મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:વરસાદની આગાહી, ગુજરાત ATSએ 120 કરોડનું હેરોઈન ઝડપ્યું, વડોદરા ગેંગરેપ કેસમાં બે નરાધમ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા-કથિત દુષ્કર્મનો ગુનો નોંધાયો

13 દિવસ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 18 નવેમ્બર, કારતક સુદ-ચૌદસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 2) રાજકોટ ભાજપમાં જૂથવાદ વચ્ચે આજે જનરલ બોર્ડ, તમામ 68 કોર્પોરેટરને હાજર રહેવા ટેલિફોનથી ફરમાન 3) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* ગુજરાતથી ડ્રગ્સનો રેલો રાજસ્થાન પહોંચ્યો:ગુજરાત ATSએ 120 કરોડનું 24 કિલો હેરોઈન ઝડપ્યું, રાજસ્થાનથી બે અને જોડિયાના એક શખસની અટકાયત

પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહી છે, જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટિક્સ ડ્રગ્સના ટ્રાન્ઝિટ પોઈન્ટ બનતાં અટકાવવામાં સતત કાર્યરત છે. આ ઉપરાંત આજે અનવર ઉર્ફે અનુ મુસા પટેલિયા, (રહે. નાવદ્રા, તાલુકોઃ જામકલ્યાણપુર)ના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 120 કરોડ છે. આ મામલે બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી તેમજ ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

* વડોદરા ગેંગરેપમાં અંતે ગુનો દાખલ:બે નરાધમ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા-કથિત દુષ્કર્મનો ગુનો નોંધાઈ રહ્યો છે, થોડા સમયમાં કેસનો પર્દાફાશ કરીશું: રેલવે રેન્જ આઇજી

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતની ઘટનાના 14 દિવસ બાદ નવસારી રેલવે પોલીસમાં બે નરાધમો સામે પીડિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા અને દુષ્કર્મનો ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પીડિતાના આંતરિક ભાગોમાં ઇજાના નિશાન હોવાનું જણાવાયું હતું. તેમ છતાં પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધ્યા વિના જ તપાસ કરી રહી હતી. રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બે આરોપી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મનો ગુનો નોંધઇ રહ્યો છે અને બહુ થોડા સમયમાં સમગ્ર કેસનો પર્દાફાશ કરીશું.

વાંચો સમાચાર વિગતવાર

* આંતરિક જૂથવાદનો ઊકળતો ચરુ:રૂપાણીનું રાજકોટમાં વર્ચસ્વ ઘટ્યું, વિવાદ બાદ મોકરિયાનો પ્રભાવ વધ્યો, રાજકોટ ભાજપ કાર્યાલયમાં MPને ચેમ્બર ફાળવી

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ એની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે. રાજકોટ શહેર ભાજપનું સૌથી શિસ્તબદ્ધ ગણાતું સંગઠન આજે બે જૂથના મતભેદમાં ફેરવાઈ ગયું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામા બાદ વિજય રૂપાણીના રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની આક્રમક સક્રિયતા અને ધીમે ધીમે તેણે એક અલગ જ ધરી ઊભી કરી હોય એમ બહુ જલદી શહેર ભાજપમાં બે જૂથ રીતસર દેખાવા માંડ્યાં છે, જેની અસર રાજકોટ ભાજપના કાર્યાલયમાં જોવા મળી હતી. હાલ રાજકોટ ભાજપ કાર્યાલયમાં MP રામ મોકરિયાને ચેમ્બર ફાળવવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

* 15 દિવસમાં બીજી હત્યા:અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા, સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘૂસી વૃદ્ધનું ગળું કાપ્યું, લોહીનાં ખાબોચિયાં ભરાયાં

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસી ગળે છરી મારીને ક્રૂર હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે. પંદરેક દિવસ પહેલાં પણ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.

