સોલાની મહિલાનો આપઘાત:સાસુનો પ્રેમી ઘરમાં સિગારેટ, દિયર દારૂ પી હેરાન કરતા હતા; સુસાઈડ નોટમાં લખ્યું, ‘દીકરાની સલામતી માટે નાનીના ઘરે રાખજો’

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોલામાં મૃતકના પિતાની ફરિયાદને આધારે પતિ સહિત 5ની ધરપકડ

સોલામાં પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પતિ, સાસુ, દિયર, મામાસસરા, સાસુના પ્રેમીની ધરપકડ કરાઈ છે. આપઘાત પહેલાં પરિણીતાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તેના પુત્રને નાનીના ઘરે જ રહેવા દેવામાં આવે અને પિયરના સભ્યોની હાજરીમાં પિતાને મળવા દેવામાં આવે.

ઘાટલોડિયાના કૌશિકભાઈની દીકરી પૂજાના ગોતામાં રહેતા કૃણાલ વ્યાસ સાથે બીજાં લગ્ન હતાં. તેમને સંતાનમાં સાડા ચાર વર્ષનો પુત્ર દેવસ્ય છે. 10 જુલાઈએ સાંજે પૂજાએ સાસરીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે કૌશિકભાઈએ પૂજાના પતિ કૃણાલ, સાસુ મયૂરીબેન, દિયર યશ, મામાસસરા અજિત રાવલ, મયૂરીબેનના પ્રેમી નીલેશ પંચોલી સામે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પૂજાના સાસરિયાં પિયરમાંથી 15 લાખ લાવવા દબાણ કરતા હતા. સાસુનો પ્રેમી ઘરે પડ્યો રહી સિગારેટ પીતો હતો. પતિ પણ કશું કામ કરતો નથી. દિયર ઘરે દારૂ-હુક્કા પાર્ટી કરતો હતો અને તેના મામા પણ દારૂ પી બીભત્સ વર્તન કરતા હતા. પૂજાના પિતાની ફરિયાદને આધારે પાંચેયની ધરપકડ કરી હોવાનું પીઆઈ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું.

‘મારો પતિ, સાસરિયાં મને બહુ જ ટોર્ચર કરે છે’
સુસાઈડ નોટઃ મારો પતિ અને સાસરીવાળા મને બહુ જ ટોર્ચર કરે છે. એટલે હું સુસાઈડ કરું છું, મારા ફોનમાં બધા મેસેજ છે. મારા છોકરાની સેફ્ટી માટે એને એના નાનીના ઘરે રાખવા માગંુ છું, તેને પિયરના સભ્યોની હાજરીમાં જ પિતાને મળવા દેવાય. - પૂજા વ્યાસ

પૂજાના ફોનમાંથી ઝઘડાના મેસેજીસ મળ્યા​​​​​​​
પૂજા જુદા રહેવા માટે કૃણાલને કહેતી અને તે બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. આપઘાત પહેલાં પૂજાએ કૃણાલને મેસેજ કર્યા હતા, જેમાં કૃણાલ-સાસરિયાં કેવી રીતે હેરાન કરતા હતા, તેનો ઉલ્લેખ કર્યો હતો.

સાસુના પ્રેમીનું મકાન બતાવીને લગ્ન કર્યાં
​​​​​​​લગ્ન પહેલાં કૃણાલે પૂજાને શાહીબાગની સાધના સોસાયટી ખાતેનું મકાન પોતાનું હોવાનું કહીને બતાવ્યું હતું. જોકે લગ્ન બાદ પૂજાને ખબર પડી હતી કે તે મકાન તો સાસુ મયૂરીના પ્રેમી નીલેશનું હતું.

અન્ય સમાચારો પણ છે...