અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની હાજરી પૂરવા માટે થઈ 525 જેટલા બાયોમેટ્રિક મશીન ખરીદવા 1.84 કરોડનો ખર્ચ કરવાની મંજૂરી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. પાંચેક વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારોની હાજરી પુરવા દરેક મસ્ટર સ્ટેશન પર બાયોમેટ્રિક મશીન મૂકવામાં આવ્યા હતા અને હવે ફરીથી 525 જેટલા ખરીદવા માટે થઈ અને દરખાસ્ત લાવવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. પાંચ વર્ષ પહેલા જ કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને બાયોમેટ્રિક મશીન લાવવામાં આવ્યા અને તે બગડી ગયા બાદ ફરી નવા ખરીદવા ફરી 1.84 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
સફાઈ કામદારોની હાજરી ફેસ રીડિંગ મારફતે
ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા ફેસ રીડિંગના અત્યાધુનિક બાયોમેટ્રિક મશીન ખરીદવા માટે થઈ અને એકમાત્ર સિંગલ બીડર M/s Shubh E-Securityને કાપવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે કોરોના સમયકાળ દરમિયાન બાયોમેટ્રિક મશીન ફિંગરપ્રિન્ટવાળા હતા. જે બગડી ગયા હતા અને હવે જે મશીન ખરીદવાના છે તે ફેસ રીડિંગ વાળા છે જેથી સફાઈ કામદારોની હાજરી ફેસ રીડિંગ મારફતે કરવામાં આવશે.
ક્યાંય પણ યુરીનલ માટે ચાર્જ લેવાનો હોતો નથી
અમદાવાદ શહેરમાં આવેલા પે એન્ડ યુઝમાં કેટલીક જગ્યાએ યુરીનલ માટે પૈસા લેવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. કોઈપણ વ્યક્તિ જ્યારે યુરીનલમાં જાય છે ત્યારે પે એન્ડ યુઝના સંચાલક દ્વારા પૈસા માંગવામાં આવે છે. પાંચ રૂપિયા યુરીનલ માટેના માંગવામાં આવે છે. ક્યાંય પણ યુરીનલ માટે ચાર્જ લેવાનો હોતો નથી. છતાં પણ પે એન્ડ યુઝમાં પૈસા લેવામાં આવે છે જેથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સુચના આપવામાં આવી હતી કે આવા પેડ યુઝમાં ક્યાંય પણ યુરીનલ માટે પૈસા લેવામાં આવતા હોય તો તપાસ કરવામાં આવે અને જે પણ સંચાલક હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
પાર્કિંગમાં મોટાભાગની દુકાનો ખાલી
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ આવેલું છે. તેમાં જે દુકાનો ખાલી પડેલી છે તેને ભાડે આપવા માટે થઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં મોટાભાગની દુકાનો ખાલી પડેલી છે અને સરકારી વિભાગોને ફાળવી દેવામાં આવી છે. ત્યારે આવી દુકાનોને ભાડે આપી અને કોર્પોરેશનની આવકમાં વધારો થાય તે મુજબ આયોજન કરવા માટે થઈને પણ વિચારણા કરવામાં આવી હતી.
પાણીની સમસ્યા મામલે પણ ચર્ચા
કાલુપુર રેલવે સ્ટેશન પાસે જે બસ સ્ટેન્ડ આવેલા છે. તે તૂટેલી હાલતમાં અને ક્યાંક રીપેરીંગ કરવાની જરૂરિયાત છે તેમ જ આસપાસ મોટા પ્રમાણમાં ગંદકી પણ થતી હોય છે જેથી આ બસ સ્ટેન્ડને તાત્કાલિક રીપેરીંગ કરી અને વ્યવસ્થિત કરવા માટે થઈ અને સૂચના આપવામાં આવી હતી. સરખેજ વિસ્તારમાં પાણીની સમસ્યા મામલે પણ ચર્ચા થઈ હતી. સરખેજના છેવાડાના કેટલાક વિસ્તારમાં અઠવાડિયે એસજી હાઇવે પર પાણીની મેગા લાઈનમાં રીપેરીંગના કારણે ઓછા પ્રેશરથી પાણી આવતું હતું. જેથી હજી સુધી પૂરતું પાણી ત્યાં પહોંચ્યું નથી. પૂરતું પાણી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.