તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:કોરોનાને કારણે મલ્ટીપ્લેક્સ માલિકોની માઠી દશા, કરોડોનું નુકસાન, મહિને રૂ.3 લાખ થી 5 લાખ મેઈન્ટેનન્સ ખર્ચ

અમદાવાદ3 મહિનો પહેલા
રાજ્યમાં 27 જૂનથી મલ્ટીપ્લેક્સ ખુલશે
  • થિયેટરો બંધ રહેતા 90 ટકા સ્ટાફ પણ છૂટો કરવો પડ્યો

કોરોનાની કારણે ધંધા-વ્યવસાય પર માઠી અસર પડી છે. તેમાં પણ સિનેમાઘર માલિકોને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે 27 જૂનથી થિયેટર અને મલ્ટીપ્લેક્સ ખોલવાની છૂટ આપી છે. કોરોનાને કારણે 16 માર્ચ, 2020થી સિનેમાઘરો બંધ છે. બીજી અને પહેલી લહેરની વચ્ચેના સમયમાં પણ માંડ 5 ટકા ધંધો થયો છે. મલ્ટીપ્લેક્સમાં નોકરી કરતા 90 ટકા લોકોને પણ છૂટા કરવામાં આવ્યા હતા.

વચ્ચે 5 મહિના જ મલ્ટીપ્લેક્સ ચાલુ રહ્યા અને 5 ટકા જ ધંધો થયો
ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના શરુ થતા મલ્ટીપ્લેક્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને કેસ નિયંત્રણમાં આવતા 7 મહિના બાદ મલ્ટીપ્લેક્સ શરુ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હોવા છતાં માત્ર 5 ટકા જ ધંધો થયો હતો. 5 મહિના સુધી મલ્ટીપ્લેક્સ ચાલુ રહ્યા બાદ ફરીથી કેસ વધતા એપ્રિલ મહિનામાં ફરીથી મલ્ટીપ્લેક્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે હવે અઢી મહિના બાદ ફરીથી ખોલવામાં આવશે. આમ 15 મહિનામાંથી 10 મહિના તો મલ્ટીપ્લેક્સ બંધ જ રાખવામાં આવ્યા હતા. જેના કારણે અમદાવાદના 50 સહીત રાજ્યના 250 મલ્ટીપ્લેક્સને 1200 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે.

સ્ટાફના પગારથી લઈ લાઈટ બિલ જેવા અનેક ખર્ચ
મલ્ટીપ્લેક્સ બંધ હોવા છતાં તેનું મેન્ટેનન્સ ચાલુ જ રહ્યું છે. દરેક મલ્ટીપ્લેક્સમાં આશરે 3 થી 5 લાખ જેટલો ખર્ચ પ્રતિ મહીને આવે છે.મલ્ટીપ્લેક્સમાં સ્ટાફનો પગાર, ફિક્સ લાઈટ બિલ, પ્રોપર્ટી ટેક્સ, ભાડું સહિતના ખર્ચ થતા હોય છે. જેની સામે સરકાર દ્વારા ફિક્સ લાઈટ બિલ અને એક વર્ષના પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. પરંતુ હજુ વર્ષ 2020-21 દરમિયાન મલ્ટીપ્લેક્સ મોટા ભાગે બંધ રહ્યા તેનો ટેક્સ માફ કરવામાં આવ્યો નથી. જે માફ કરવાની હજુ માંગ છે અને વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.

સ્ટાફની ફરી ભરતી કરવી પડશે
દરેક મલ્ટીપ્લેક્સમાં સિક્યોરિટી સ્ટાફ, હાઉસ કિપિંગ, એકાઉન્ટ, કેન્ટીન, ટિકિટ વિન્ડો સહિતના સ્ટાફ હોય છે જેમને માસિક પગાર આપવો પડે છે. પરંતુ મલ્ટીપ્લેક્સ બંધ હોવાને કારણે 90 ટકા જેટલા સ્ટાફને છૂટો કરવામાં આવ્યો હતો. જે હવે મલ્ટીપ્લેક્સ શરુ થતા ધીરે ધીરે સ્ટાફની ફરીથી ભરતી કરવામાં આવશે.અત્યારે પણ લોકોનો ઘસારો કેવો રહે છે તેના પર સ્ટાફની ભરતી કરવામાં આવશે તે પ્રમાણે જ સ્ક્રીન ચાલુ કરવામાં આવશે.

વાઈડ એંગલ થિયેટરના માલિક રાકેશ પટેલ
વાઈડ એંગલ થિયેટરના માલિક રાકેશ પટેલ

3 ટકા જ ધંધો થતા સ્વેચ્છાએ થિયેટર બંધ કર્યું
વાઈડ એંગલ થિયેટરના માલિક રાકેશ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં 50 અને ગુજરાતમાં 250 જેટલા થિયેટર આવેલા છે. કોરોનાને કારણે તમામ થિયેટરો બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે 1200 કરોડ કરતા વધુનું નુકસાન થયું છે. વચ્ચે 5 મહિના જેટલો સમય થિયેટર ચાલુ રહ્યા તે દરમિયાન માત્ર 3 ટકા જેટલો જ વેપાર થયો હતો જેના કારણે સ્વેચ્છાએ જ થિયેટર બંધ કરી દીધું હતું. હવે ફરીથી છૂટછાટ આપી છે ત્યારે 27તારીખથી તમામ ગાઈડલાઈનના પાલન સાથે થિયેટર ચાલુ કરીશું. હું કોર્પોરેશન સાથે વેક્સિનેશન સેન્ટર માટે વાત કરીશ અને મંજુરી આપશે તો મારા થિયેટરમાં આવતા લોકોનું પણ વેક્સિનેશન માટે પ્રયત્ન કરીશ.

2 વર્ષના પ્રોપર્ટી ટેક્સની માફી માંગી હતી પણ એક વર્ષની જ માફી આપી
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે થિયેટર લાંબો સમય બંધ રહ્યા હોવાથી હજારો કરોડોનું નુક્સાન થયું છે. તેમજ મલ્ટીપ્લેક્સ બંધ હોવાથી 90 સ્ટાફ છૂટો કરવામાં આવ્યો હતો. અમે સરકાર પાસે 2 વર્ષના પ્રોપર્ટી ટેક્સની માફી માંગી હતી. જેની સામે એક વર્ષની માફી મળી છે. અગામી 27 જૂનથી થિયેટર ખુલશે ત્યારે હવે લોકો માનસિક રીતે કંટાળ્યા છે, જેથી લોકો થિયેટરમાં આવશે તેવી આશા છે.

એક તરફ સરકારે છૂટ આપતા થિયેટર ફરીથી ખુલવા જઈ રહ્યા છે, થિયેટર માલિકો તમામ ગાઈડલાઈન સાથે દર્શકો માટે તૈયાર છે. સાથે જ એ પણ ડર છે કે હજુ લોકો બહાર આવવાનું ટાળે છે તો પહેલા જેવું થિયેટર લોકોની સંખ્યાથી ધમધમશે કે પછી હજુ પણ રાહ જોવી પડશે.