ગુજરાત અગ્નિ નિવારણ સેવા વિભાગના નિયામક કંચન બિશ્નોઈ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ અને વિભાગીય કાર્યવાહી કરવા સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, અધિકારીઓ દ્વારા રાજ્યના વિવિધ ફાયર રીજનમાં એનઓસી આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે. એસીબીએ ફાયર અધિકારી અને નાયબ નિયામક મહેશ મોઢને છટકું ગોઠવી રંગેહાથ પકડ્યા હતા. પોલીસ એફઆઈઆરમાં મહેશ મોઢે ફરિયાદી પાસેથી રૂપિયા માગતી વખતે કંચન બિશ્નોઈના નામનો વારંવાર ઉલ્લેખ કર્યાનું કબૂલ્યું હતું તેમ છતા બિશ્નોઈ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
પત્રમાં સીધો આક્ષેપ કર્યો છે કે, ડાયરેક્ટરના પદ ઉપર રહી કંચન બિશ્નોઈ પુરાવાનો નાશ કરી શકે છે તેમજ મહેશ મોઢને બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે. સાંસદે જણાવ્યું છે કે, આ કેસમાં જેટલા મહેશ મોઢ જવાબદાર છે એટલા જ કંચન બિશ્નોઈ પણ જવાબદાર છે કારણ કે, જે ફાયર એનઓસી આપવામાં આવેલી છે તેમાં કંચન બિશ્નોઈની સહી તેમજ મંજૂરી લેવામાં આવેલી છે. જેથી બિશ્નોઈને પદ પરથી દૂર કરવા જોઈએ.
ડિરેક્ટર પદે ટકી રહેવા પેંતરા
કંચન બિશ્નોઈએ ડિરેક્ટર પદ ઉપર ટકી રહેવા ભાવનગરના સિવિલ એન્જિનિયર દિપક જાનીને જૂનાગઢના ચીફ ફાયર ઓફિસર બનાવવા ભલામણ કરી હતી. દીપક જાની દ્વારા નિયામકની કાયદેસરની ભરતી રોકવા હાઉકોર્ટમાં સરકાર વિરૂદ્ધ કેસ કરાવ્યાનો પત્રમાં ઉલ્લેખ થયેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.