માગણી:700થી વધુ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ, રાત્રી કર્ફ્યૂ 11 પછી લગાવો

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • આહાર મેનેજમેન્ટ એસો. મુખ્યમંત્રીને રજૂઆત કરશે
  • લગ્ન પ્રસંગમાં મહેમાનોની હાજરી અંગે પણ પુન: વિચાર કરો

લોકડાઉનથી અત્યાર સુધીમાં શહેરમાં 700 થી વધારે રેસ્ટોરન્ટ, ખાણીપીણી એકમો બંધ થયા છે. કારીગરો પણ છેલ્લા 9 મહિનાથી વતન જતાં રહ્યા છે. ત્યારે જો હજુ પણ કર્ફ્યૂ અને લગ્ન પ્રસંગમાં મહેમાનોની હાજરી બાબતે પુન: વિચાર નહી થાય તો આ વ્યવસાયને નુકશાન થશે. જે મુદ્દે આહાર મેનેજમેન્ટ એસોસિએશન શનિવારે મુખ્યમંત્રીને રજૂઆત કરશે.

આહાર મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું હતું કે, હાલ 10 વાગ્યા બાદ કર્ફ્યૂ લાદવામાં આવે છે. જો આ કર્ફ્યૂની સમયમર્યાદા રાત્રે 11 વાગ્યાની કરવામાં આવે તો આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ કારીગરોને લાભ મળશે. આ બાબતે એસોસીએશન દ્વારા આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર આપવામાં આવશે. કોરોના કાળમાં ગત માર્ચ મહિના બાદ શહેરમાં 40 ટકા એટલે કે 700થી વધારે રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના એકમો બંધ થઇ ગયા છે.

બીજી તરફ કેટરીંગના વ્યવસાય સાથે પણ મહત્તમ રાજસ્થાની નાગરિકો જોડાયેલા છે. જોકે લોકડાઉન બાદ આ લોકો પોતાના વતન જતાં રહ્યા છે. હજુ પણ અમદાવાદમાં લગ્ન પ્રસંગ માટે માત્ર 100 મહેમાનોની જ મુક્તિ હોવાથી તેઓ પરત આવ્યા નથી. હવે આગામી 18મી જાન્યુઆરીએ એક મુર્હૂત છે. જે બાદ છેક એપ્રિલમાં મુર્હૂત છે. ત્યારે હવે પ્રસંગમાં મહેમાનોની હાજરી 100થી વધારીને 300 કરવી જોઇએ. હવે આ ઉદ્યોગ ધમધમતાં નહીં થાય તો આ ઉદ્યોગ પડી ભાંગશે. વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકો પણ બેકાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...