ડિસ્કો રસ્તાથી છૂટકારો મળશે?:અમદાવાદમાં ખરાબ રોડ-રસ્તા પર લોકોના રોષના પગલે મ્યુનિ. કોર્પોરેશન એક્શનમાં, વરસાદ ખેંચાતા તાબડતોબ રીપેરિંગનું કામ શરૂ

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં રોડના પેચવર્કની કામગીરીની તસવીર
  • 6 ઝોનમાં 7414 ચોરસ મીટરમાં રસ્તાનું પેચવર્ક કરાયું
  • 170 જેટલા વધુ સ્થળોએ જેટ હોટ પેચ વર્ક મશીનથી કામગીરી

અમદાવાદ શહેરમાં ચોમાસાના બે વરસાદ પડતાની સાથે જ રોડ-રસ્તા ધોવાઈ જાય છે. રોડ બેસી જવાની તેમજ ખાડાની સમસ્યાઓ જોવા મળે છે. અમદાવાદના તમામ વિસ્તારમાં ખાડા અને રોડ તૂટ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં પણ રોડ રસ્તા મામલે ફરિયાદની ચર્ચા ન થતી હોવાને લઈ ગંભીર નોંધ લઈ ઠપકો આપવામાં આવ્યા બાદ જેટ હોટ પેચવર્ક મશીનથી શહેરના સાતેય ઝોનમાં પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં ખાડા અથવા રસ્તાના ધોવાણ થયા છે ત્યાં ડામર નાખી અને અદ્યતન ટેકનોલોજી વડે રસ્તા પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે હજી શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા તૂટેલા જોવા મળી રહ્યા છે જેને ઝડપથી પુરવામાં આવે તેવી કામગીરીની જરૂર છે.

6 ઝોનમાં 170 સ્થળોએ પેચવર્કની કામગીરી ચાલુ
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદમાં રોડ રસ્તા ખરાબ થયેલા છે જેને સુધારવા દિવસ રાત કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં આવેલા સાત ઝોનમાંથી દક્ષિણ ઝોન સિવાય તમામ ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વરસાદમાં પણ કામગીરી ચાલે એવા જેટ હોટ પેચ વર્ક મશીનરીથી કામગીરી ચાલી રહી છે. 170 કરતા વધુ સ્થળ પર 7414 જેટલા ચોરસ મીટરમાં રસ્તાના પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનમાં ટેન્ડર મંજુર નહીં થયું હોવાને કારણે હાલમાં કોઈ કામગીરીની વિગતો મળી નથી.

પૂર્વ વિસ્તારમાં હજુ ઘણા રસ્તાઓ બિસ્માર હાલતમાં
જોકે હજુ પણ એવા કેટલાક વિસ્તાર છે, જ્યાં કામ નહીં થતા અને ખરાબ રસ્તાને કારણે લોકોને હાલાકી પડે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર, નિકોલ, વસ્ત્રાલ, નરોડા અને પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા અને મેટ્રોની કામગીરી ચાલે છે તેવા વિસ્તારમાં કેટલાક રસ્તાઓની હાલત ખરાબ છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જ રોડ રસ્તાઓ અને ખાડા ખોદાયેલા છે, જેમાં અનેક વાહનચાલકો પણ પડ્યા છે. ત્યારે આવા રોડ રસ્તાઓ તાકીદે સમારકામ કરવાની જરૂર છે.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ પેચવર્કના કાર્યનું નિરીક્ષણ કર્યું
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ પેચવર્કના કાર્યનું નિરીક્ષણ કર્યું

કયા ઝોનમાં કેટલા રસ્તાનું કામ થયું?
પશ્ચિમ ઝોન- 50 સ્થળે 985 ચોરસ મીટર
દક્ષિણ ઝોન- ટેન્ડર મંજૂરીમાં
પૂર્વ ઝોન- 96 ચોરસ મીટર
ઉત્તર ઝોન- 37 સ્થળે 796 ચોરસ મીટર
મધ્ય ઝોન- 3502 ચોરસ મીટર
દક્ષિણ-પશ્ચિમ ઝોન- 89 સ્થળ 1128 ચોરસ મીટર
ઉત્તર-પશ્ચિમ ઝોન- 907 ચોરસ મીટર કામ