ગુનાહિત કાવતરૂ:અમદાવાદમાં પ્રેમી સાથે ભાગેલી દીકરીને શોધવા બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને સાસુ અને જમાઈએ પોલીસને ગેરમાર્ગે દોરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્કૂલ લીવિંગ સર્ટીમાં ચેડાં કરીને જમાઈએ જન્મના વર્ષમાં ફેરફાર કરી નાંખ્યો. યુવતીનું જન્મનું વર્ષ 2002 હતું પણ રજુ કરેલી નકલમાં 2004 હતું. પોલીસે સાસુ અને જમાઈ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદમાં એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેને પાછી લાવવા માટે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું હતું કે અમારી દિકરી સગીર છે તેને બચાવી લો. પોલીસે યુવતીના જન્મનું પ્રમાણપત્ર માંગ્યું ત્યારે પરિવારે તેમની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને સ્કૂલનું લીવીંગ સર્ટીફિકેટ પોલીસને આપ્યું હતું. પોલીસે પણ આ સર્ટી સાચુ માનીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે યુવતીની માતા અને તેના જીજાજીએ બોગસ પ્રમાણપત્ર રજુ કરીને પોલીસને પણ ગેર માર્ગે દોરી છે. પોલીસે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

બોગસ ડોક્યુમેન્ટે પોલીસ સ્ટેશનમાં રજુ કર્યાં
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીની માતા અને જમાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જઈને એક યુવક તેમના ઘરની દીકરીને અપહરણ કરીને લઈ ગયો હોવાની રજુઆત કરી હતી. પોલીસે તેમની પાસે યુવતીની ઉંમર જાણવા જન્મનો દાખલો માંગ્યો હતો. પરંતુ માતા અને જમાઈએ જન્મનો દાખલો નહીં હોવાનું જણાવીને સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટની નકલ પોલીસ સ્ટેશનમાં રજુ કરી હતી. આ નકલમાં યુવતીનું જન્મ વર્ષ 2004 દર્શાવેલું હતું. પોલીસે સ્કૂલ પર જઈને ખરાઈ કરતાં આ યુવતીનું જન્મ વર્ષ 2002માં થયો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ગુનો નોંધી સમાજમાં દાખલો બેસાડ્યો
યુવતીની માતાને એવું હતું કે પોલીસને એમ કહેવામાં આવશે કે સગીર યુવતીનું અપહરણ થયું છે તો પોલીસ તેને શોધવા તાત્કાલિક પ્રયત્નો હાથ ધરશે. આવી ખોટી માનસિકતા સાથે યુવતીની માતા અને જમાઈએ બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યાં હતાં. પરંતુ તપાસ દરમિયાન દૂધનું દૂધ અને પાણીનું પાણી થતાં ઓઢવ પોલીસે માતા અને જમાઈ સામે ખોટા દસ્તાવેજો રજુ કરવા અંગેનો ગુનો નોંધીને સમાજમાં દાખલો બેસાડ્યો છે.

પોલીસને દીકરીની ભાળ મળતાં તેની પુછપરછ હાથ ધરી હતી ( પ્રતિકાત્મક તસવીર)
પોલીસને દીકરીની ભાળ મળતાં તેની પુછપરછ હાથ ધરી હતી ( પ્રતિકાત્મક તસવીર)

પોલીસે સગીરાના જન્મના દાખલાની માંગ કરી
ઘટનાની વિગતે વાત કરીએ તો ગત 11મી ઓગસ્ટે મંજુલાબહેન રાજપૂત અને તેમનો જમાઈ વિશાલ ઉર્ફે બબલુ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતાં. પોલીસ સમક્ષ બંને જણાએ યુવતીનું અપહરણ થયું હોવાની રજુઆત કરી હતી. પોલીસે સગીરાને કોઈ ભગાડીને લઈ ગયું હોવાની ગંભીરતા દાખવીને ફરિયાદી મહિલા પાસે તેમની પુત્રીના જન્મના દાખલાની માંગ કરી હતી. જેમાં મંજુલા બહેને જશોદાનગર શાળા નંબર 2 ના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ રજૂ કરી હતી. જેમાં મંજુલા બહેનની દીકરીનું જન્મ વર્ષ 2004 હતું. આ અંગેના અસલ ડોક્યુમેન્ટ માંગતા તે ન હોવાનું મંજુલા બહેને જણાવ્યું અને તેમના પતિ માનસિક ઠીક ન હોવાથી અનેક વર્ષો પહેલા ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ઘરેણાં કોઈ કેનાલમાં ફેંકી દીધા હોવાની રજુઆત કરી હતી. જેથી પોલીસે આ નકલ મેળવી પોકસો એક્ટ અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સાસુના કહેવાથી કાવતરુ કર્યુ હોવાનું જમાઈએ કબૂલ્યું
પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરવા સ્કૂલ પર પહોંચી ઓરીજીનલ ડોક્યુમેન્ટ મેળવતા તેમાં મંજુલા બહેનની દીકરીનો જન્મ 2002માં થયો હોવાનું ફલિત થયું હતું. જેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યુ અને તેવામાં યુવક સાથે ગયેલી આ મંજુલા બહેનની દીકરીની ભાળ પણ મળી હતી. જેમાં તેની પૂછપરછમાં તેનો જન્મ 2002માં થયો હોવાનું તેણે જણાવ્યું અને આધાર કાર્ડ આપતા તેમાં પણ જન્મ વર્ષ 2002 હતું. જેથી આ અંગે મંજુલા બહેન અને તેમના જમાઈની આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત સામે આવી અને જમાઈ વિશાલ એ કબૂલાત કરી કે તેની સાસુ ના કહેવાથી તેણે આ ગુનાહિત કાવતરું કર્યું હતું.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

ઝેરોક્ષમાં જ તારીખ બદલી નાંખી હતી
વિશાલે તેની સાસુ ના કહેવા મુજબ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મેળવી કલર ઝેરોક્ષની દુકાને ગયો હતો. જ્યાં કલર ઝેરોક્સ કરાવી તેમાં વ્હાઇટનર મારી 2002ની જગ્યાએ 2004 લખી તેની ઝેરોક્સ કરાવી અને વર્ષ 2002માં લખેલા કાગળો ક્યાંક ગુમ કરી દીધા હતા. આમ તો મંજુલા બહેનની દીકરી ને યુવક લઈ ગયો હોવાથી પોલીસ તેની 18 વર્ષની ઉંમર જાણી કાર્યવાહી ન કરે તેવી ખોટી માનસિકતા રાખી તેને સગીરા બતાવતા પોલીસ તપાસ કરશે તેના ચક્કરમાં આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી ઓઢવ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...