હાઇકોર્ટનો વેધક સવાલ:મ્યુનિ. એક મકાન માટે બે ટેક્સ કેવી રીતે વસૂલી શકે?

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રહેણાક સાથે ઓફિસ ચલાવતા CAને બે ટેક્સ બિલ અપાયા હતા

રહેણાકની સાથે ઓફિસ ચલાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટને કોર્પોરેશને રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલો મોકલતા હાઇકોર્ટમાં પડકારાઈ હતી. અરજીમાં એવી રજૂઆત કરી હતી કે અરજદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેઓ ઘરમાં ઉપર રહે છે અને નીચે ઓફિસ આવી છે. કોર્પોરેશને તેમને રહેણાક અને કોમર્શિયલ બે પ્રોપર્ટી ટેકસના બિલો મોકલ્યા છે. એક જ મકાન માટે બે ટેક્સ કેવી રીતે વસૂલી શકે? કોર્પોરેશને નોટિસ આપ્યા પછી તેમની ઓફિસ સીલ કરી હતી.

ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સી.એને વચગાળાની રાહત આપી કોર્પોરેશનને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, વકીલ, સીએ અને ડોક્ટર્સ તેમના ઘરમાં ઓફિસ ન ખોલે તો બીજે ક્યા જાય? તેમને ફરજિયાત નવી ઓફિસ ખોલવાની? ખંડપીઠે મુખ્ય સરકારી વકીલને પૂછ્યું હતું કે વકીલો માટે જોગવાઈ છે? સરકારી વકીલે કહ્યું કે, ભૂતકાળમાં વકીલો ઘરની નીચે કે ઉપર ઓફિસ ખોલી શકે તેવો હાઇકોર્ટનો હુકમ છે.

કોર્પોરેશન તરફથી એવી દલીલ કરી હતી કે, અરજદારના ઘરની નીચે ઓફિસ આવી છે, તેમાં ઓફિશિયલ કામ ચાલતું હોવાથી કોર્પોરેશને બે બિલ મોકલ્યા હતા. એક જ પ્રિમાઇસીસમાં ઓફિસ ચલાવી શકાય નહીં તે જીડીસીઆરના નિયમ વિરુદ્ધ હોવાથી ઓફિસ સીલ કરાઈ હતી. ખંડપીઠે કોર્પોરેશને વેધક સવાલો કર્યા અને તેઓની સામે પગલાં લેવા સામે ખંડપીઠે સ્ટે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...