AMCના ફૂડ વિભાગની કાર્યવાહી:અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ પર છાશવાલાની દુકાનમાં મેંગો મઠ્ઠામાંથી જીવાત નીકળી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યો

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ખાવાપીવાની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને જીવાત નીકળવાના અવારનવાર કિસ્સા બનતાં હોય છે. ત્યારે શહેરના શ્યામલ ક્રોસ રોડ પાસે આવેલી છાશવાલા નામની દુકાનમાંથી ખરીદેલા મેંગો મઠોમાં મકોડા સહિતની જીવાત નીકળવા અંગેની ફરિયાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દૂધ અને દૂધની બનાવટોના સેમ્પલ લેવાની સાથે સાથે છાશવાલાને નોટિસ ફટકારી અને દસ હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો હોવાનું જાણવા મળે છે. મેંગો મઠામાં મરેલા મકોડા જેવી જીવાત નીકળી હોવા અંગે જાગૃત નાગરિકની ફરિયાદને ગંભીરતાથી લઇ મ્યુનિ. ફૂડ વિભાગે છાશવાલાની દુકાનમાંથી સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

ગ્રાહકે કંપનીમાં ફરિયાદ કરી
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં દૂધ અને દૂધની બનાવટો વેચતાં વેપારીઓ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી એક્ટનાં નિયમોનુ પાલન કરતાં હોતા નથી. તેના કારણે તેમને ત્યાં બનતી ચીજવસ્તુઓમાં જીવાત નીકળતા નાગિરકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. શ્યામલ ક્રોસ રોડ ખાતે આવેલી છાશવાલા બ્રાન્ડની દુકાનમાંથી એક નાગરિકે બપોરે મેંગો મઠો ખરીદ્યો હતો.

ઘરે જઇ મેંગો મઠોનો કપ ખોલતાં તેમાં મરેલા મકોડા જેવી જીવાત જણાતાં જ નાગરિકે તરત છાશવાલાની દુકાને પરત આવ્યા હતા અને તેમને ત્યાં કપમાં જીવાત બતાવી હતી. પરંતુ દુકાન ઉપર હાજર વ્યક્તિએ ગ્રાહકને સંતોષકારક જવાબ નહિ આપતાં ગ્રાહકે છાશવાલા કંપનીનાં ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી ફરિયાદ કરી હતી.

છાશવાલાની અન્ય બ્રાન્ચોમાં પણ તપાસ શરૂ
આ ગ્રાહકે મેંગો મઠો ખરીદ્યો હતો તેનુ બિલ પણ દુકાન ઉપર હાજર વ્યક્તિએ પરત લઇ લીધુ હોવાનું જાણવા મળે છે. આ બાબત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ ચૌધરીના ધ્યાનએ આવતાં તેઓએ તરત ફૂડ વિભાગનાં એડિશનલ હેલ્થ ઓફ્સિરને આ કિસ્સાની તપાસ કરાવવા ટીમ મોકલવાની સૂચના આપી હતી. AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા ત્યાં સેમ્પલ લઇ અને કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત છાશવાલાની અન્ય બ્રાન્ચોમાં પણ તપાસ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...