મ્યુનિ. સ્કૂલોના વાંચન, લેખન અને ગણનમાં નબળા વિદ્યાર્થીઓને સામાન્ય બાળકની સમકક્ષ લાવવા માટે સ્કૂલો એક કલાક વધુ સમય અભ્યાસ કરાવશે. સવારની પાળીની શાળા છૂટ્યા બાદ અને બપોરની પાળી શરૂ થયા પહેલાં એક કલાક અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને ભણાવશે. આ તમામ વિદ્યાર્થીનો દર અઠવાડિયે રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ શિક્ષકો, આચાર્ય અને સુપરવાઇઝર દ્વારા વિદ્યાર્થીઓને હોશિયાર બનાવવા શું કરાયું અને હવે શું થઇ શકે તેનો પ્લાન પણ અધિકારીઓને મોકલાશે.
વિદ્યાર્થીઓને શોધીને એક કલાક વધુ ભણાવશે
અભ્યાસના મજબૂત પાયા માટે બાળકનું વાંચન, ગણતરી અને લખાણ યોગ્ય હોવા જોઇએ. જો પ્રાથમિક સ્કૂલોમાં આ ત્રણ બાબતો પર ધ્યાન ન આપવામાં આવે તો નાનપણથી અભ્યાસમાં કચાશ રહેશે. મ્યુનિ. સ્કૂલોના અધિકારીઓના ધ્યાને આવેલી માહિતી બાદ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે પ્રમાણે એક- એક વિદ્યાર્થીનું મૂલ્યાંકન થશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમારો ધ્યેય છે કે વાંચન, ગણન અને લેખનમાં જે વિદ્યાર્થીઓ નબળા છે તેઓને ત્રણથી ચાર મહિનામાં સામાન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ લવાશે. આ માટે દરેક સ્કૂલો આવા વિદ્યાર્થીઓને શોધીને એક કલાક વધુ ભણાવશે.
ત્રણ મહિનામાં તમામ બાળકોને નિયમિત કરાશે
હાલમાં મ્યુનિ. સ્કૂલોમાં 15 ટકા જેટલા બાળકો અનિયમિત છે. પરંતુ નવા એક્શન પ્લાન પ્રમાણે 18 ફેબ્રુઆરી સુધીમાં તમામ અનિયમિત બાળકોને નિયમિત કરાશે. આ માટે શિક્ષકો બાળકોના વાલીને પણ મળશે. વાલીને બાળકના અભ્યાસનું મહત્ત્વ સમાજાવાશે. હાલમાં તમામ સ્કૂલોના અનિયમિત વિદ્યાર્થીઓનો ડેટા એકત્ર થઇ રહ્યો છે.
25 ટકા બાળકો વાંચનમાં નબળા મળ્યા
સરકારી સ્કૂલોના બાળકો પર સરવે કરાયો હતો. જેમાં જાણવા મળ્યું કે 22થી 25 ટકા બાળકો વાંચન, લેખન અને ગણનામાં નબળા જોવા મળ્યા હતા. આ બાળકોને સાવ વાંચતા આવડતું ન હતું એવું ન હતું. પરંતુ કડકડાટ વાંચવામાં મુશ્કેલી પડી રહી છે. આ માટે શિક્ષકો, આચાર્યો અને સુપરવાઇઝરને નવી પદ્ધતિમાં સામેલ કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.