વાંચો સમાચાર વિગતવાર

* આને કહેવાય પ્રેમ...:કન્યાની હઠ હતી કે થનારા પતિદેવ કારમાં નહીં, હેલિકોપ્ટરમાં જાન લઈને આવે; વરરાજા 20 લાખનો ખર્ચ કરીને રાજસ્થાનથી ડીસા લેન્ડ થયા!

લગ્નમાં લક્ઝુરિયસ ગાડીઓમાં આવતી જાન તો સૌએ જોઈ હશે, પરંતુ હવે ધીરે ધીરે હેલિકોપ્ટરમાં જાન લઈને આવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા જ ઠાઠમાઠ સાથે ડીસાના પઢિયાર પરિવારમાં દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા, જેમાં વરરાજો જાનમાં લાલ મોટરમાં ગુલાબી ગજરો લઇને નહીં, પરંતુ હેલિકોપ્ટર લઇને આવ્યો હતો. ડીસાના પઢિયાર પરિવારની દીકરીની જીદ પૂરી કરવા માટે રાજસ્થાનના આબુ રોડ વિસ્તામાંથી વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઇને ડીસા આવ્યો હતો. હેલિકોપ્ટરમાં જાન આવતા જોવા માટે આજુબાજુના વિસ્તારોના લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં.

વાંચો સમાચાર વિગતવાર

* સુપ્રીમકોર્ટમાં સુનાવણી, પરાળ વિવાદ અંગે CJIએ કહ્યું- ટીવી ડિબેટ આનાથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, દિલ્હીની 5-7 સ્ટાર હોટલમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી સરળ

દિલ્હીમાં એર ક્વોલિટીમાં કોઈપણ સુધારો થયો નથી. બુધવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ(AQI) 379 છે, જે ખૂબ ખરાબ કેટેગરીમાં આવે છે. સુપ્રીમકોર્ટ પ્રદૂષણના મામલામાં કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે એક્શન પ્લાન માગી ચૂકી છે. આજે ફરી આ મામલામાં કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં તેણે કેન્દ્ર અને દિલ્હી સરકારને કહ્યું હતું કે તે ખેડૂતોના પરાળ સળગાવવા બાબતે વિવાદ કરવાનું બંધ કરે. આ મામલાની વધુ સુનાવણી 24 નવેમ્બરે હાથ ધરાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પરાલી સળગાવવા મામલે એકબીજા પર સામસામે આરોપ લગાવી રહી છે. આ અંગે મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ કહ્યું હતું કે સરકાર જો પરાલી સળગાવવાને લઈને ખેડૂતો સાથે વાત કરવા માગે છે તો કરે, જોકે અમે ખેડૂતો પર કોઈ દંડ લગાવવા માગતા નથી. દિલ્હીની 5-7 સ્ટાર હોટલોમાં બેસીને ખેડૂતો પર ટિપ્પણી કરવી ખૂબ જ સરળ છે, જોકે એ વાત કોઈ સમજવા જ માગતું નથી કે ખેડૂતોને પરાલી શા માટે સળગાવવી પડે છે. તેમણે કહ્યું હતું કે કોઈપણ સોર્સથી વધુ પ્રદૂષણ ટીવી ચેનલો પર થતી ચર્ચાથી ફેલાય છે. ત્યાં દરેકનો કોઈ ને કોઈ એજન્ડા છે. અમે અહીં ઉપાય શોધવાની કોશિશ કરી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

* UNમાં ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો, ભારતે કહ્યું- PAKમાં ખુલ્લેઆમ ફરે છે આતંકવાદીઓ, જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર કરાયેલો ગેરકાયદેસર કબજો ખાલી કરો

