છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના મહામારીને લીધે માનસિક તણાવમાં રહેલા ગુજરાતીઓ મોજથી દિવાળીના તહેવારો ઊજવી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓથી ઊભરાઈ રહ્યું છે. એટલું જ નહીં, માઉન્ટ આબુ પાલિકા દ્વારા 5 દિવસનો ખાસ દિવાળી ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યા છે.
હવે લાભ પાંચમ પછી બુકિંગ શરૂ થશે
આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. લોકો કોરોના મહામારીને ભૂલવા માટે મોજ કરી રહ્યા છે. ત્યારે માઉન્ટ આબુમાં આ વખતે દિવાળીના 15 દિવસ અગાઉથી રૂમ બુકિંગ કરી દેવાયા છે. આથી મોટા ભાગની હોટલોમાં હાઉસફુલનાં બોર્ડ લાગી જતાં હોટલ-સંચાલકો પણ હવે લાભ પાંચમ પછીનું બુકિંગ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આબુના 200થી વધુ હોટલ-રિસોર્ટમાં બુકિંગ બંધ કરી દેવામાં આવ્યાં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.
રિસોર્ટના ચાર્જમાં પાંચ હજાર સુધીનો વધારો
ગુજરાતીઓ હરવાફરવા અને મોજ કરવા માટે મોટા ભાગે આબુ જતા હોય છે. ત્યારે રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં 200થી વધુ હોટલ-રિસોર્ટ છે, જેમાંથી મોટા ભાગની હોટલનાં બુકિંગ થઇ ગયાં છે. આમ ગેસ્ટહાઉસથી લઇ હાઇકલાસ હોટલ રૂ.2 હજારથી 25 હજાર સુધીનું ભાડું આપી લોકોએ બુક કરાવી દીધા છે. દિવાળીના તહેવારો પહેલા આબુના જે રૂમનો ચાર્જ રૂપિયા બેથી ત્રણ હજાર હતો એના ભાઇબીજથી લાભ પાંચમ સુધીમાં 5 હજારથી 10 હજાર કરતાં પણ વધુ લેવાય છે.
200થી વધુ હોટલમાં બુકિંગ હાઉસફુલ
જ્યારે આલીશાન સગવડવાળાં રિસોર્ટ અને હોટલના ભાવ સામાન્ય દિવસોમાં રૂ.5 હજારથી 10 હજાર વચ્ચે હોય છે, એના રૂ.15 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયા છે. દિવાળીમાં ગુજરાતભરમાંથી એક જ દિવસમાં 25 હજારથી વધુ સહેલાણીઓ ઊમટી પડ્યા છે. માઉન્ટ આબુ ખાતે દિવાળી પર્વ દરમિયાન ભાઇબીજથી લાભ પાંચમ સુધીના દિવસ દરમિયાન આબુની 200થી વધુ હોટલમાં બુકિંગ હાઉસફુલ થઇ ગયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.