તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વોરિયર્સ માતા-દીકરી:માતાને જોઈ ટ્રીટમેન્ટની જગ્યાએ પેથોલોજીમાં કરિયર બનાવી, માતાએ સામેથી દીકરીને કહ્યું-તું રાહ શું જોવે છે, હા પાડી દે સારો છોકરો છે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • ડો. ચેરીની દીકરી નિરાલી, દીકરો, પતિ અને જમાઈ પણ ડોક્ટર છે
  • ડો.ચેરી કોરોના વોરિયર્સ સાથે એક માતા અને નાની તરીકેની ફરજ પણ ચૂકતા નથી

"જનનીની જોડ નહિ જડે રે લોલ" આજે મધર્સ ડે છે એટલે કે માતૃદિન છે. દરેક વ્યક્તિના જીવનમાં માતાનું સ્થાન મહત્વનું હોય છે. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આજે મધર્સ ડે પર કોરોના વોરિયર માતા-દીકરીની વાત કરીશું. અમદાવાદના નવરંગપુરામાં રહેતા અને SVP હોસ્પિટલમાં પેથોલોજી વિભાગના હેડ એવા કોરોના વોરિયર્સ ડો.ચેરી સાથે DivyaBhaskarએ ખાસ વાતચીત કરી હતી. ડો. ચેરીની દીકરી નિરાલી અને દીકરો પણ ડોક્ટર છે.

ડો.ચેરી કોરોના વોરિયર્સ સાથે એક માતા અને નાની તરીકેની ફરજ પણ ચૂકતા નથી. ઘરમાં તમામ લોકો માસ્ક પહેરી રાખે છે. DivyaBhaskar સાથેની વાતચીતમાં બાળકને સાચવવાનું હોવાથી વારાફરતીથી ડ્યુટીમાં જોડાઈ અને દર્દીઓની સેવા કરીએ છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પતિ અને પત્ની બંને ડોક્ટર છીએ અને માતા તરીકે જીવનમાં બંને સંતાનને જે બનવું હોય અને જેમાં કરિયર બનાવવી હોય તેમાં બનાવવા માટે કહ્યું હતું. જો કે બંનેએ ડોકટર બનવાની પસંદગી ઉતારી હતી.

અઠવાડિયાથી રાતે બે વાગ્યે પણ ફોન સતત ચાલુ રહ્યા
ડો.ચેરી શાહે વધુમાં જણાવ્યું હતું કે,હું એક પેથોલોજિસ્ટ ડોક્ટરની સાથે બે સંતાનની માતા છે અને એક દોહિત્રની નાની છું. આજે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે ડોક્ટર તરીકે દર્દીની સેવા અને મારા પરિવારની સંભાળ પણ અમે રાખી રહ્યાં છીએ. કોરોનાની બીજી લહેરમાં પેથોલોજિસ્ટ તરીકે કામ સતત રહે છે. બ્લડ બેંકથી માંડી અને ખાસ કરીને પ્લાઝમાનું કામ હોય છે. દિવસ રાત અને છેલ્લા અઠવાડિયામાં રાતે બે વાગ્યે પણ ફોન સતત ચાલુ રહ્યા છે. મારા પરિવારના તમામ સભ્ય એટલે કે પતિ, દીકરો, દીકરી અને જમાઈ તમામ લોકો ડોક્ટર છે અને કોરોનામાં ડ્યુટી કરીએ છીએ. કોરોના ડ્યુટી સાથે ઘરની સંભાળ પણ રાખવાની હોય છે. જેને લઈ ઘરમાં પણ સાવચેતી રાખીએ છીએ કારણ કે દીકરીને ત્રણ વર્ષનો પુત્ર છે, જેથી ખાસ ધ્યાન રાખીએ છીએ.

મારા માતા બીજા કરતા વધુ ડ્યુટી અને વર્ક આપતાઃ ડો.નિરાલી શાહ
તેમની પુત્રી નિરાલી શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી માતા મારા માટે આઇડલ છે તેઓએ હમેંશા જીવનમાં એક માતા નહિં. પરંતુ મિત્ર તરીકે સાથે રહી આગળ વધવામાં મદદરૂપ બન્યા છે. ડોક્ટર તરીકે મેડિસિન પસંદ કરવાની જગ્યાએ માતાની જેમ પોતે પણ પેથોલોજિસ્ટ જ બનવાનું પસંદ કર્યું હતી. MBBS બાદ NHL કોલેજમાંથી MD કરવાનું હતું, ત્યારે જૂની VS હોસ્પિટલમાં માતા પેથોલોજી વિભાગના હેડ હતા. માતા પ્રોફેસર હતા અને પોતે તેમના વિદ્યાર્થિની હતા. કોલેજમાં તેઓ કડક પ્રોફેસર જ રહ્યાં હતાં. ક્યારેય પોતાની દીકરી ભણે છે તેમ નહિં પરંતુ તમામ વિદ્યાર્થીઓની જેમ જ સમજતા હતા. બીજા કરતા વધુ ડ્યુટી અને વર્ક આપતા હતા.

માતાએ જીવનસાથી પસંદ કરવામાં મદદ કરીઃ ડો.નિરાલી શાહ
નિરાલી શાહે વધુમાં જણાવ્યું હતું કે જીવનસાથી પસંદ કરવામાં પણ માતાનો મહત્વનો ભાગ છે. જો કોઈ છોકરી કોઈ છોકરાને પસંદ કરે તો પહેલા માતા જ વિરોધ કરી અને કહેતા હોય છે, પરંતુ મારા માટે તો ઉંધી સ્થિતિ હતી. MD કરતી વખતે નમન એટલે કે મારા પતિ મને લાઈક કરતા હતા. જેની મને પહેલા ખબર ન હતી. બધા વિદ્યાર્થીઓમાં નમનને મારી માતા એક સારા વિદ્યાર્થી અને વ્યક્તિ તરીકે ગણતા હતા. જ્યારે તેઓને ખબર પડી કે નમને મને પ્રપોઝ કર્યું છે ત્યારે મને માતાએ સામેથી કહ્યું હતું કે તું રાહ શું જોવે છે, હા પાડી દે સારો છોકરો છે. આમ માતાએ મને મારા જીવનસાથી પસંદ કરવામા મદદ કરી છે અને આજે અમે ખુશ છીએ.

અન્ય સમાચારો પણ છે...