જણ્યા નથી તો પણ જનેતા:અપરિણીત રહી બે મહિલા બની 200 બાળકોની ‘માતા’, 30 વર્ષથી 'ધૂળના ફૂલો'ને ઉછેરી પરણાવવા સુધીની નિભાવે છે જવાબદારી!

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • અનિતાબેન અને શારદાબેને અનાથ બાળકો પાછળ જીવન ન્યોછાવર કર્યું

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ..એથી મીઠી તે મોરી માત રે...જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ. કવિ બોટાદકરની આ કવિતા યાદ કરવાનું કારણ છે મધર્સ ડે. દરેક મહિલા પોતે બાળકને વ્હાલસોયાની જેમ સાચવતી હોય છે અને માતાની ફરજ અદા કરે છે. પરંતુ કેટલીક મહિલાઓ માતા બને છે. પરંતુ તેનું સુખ ભોગવવાની જગ્યાએ બાળકને તરછોડી દે છે. અમદાવાદના મહિપતરામ રૂપરામ આશ્રમમાં અનેક અનાથ બાળકોની માતા બનીને બે મહિલાઓ યશોદા બનીને પ્રેમથી ઉછેરી માતાનું સુખ અને હૂંફ આપે છે. શારદાબેન અને અનિતાબેન જેને જણ્યા નથી તેનું જનેતા બની લાલન-પાલન કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, 30 વર્ષથી ધૂળના ફુલોને બાળપણમાં ઉછેરવાથી યુવાનીમાં લગ્ન સુધીની જવાબદારી નિભાવે છે.

અનેક દીકરીને મોટી કરી પરણાવવા સુધીની જવાબદારી નિભાવી
અનિતાબેન પરમાર અને શારદાબેન પટેલે પોતાનું જીવન આ અનાથ બાળકો પાછળ જ ન્યોછાવર કરી દીધું છે. છેલ્લા 30 વર્ષથી આશ્રમમાં રહીને બાળકો પાછળ જ પોતાની જિંદગી ખપાવી દેવા લગ્ન પણ કર્યા નથી. આ બન્ને મહિલાઓએ અનેક બાળકીઓને પોતાની દીકરીની જેમ મોટી કરીને પરણાવવા સુધીની જવાબદારી સુપેરે નિભાવી છે. આજે પણ આ દીકરીઓ માતાને યાદ કરી ફોન કરે છે અને મળવા પણ આવે છે.

51ની ઉંમરે બાળકોનો ઉછેર કરી રહ્યા છે અનિતાબેન
અમદાવાદના શહેરના રાયપુરમાં આવેલા મહિપતરામ રૂપરામ આશ્રમમાં અનિતાબેન પરમાર નામના મહિલા છેલ્લા 30 વર્ષથી અનાથ બાળકોના કેરટેકર તરીકે રહીને કામ કરે છે. અનિતાબેન 21 વર્ષની ઉંમરના હતા ત્યારે તેઓ મહિપતરામ આશ્રમ સાથે જોડાયા હતા. હાલ તેઓ 51 વર્ષની ઉંમરે પણ બાળકોનો ઉછેર કરી રહ્યા છે.

આશ્રમમાંથી અનેકવાર અનિતાબેનને લગ્ન કરવા કહ્યું હતું
અનિતાબેન યુવાન હતા અને આશ્રમમાંથી પણ અનેક વખત તેઓને લગ્ન કરી પોતાનો સંસાર વસાવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેઓનું મન સંસારની માયાજાળને બદલે બાળકો સાથે રહેવામાં લાગી ગયું અને લગ્ન વગર તેઓએ અત્યાર સુધી 200થી વધુ બાળકોને માતાનો પ્રેમ આપ્યો છે.

અનિતાબેને ઉછેરેલા અનેક બાળકો આજે વિદેશમાં
અનિતાબેન પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1992માં ત્યારે મારી ઉંમર નાની હતી, તે સમયે હું આ આશ્રમમાં આવી અને ત્યારથી નાના બાળકોને સાચવતી આવી છું. એક માતા જે નાના બાળકને પારણામાં મૂકીને જતી રહી છે, તેને અહીં અમે સાચવીએ છીએ. આવા અનાથ બાળકોને આશ્રમમાંથી દત્તક લેવામાં આવે છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં એટલે કે અમેરિકા, સ્પેન સ્વીડન જેવા દેશોમાં પણ તેઓ પોતાના નવા માતા-પિતા સાથે જાય છે. પરંતુ અમને પણ યાદ કરી મુલાકાત કરવા આવે છે અને ફોન પણ કરે છે.

21 વર્ષની ઉંમરમાં આવ્યા અને ત્યારે બાળકોને જોઈને મને તેમના પ્રત્યે ખુબજ લાગણી થઈ અને પછી આખી જીંદગી બાળકોની સાથે રહી વિતાવવાનું નક્કી કર્યું. લગ્ન ન કરવાનો મારો નિર્ણય અડગ રાખી અને આજીવન આ બાળકો સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. આજે આશ્રમમાં 200થી વધુ બાળકોની માતા બનીને ઉછેર કર્યો અને આ જ માતૃત્વનો અહેસાસ કરાવે છે.

દીકરીઓ લગ્ન બાદ પણ યાદ કરીને ફોન કરે છેઃ શારદાબેન
જ્યારે શારદાબેન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતાના સામાજિક કારણોસર તેઓએ લગ્ન કર્યા ન હતા અને જ્યારે તેઓ 43 વર્ષની ઉંમરથી આશ્રમ સાથે જોડાયેલા છે અને આજે 73 વર્ષના થઈ ગયા છે. જેમ દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો પરંતુ ઉછેર યશોદા માતાએ કર્યો હતો, એમ આશ્રમમાં અનેક અનાથ બાળકોની યશોદા બની ઉછેર કર્યો છે. આજે પણ અનેક દીકરીઓ તેમને ફોન કરીને તેમના આપેલા સંસ્કાર અને સમજણથી પોતાનું લગ્નજીવન સારું ચાલતું હોવાનું કહીને યાદ કરે છે.

‘દીકરીઓ વ્યવસાયિક માર્ગદર્શન પણ લે છે’
શારદાબેને વધુમાં જણાવ્યું હતું કે એક દીકરીએ મને હમણાં જ ફોન કરી પૂછ્યું હતું કે શારદાબા મને સરકારી નોકરીમાં પાંચ વર્ષ ફિક્સ પગાર મળે છે અને ખાનગી નોકરીમાં 15થી 20 હજાર પગાર છે. હું સરકારી નોકરી કરું કે કેમ તે અસમંજસમાં છું ત્યારે મેં તેને જણાવ્યું હતું કે પાંચ વરસ પગાર રહેશે પરંતુ સરકારી નોકરી કહેવાય અને આગળ જતાં પગાર વધુ મળશે અને નિવૃત્તિ પછી પણ લાભ મળશે. જ્યારે ખાનગી કંપનીમાં વધુમાં વધુ 30 થી 40 હજાર જ પગાર થશે. આ રીતે તેઓ અમને ફોન કરી સલાહ પણ લેતાં હોય છે. આવા અનેક પ્રશ્નો મને પૂછતા હોય છે અને હું તેઓને સાચી સલાહ અને માર્ગદર્શન આપું છું.

અન્ય સમાચારો પણ છે...