સમજૂતિ કરાર:અમદાવાદમાં GTU અને GCA વચ્ચે સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશીપ સંદર્ભે MOU કરાયા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
GCAના ચેરમેન અરવિંદ પટેલ અને GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા હસ્તાક્ષર કરાયા - Divya Bhaskar
GCAના ચેરમેન અરવિંદ પટેલ અને GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા હસ્તાક્ષર કરાયા
  • વિદ્યાર્થીઓ વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ MOU
  • આગામી દિવસોમાં અન્ય શાખાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્થાઓ સાથે MOU કરાશે

ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU) દ્વારા વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતાં ફાઈનલ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે, તે હેતુસર વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશિપ ફરજીયાત કરવામાં આવી છે. આ અનુસંધાને વિદ્યાર્થીને મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટર્નશિપ કરવા મળે તે માટે GTUના ઈન્ટ્રીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ (I-TAP) કાર્યરત છે. તાજેતરમાં જ GTU અને ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશન (GCA) વચ્ચે સિવિલ એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ સંદર્ભે MOU કરવામાં આવ્યાં છે.

વિવિધ સંસ્થાઓ સાથે આ પ્રકારે MOU કરાશે
સિવિલ એન્જિનિયરીંગ શાખામાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાં હોય છે. યોગ્ય પ્રતિભાવાન વિદ્યાર્થીને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક અને કંપનીની જરૂરીયાત આધારીત પ્લેસમેન્ટ પૂરૂં પાડવામાં આ એમઓયુ મદદરૂપ થશે.સાઇટ્સ વિઝીટ,અદ્યતન ટેકનોલોજી અને બાંધકામ ક્ષેત્ર પર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, સિવિલ એન્જિનિયરીંગના રિસર્ચ,સહાયક ઉદ્યોગો જેવા કે,સિવિલ મશીનરી ઉત્પાદન,સોફ્ટવેર ડેવલપર્સ અને સ્ટીલ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદરૂપ થશે.આગામી દિવસોમાં અન્ય શાખાના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ સંસ્થાઓ સાથે આ પ્રકારે MOU કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી વાકેફ થાય માટે આ MOU કરાયાં
આ સંદર્ભે GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તથા વિશ્વસ્તરીય અદ્યતન ટેકનોલોજીથી વાકેફ થાય તે હેતુસર આ MOU કરવામાં આવ્યાં છે. આ MOU પર GCAના ચેરમેન અરવિંદ પટેલ અને GTUના કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે I-TAP હેડ ડૉ. કેયુર દરજી, GTU એન્જિનિયરીંગ વિભાગના ડિન ડૉ. જી. પી વડોદરીયા, સિવિલ એન્જિનિયરીંગ વિભાગના બોર્ડ ઑફ સ્ટડીઝ મેમ્બર ગીરીશ શિંગાઈ અને GCAના કોર કમિટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતાં.