અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયમિત અને સમયસર ટેક્સ ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા તેમજ ઓનલાઇન માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને વધુ રાહત આપવા માટે 22 એપ્રિલ 2022થી ત્રણ મહિનાની રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં 19 મે સુધી 3.25 લાખ ટેક્સધારકાઓએ આ યોજનાનો લાભ લીધો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 એપ્રિલ 2022થી 12 મે સુધી રૂ.328 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા 50 ટકા વધુ છે.
55 ટકા આવક માત્ર ઓનલાઈન પેમેન્ટથી થઈ
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરનારને વધુ 1 ટકા રાહત આપવા સાથેની 22 એપ્રિલથી એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેનો અમદાવાદના નાગરિકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ચાલુ વર્ષે 1 એપ્રિલથી 12 મે સુધી રૂ. 328 કરોડની પ્રોપર્ટી, પ્રોફેશનલ સહિતના ટેક્સની આવક થઈ છે. જેમાં 55 ટકા આવક માત્ર ઓનલાઈન પેમેન્ટ દ્વારા મળી છે. આમ કોર્પોરેશનની રિબેટ યોજનામાં ઓનલાઈન પેમેન્ટમાં 1 ટકા રાહતને પણ સારો પ્રતિસાદ મળ્યો છે.
ઓનલાઈન ટેક્સ ભરનારને વધુ 1 ટકા રીબેટ અપાશે
જે કરદાતાઓએ વર્ષ 2021-22 સુધીનો સંપૂર્ણ ટેક્સ/સેસ/વેરા/રેન્ટ/વ્યાજ વગેરે ભર્યું હોય અને માગ શૂન્ય કરાવી હોય તેઓને વર્ષ 2022-23નો પ્રોપર્ટી ટેકસ એડવાન્સમાં 22 એપ્રિલ 2022 થી 21 જુલાઈ 2022 સુધીમાં ભરપાઇ કરે તો તેવા કરદાતાઓને પ્રોપર્ટી ટેકસની રકમ (જનરલટેક્ષ+ વોટર ટેક્ષ+ કોન્ઝરવન્સી ટેક્ષ) ઉપર નીચે મુજબનું રીબેટ આપવામાં આવશે. 10, 9 અને 8 ટકા રાહતની જાહેરાત રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે વધુમાં વધુ ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન માધ્યમથી એડવાન્સ ટેકસ ભરપાઈ કરનાર કરદાતાઓને 1 ટકા વધુ રીબેટ આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.