કોરોના કાળમાં લોકડાઉન બાદ દેશભરમાં લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ હતી. તેવામાં કોરોનાની બીમારીએ લોકોને રીતસરના ડરાવી દીધા હતા. હોસ્પિટલોમાં બેડ ખાલી નહોતા. તેવા સમયે લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે હેલ્થ પોલિસી સહિતના વીમાઓ ઉતરાવ્યા હતા. જો કે, કોરોનાકાળમાં જ મેડિક્લેમ મુદ્દે વીમા કંપનીઓ સામે ગ્રાહક દ્વારા કોર્ટ કેસનું પ્રમાણ પણ વધી ગયું હતું. મેડિક્લેમ મુદ્દે વીમાધારકોએ વીમા કંપનીઓ સામે રાજ્યની વિવિધ કોર્ટોમાં ફરિયાદ કરી છે. રાજ્યની મુખ્ય, એડિશનલ અને ગ્રામ્ય કોર્ટના મેડિક્લેમને લગતાં આંકડા ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં તો 2020ની તુલનાઓ 2021-22માં ફરિયાદો ડબલ થઈ ગઈ છે. વાત કરીએ કોરોના કાળમાં ગ્રાહક તકરારની મુખ્ય ચાર શહેર-જિલ્લાના કેસની તો 2020માં 8412 ફરિયાદો થઈ હતી, તેની સામે 2021-22માં ઉછાળો આવ્યો અને વધીને 14459 થઈ હતી.
2019 પહેલા 2500 જેટલા સરેરાશ કેસ નોંધાતા
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ મિલન દુધિયા જણાવ્યું કે, વર્ષ 2019 પહેલા 2000-2500 જેટલા સરેરાશ કેસ નોંધાતા. જે પૈકી 70-80 ટકા કેસ મેડિક્લેમના હતા. જોકે કોરોના બાદ કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ તથા કુલ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ આંકડો 6 હજાર સુધી પહોંચ્યો છે. જે પૈકી મહત્તમ કેશ મેડિક્લેમના તો છે, પરંતુ તેમાંય મોટા ભાગની ફરિયાદો કોરોના સંદર્ભે સારવારની છે.
કંપનીઓએ AMCના જનરલ વોર્ડ મુજબ વળતર ચૂકવ્યું
કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ મળેલી ફરિયાદોની વાત કરવામાં આવે તો અરજદારે પોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય અને તેના ચાર્જ અલગ આપ્યા હોય. પરંતુ ઇન્સ્યોરન્સ કંપની અરજદારોને કોર્પોરેશને નક્કી કરેલા જનરલ વોર્ડ પ્રમાણે સારવારની વળતર ચૂકવી છે. સૌથી વધુ ફરિયાદ અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ આવી છે. ત્યારબાદ વડોદરા, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
સરકારે નક્કી કર્યા કરતાં વધુ રકમ લેતા કંપનીઓની આનાકાની
અમદાવાદ કન્ઝ્યુમર કોર્ટના સિનિયર એડવોકેટ વર્ષલ પંચોલીનું કહેવું છે કે, જ્યારે ગ્રાહકો વીમા કંપની પાસે વળતર દાવો કરે છે, ત્યારે સરકારે નક્કી કરેલી રકમથી વધારે રકમ હોસ્પિટલ લઈ લીધી હોવાથી વળતર ચૂકવવા માટે આનાકાની કરી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સિવાય અન્ય જિલ્લાઓમાં મેડિક્લેમને લગતા કિસ્સાઓ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જોકે મોટા જિલ્લામાં દાખલ થયેલ ફરિયાદના નિકાલમાં સમય લાગી શકે છે.
કોરોના કાળમાં અમદાવાદમાં મેડિક્લેમની ફરિયાદ ડબલ
કોરોના બાદ મેડિક્લેમ ધરાવતા ગ્રાહકો અને વીમા કંપનીઓ વચ્ચેની તકરારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કોરોના દરમિયાન હોસ્પિટલોમાં સારવાર સંદર્ભે અથવા તો વીમા કંપનીઓ દ્વારા સારવારની રકમનું વળતર ચૂકવવા બાબતે કેટલીક ઘટનાઓ સામે આવી હતી. તેવામાં હવે ગ્રાહકોને વીમા કંપનીઓ વચ્ચે વિવાદ કોર્ટ કચેરી સુધી પહોંચ્યો છે. જેના લીધે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટમાં મેડિક્લેમ અંગેની ફરિયાદમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં તો આ ફરિયાદો ડબલ થઈ ગયેલ જોવા મળી રહી છે.
અમદાવાદમાં મેડિક્લેમ સંદર્ભે ફરિયાદ વધી
સામાન્ય રીતે મોટાભાગે કન્ઝ્યુમર કોર્ટમાં વીમા કંપનીઓની મનમાની સામેની ફરિયાદો મહત્તમ હોય છે. પરંતુ તેમાંય કોરોના આવ્યા બાદ વીમા કંપનીઓ સામે મેડિક્લેમની બાબતની ફરિયાદો વધી છે. જે હવે રાજ્યની અલગ-અલગ કન્ઝ્યુમર કોર્ટ સુધી પહોંચી છે. વર્ષ 2020થી 2021ની સાથેસાથે ચાલુ વર્ષે એટલે કે 2022ની શરૂઆતથી માર્ચ સુધી ખાસ અમદાવાદ જિલ્લામાં વીમા કંપનીઓ સામે મેડિક્લેમ સંદર્ભની ફરિયાદોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.