટે5.59
એમ્બ્યુલન્સથી માંડી અન્ય ટ્રાન્સપોર્ટ98.35
કોન્ટ્રાક્ટર પરના ડોક્ટરો પાછળ88.75
તાલીમ ખર્ચ0.01
ટેકનોલોજી માટેનો આઈટી ખર્ચ1.02

જાહેરાત તથા જનજાગૃતિ માટે

40.77
ધનવંતરિ રથ દોડાવવા માટે16.28
દર્દીઓને ઓક્સિજન આપવા3.99
દર્દીઓના રહેવા-જમવાની સગવડ79.88
ડેઝિગ્નેટેડ હોસ્પિટલને ચૂકવણી382.54
પરચૂરણ ખર્ચ56.35
કોવિડને લગતી સાધન સામગ્રી32
કુલ1034.86

કોરોના પૂર્વે મ્યુનિ. હેલ્થ બજેટ માંડ 100 કરોડનું હતું
મ્યુનિ. હેલ્થ પાછળ વર્ષે 100 થી 115 કરોડનું બજેટ ફાળવતું હોય છે. જોકે તે પૈકી પણ માંડ 56 થી 70 કરોડ જેટલો જ ખર્ચ થઇ શકતો હોય છે. જેમાં મ્યુનિ. હોસ્પિટલના રખરખવા અને દવાઓનો ખર્ચ ગણવામાં આવે છે. તે ઉપરાંત સ્ટાફનો ખર્ચ પણ તેમાં ગણવામાં આવે છે. મ્યુનિ. દ્વારા ફાળવણી કરવામાં આવતી રકમ કરતાં 10 ગણો વધારો ખર્ચ કોરોના દરમ્યાન થયો છે.

અન્ય સમાચારો પણ છે...