• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Motera's Narendra Modi Stadium Will Be Packed On The First Day Of The Test Match, Tickets Will Be Distributed To All Workers By The BJP Organization.

ભારત VS ઓસ્ટ્રેલિયા મેચમાં મોદી:નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટેસ્ટ મેચના દિવસે ખીચોખીચ ભરાશે, ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ 9 માર્ચે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીઝ પણ હાજર રહેવાના છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન 1.10 લાખ દર્શકોની કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ આખું ભરાશે. બંને દેશોના વડાપ્રધાન મેચ જોવા આવવાના હોવાથી ભાજપ શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમની ટિકિટો ભાજપ સંગઠન દ્વારા તેમના તમામ કાર્યકર્તાઓને આપવામાં આવશે. શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો જેટલા પણ કાર્યકર્તાઓને લાવવાના છે તેની સંખ્યા મુજબ ટિકિટની વહેંચણી કરવામાં આવશે.

લાવવા લઈ જવાની જવાબદારી કોર્પોરેટરો અને ધારાસભ્યોની
ભાજપ સંગઠનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ જોવા આવશે. જેને લઈને ભાજપ શહેર સંગઠનને સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારના કાર્યકર્તાઓને મેચ જોવા માટે લાવવા અને લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. કોર્પોરેટરો ધારાસભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓની સંખ્યા લખાવવામાં આવશે, તે મુજબ ભાજપ સંગઠન દ્વારા ટિકિટોની વહેંચણી કરવામાં આવશે અને તમામને લાવવા લઈ જવાની જવાબદારી કોર્પોરેટરો અને ધારાસભ્યોએ જાતે કરવાની રહેશે.

બસની વ્યવસ્થા ખુદ ધારાસભ્ય કરશે
જે વિધાનસભા અને વોર્ડમાંથી કાર્યકર્તાઓને લાવવા લઈ જવાના છે, તેની બસની વ્યવસ્થા ખુદ ધારાસભ્ય એ કરવાની રહેશે. સ્ટેડિયમ જવા માટે થઈ મેટ્રો ટ્રેનનો ઉપયોગ વધુ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેન જે વોર્ડ વિસ્તારમાંથી સીધી મળી રહે છે તેવા વાસણા, પાલડી, નવરંગપુરા, નવાવાડજ, સરદાર પટેલ સ્ટેડિયમ, રાણીપ વિસ્તારના કાર્યકર્તાઓને મેટ્રો ટ્રેનમાં જ આવવા માટે સૂચના અપાઇ છે. જ્યારે બીજા વોર્ડમાંથી આવવા માટે જો બની શકે તો મેટ્રો ટ્રેન અથવા તો બસની વ્યવસ્થા ધારાસભ્યને કરવા જણાવવામાં આવ્યું છે.

સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આજે સાંજ સુધીમાં કેટલા કાર્યકર્તાઓ આવશે તેની સંખ્યા કોર્પોરેટરો અને ધારાસભ્યોએ ભાજપ શહેર સંગઠનને આપવાની રહેશે. જે મુજબ આવતીકાલથી તમામને ટિકિટની વહેંચણી કરી દેવામાં આવશે. બંને દેશોના વડાપ્રધાન જ્યારે મેચ જોવા આવવાના છે, ત્યારે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...