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાને લઈને પાકિસ્તાનની નીંદા કરી છે. આ સિવાય ભારતે જમ્મુ-કાશ્મીરના ગેરકાયદેસર કબજાવાળા તમામ વિસ્તારને પણ તાત્કાલિક ખાલી કરવાની માંગ કરી છે. ભારતે વધુમાં કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલા પ્લેટફોર્મનો દૂરઉપયોગ કર્યો છે. UNમાં ભારતના સ્થાનિક મિશનના સલાહકાર કાજલ ભટે કહ્યું કે હું ભારતની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું કે સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હમેશા ભારતનો અભિન્ન હિસ્સો હતા અને રહેશે. તેમણે વધુમાં કહ્યું કે તેમાં એ વિસ્તાર પણ સામેલ છે, જે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદેસર કબજાવાળા તમામ ક્ષેત્રોને તાત્કાલિક ખાલી કરવા જણાવીએ છીએ.

વાંચો સમાચાર વિગતવાર

* ચીન સામે કડક વલણ, ભારત સાથેની સરહદ પર બોમ્બર પ્લેન ગોઠવ્યા, તેની લોન્ગ રેન્જ મિસાઈલની હદમાં દિલ્હી અને એરબેઝ

ચીને એક વખત ફરી ભારતને ધમકાવવાની કોશિશ કરી છે. ચીનની આર્મીએ ભારત સાથે જોડાયેલી સીમા પર બોમ્બર પ્લેન તહેનાત કર્યા છે. તે એરક્રાફટ CJ-20 લોન્ગ રેન્જ મિસાઈલ સાથે લેન્સ છે, જેની રેન્જમાં દિલ્હી પણ છે. ગત સપ્તાહે 11 નવેમ્બરે પીપુલ્સ લિબરેશન આર્મી(PLA)ની વાયુસેનાની 72મી એનિવર્સિરી પર ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝને હિમાલયની પાસે ઉડાન ભરી રહેલા H-6K બોમ્બર્સ પ્લેનના ફુટેજ પણ બહાર પાડ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) શાહી લગ્નોત્સવ પૂર્ણ:રાજકોટના ઉદ્યોગપતિના દીકરાનો રજવાડી બગીમાં વરઘોડો, વિન્ટેજ કાર અને હાથીઓએ આકર્ષણ જમાવ્યું, મહેમાનો 18 હજારની થાળી જમ્યા 2) અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા 40 નવા ડોમ ઉભા કર્યાં, દરરોજ અંદાજે 7000નું ટેસ્ટિંગ 3) કોરોના સામે લડવા રાજ્ય સરકારનું ઘર ઘર દસ્તક અભિયાન, આગામી 15 દિવસમાં દરરોજ 75 ગામોમાં વેક્સિન અપાશે, 700થી 800 ટીમો દ્વારા રસીકરણ કરાશે 4) અંગદાન મહાદાન:સુરતના 23 વર્ષીય બ્રેઈનડેડ યુવકના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનાં દાનથી 7ને નવજીવન, ફેફસાં સુદાનની હવામાં શ્વાસ ભરશે 5) સુરતના કામરેજમાં તળાવમાંથી બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ મળ્યો, ત્રણેયની આંખો પણ બહાર આવી ગઈ 6) LIC ભારતનો સૌથી મોટો IPO આગામી વર્ષના જાન્યુઆરી-માર્ચ મહિનામાં મૂડી બજારમાં રજૂ કરે તેવી શક્યતા 7) MPમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટ્યા; 100% કેપિસિટીની સાથે ખુલશે મોલ, સ્વિમિંગ પૂલ, જિમ અને યોગા સેન્ટર

આજનો ઈતિહાસ
વર્ષ 1972માં આજના દિવસે ઈન્ડિયન બોર્ડ ફોર વાઈલ્ડલાઈફ દ્વારા રોયલ બંગાલ ટાઈગરને ભારતનું રાષ્ટ્રીય પશુ તરીકે સ્વીકાર કર્યો હતો

અને આજનો સુવિચાર
જીવન એક આરસી જેવું છે. એના તરફ મલકશો તો મોહક લાગશે, એની સામે ઘૂરકશો તો એ બેડોળ લાગશે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...