માસ્ક જ વેક્સિન:અમદાવાદમાં એક પરિવારને કોરોના થતાં આઘાતમાં માતા મૃત્યુ પામ્યાં, કોરોનાગ્રસ્ત પિતા ICUમાં, બિઝનેસમેને માસ્ક વિતરણ અભિયાન શરૂ કર્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • માસ્ક વિતરણ સાથે 'માસ્ક યોગ્ય રીતે પહેરો અને બીજાને પણ સમજાવો'નું સૂત્ર આપી એક બુકલેટ પણ આપી
  • શહેરમાં 11000 N95 માસ્કનું ત્રણ દિવસ વિતરણ કરવામાં આવશે

કોરોનાને કારણે રોજના અનેક લોકોનાં મોત થઈ રહ્યાં છે અને રાજ્યમાં 1500થી વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાની વેક્સિન હજી સુધી ઉપલબ્ધ નથી, એટલે માસ્ક પહેરવું જ અનિવાર્ય છે ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા બિઝનેસમેન, તેની પત્ની અને બાળકોને કોરોના થયો હતો, જેના આઘાતથી બિઝનેસમેનનાં માતાનું અવસાન થયું હતું અને પિતાને કોરોના થઈ જતાં હાલ તેઓ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. પોતાના પરિવારમાં આવી વિપત્તિ જોઈ લોકો કોરોનાથી બચી શકે એ માટે આ સેવાભાવી બિઝનેસમેને શહેરમાં ત્રણ દિવસ કેમ્પ કરીને તેઓ 11 હજાર N95 માસ્કનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. આજે સવારે તેમમે એલિસબ્રિજ પરિમલ ગાર્ડન પાસે 1500 જેટલાં N95 માસ્કનું વિતરણ કર્યું હતું.

શહેરના પરિમલ ગાર્ડન ખાતે બિઝનેસમેને લોકોને N95 માસ્ક આપી માસ્કનું પહેરવાનું મહત્ત્વ સમજાવ્યું.
શહેરના પરિમલ ગાર્ડન ખાતે બિઝનેસમેને લોકોને N95 માસ્ક આપી માસ્કનું પહેરવાનું મહત્ત્વ સમજાવ્યું.

3 દિવસમાં અગિયાર હજાર માસ્ક વહેંચવાનો નિર્ધાર
વસ્ત્રાપુરમાં રહેતા અને બિઝનેસમેન એવા પ્રિયાંક રણદેવએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલાં મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અઠવાડિયા બાદ પત્ની અને દીકરીને પણ કોરોના થયો હતો. પરિવારમાં અમને ત્રણ લોકોને કોરોના થતાં માતાને આઘાત લાગતાં તેમનું હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. આ બાદ પિતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ICUમાં છે. કોરોનામાંથી બચવા માટે માસ્ક જરૂરી છે. લોકો માસ્ક પહેરે છે, પરંતુ વ્યવસ્થિત રીતે પહેરતા નથી. નાકની નીચે ગળામાં લટકાવી રાખે છે. કોરોનામાંથી બચવા માટે આજથી અમદાવાદમાં ત્રણ દિવસ 11000 જેટલાં N95 માસ્કનું વિતરણ કરવામાં આવશે.

ટીમ બનાવી વિવિધ સ્થળે લોકોને માસ્ક આપે છે
આજે સવારે પરિમલ ગાર્ડન પાસેથી માસ્ક વિતરણ અભિયાનની શરૂઆત કરી છે, જેમાં 1500 જેટલાં માસ્ક વહેંચાઇ ગયાં છે. સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય એ માટે કોઈ એક જગ્યાએ ઊભા રહી તેઓ માસ્ક વિતરણ નહીં કરે, પરંતુ અમારી ટીમ શહેરમાં અલગ અલગ જગ્યાએ, જેમ કે શાક માર્કેટ, જાહેર જગ્યાઓ અને રોડ પર જતા લોકોને માસ્ક આપશે.

માસ્ક સાથે એક બુકલેટ આપીને લોકોને એમાં કોરોના શું છે, માસ્ક કઈ રીતે પહેરવું, એનો નિકાલ કેવી રીતે કરવો સહિતની માહિતી આપી છે.
માસ્ક સાથે એક બુકલેટ આપીને લોકોને એમાં કોરોના શું છે, માસ્ક કઈ રીતે પહેરવું, એનો નિકાલ કેવી રીતે કરવો સહિતની માહિતી આપી છે.

કોરોનાની ઘાતકતા વિશે લોકોને સમજાવાય છે
વધુમાં, તેમણે જણાવ્યું હતું કે તેઓ માસ્ક વિતરણ સાથે 'માસ્ક યોગ્ય રીતે પહેરો અને બીજાને પણ સમજાવો'નું સૂત્ર આપી એક બુકલેટ પણ લોકોને આપી રહ્યા છે, જેમાં માસ્ક કઈ રીતે પહેરાય, એનો નિકાલ કઈ રીતે થાય, કોરોના શું છે, એનાથી શારીરિક સમસ્યા શું થાય છે અને કેટલો ઘાતક છે એની સમજ આપી માસ્ક કેમ જરૂરી છે એ સમજાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...