ઘણા લોકોની દિવાળી બગડી:બગડેલી-ઓછાં વજનની મીઠાઈની 34 અને ફટાકડામાં છેતરપિંડી મામલે ગ્રાહક સુરક્ષામાં 70થી વધુ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 1200 રૂ.કિલોમાં ખરીદેલી મીઠાઇમાં ફૂગ નીકળી, મહેમાનોને આપવા લીધેલી મીઠાઇ પણ બગડેલી નીકળતાં સંખ્યાબંધ લોકોની દિવાળી બગડી
  • સંખ્યાબંધ બોક્સ પર એક્સપાયરી ડેટ જ લખેલી નહોતી
  • ફટાકડાના વેપારીઓએ GSTના બિલ આપ્યાં વગર ગ્રાહકો પાસેથી MRP કરતાં 10 ગણા ભાવ વસૂલ્યા

દિવાળીના તહેવારોમાં મીઠાઇ અને ફટાકડામાં ગ્રાહકો સાથે છેતરપિંડી મામલે ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં 70 ફરિયાદો નોંધાઇ છે. શહેરના પ્રખ્યાત કંદોઇ અને મીઠાઇ બનાવનાર સામે બગડેલી મીઠાઇ તેમજ ઓછું વજન આપવાની પણ 34 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે ફટાકડાના વેપારી સામે અલગ અલગ વિસ્તારમાં અનેક ફરિયાદો નોંધાઇ છે. મહેમાનોને દિવાળીની શુભેચ્છા માટે આપેલી મીઠાઇમાંથી ફૂગ નીકળી હોવાની અનેક ફરિયાદ નોંધાઇ છે. કેટલાક મીઠાઇના બોક્ષ પર એક્સપાયરી ડેટ ન લખી હોવાની ફરિયાદો થઈ છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે કહ્યું કે, મીઠાઈની દુકાનો સામે ફરિયાદ નોંધાઈ હોવા છતાં મ્યુનિ. હેલ્થ વિભાગ ભેળસેળવાળો માવાનો જથ્થો તહેવાર પહેલાં પકડતી નથી.

વિપુલ દૂધિયા: સ્ટાફને આપવા મીઠાઈ ખરીદી તો ફૂગ નીકળી
આંબાવાડી વિપુલ દૂધિયામાંથી હરનિશ મોઢે સ્ટાફને આપવા 1200 રૂપિયે કિલોની મિઠાઇના 10 બોક્ષનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે એક બોક્ષ ઓફિસમાં પૂજા દરમિયાન પ્રસાદ માટે લાવ્યા હતા. પૂજા બાદ પ્રસાદ માટે મીઠાઇનું બોક્ષ ખોલતાં મીઠાઇ પર ફૂગ જોવા મળી હતી. જે મીઠાઈનો ઓર્ડર આપ્યો હતો તેના બદલે અલગ નીકળતાં તેમણે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે.

કંદોઇ ભોગીલાલ: મિક્સ મીઠાઈનું વજન ઓછું નીકળતા ફરિયાદ
કાપડના વેપારીએ કંદોઇ ભોગીલાલ મૂળચંદ પાસેથી મીઠાઈના 25 બોક્સ ખરીદ્યા હતા. જેમાં 1 કિલોના બોક્સમાં 100થી 300 ગ્રામ ઓછું વજન નીકળ્યું હતુ આ અંગે કંદોઇને ફરિયાદ કરી હતી, પરંતુ ભીડને લીધે તેના પર ધ્યાન આપ્યું નહોતું.

રસરંજન: કાજુ કતરીમાં કાજુના બદલે ખોરી સિંગ નીકળી
રસરંજનમાંથી કાજુ-કતરી ખરીદનારને કાજુને બદલે ખોરી સિંગ નીકળતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. તોલમાપના નિયમ મુજબ મીઠાઇનું વજન નેટ આપવાનું હોય છે, પરંતુ રસરંજન અને અન્ય કંદોઇએ ખોખાના વજન સાથે મીઠાઈ આપી.

ફૂડ સેફ્ટી એક્ટનો યોગ્ય અમલ ન થતાં રિપોર્ટ જલદી આવતા નથી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનો યોગ્ય અમલ ન થતો હોવાથી સેમ્પલ લીધા બાદ રિપોર્ટ સમયસર આવતા નથી. આ અંગે મુકેશ પરીખે જણાવ્યું હતું કે, રિપોર્ટમાં વિલંબ થવાથી મીઠાઈ ખાધા બાદ ખબર પડે છે કે તે ખાવાલાયક હતી કે નહીં.

પ્રતિબંધિત રોકેટ વેચાયાની ફરિયાદો પણ મળી
શહેરના રાયપુર ચકલામાં ફટાકડાના વેચાણમાં મોટાભાગની ફરિયાદ જીએસટીના બિલો વગર વેચાણ થતું હોવાની થઇ છે. જ્યારે પ્રતિબંધિત કરાયેલા ગાંડિયા રોકેટ પણ વેચાયા હોવાની ફરિયાદ નોંધાઇ છે.

સાયન્સ સિટી વિસ્તારની ન્યુ ફ્રીઝલેન્ડ હોટેલમાંથી ઓનલાઈન મગાવેલા રાઈસમાંથી વંદો નીકળ્યો
શહેરના સાયન્સ સિટી વિસ્તારની ન્યૂ ફ્રીઝલેન્ડ હોટેલમાંથી ઓનલાઇન મંગાવેલા રાજમા-રાઇસમાંથી વંદો નીકળતા ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમા એવી રજૂઆત કરાઇ છે કે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટનો અસરકારક અમલ નહીં થવાને લીધે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યા છે.

પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે કોર્પોરેશનના અધિકારીઓએ હોટેલ સામે પગલા લેવા ખાતરી આપી છે. સોલા વિસ્તારમાં રહેતા અમી મહેતા નામની મહિલાએ 9 તારીખે ન્યૂ ફ્રીઝલેન્ડમાંથી ઓનલાઇન રાજમા-રાઇસનો ઓર્ડર કર્યો હતો. તેના માટે રૂ. 246નું પ્રી પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું. રાજમા- રાઇસને ખોલતાની સાથે જ તેમાંથી દુર્ગંધ આવતી હતી. નોંધનીય છે કે, અગાઉ પણ અનેક જાણીતી હોટેલો સામે પણ ફરિયાદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...