અમદાવાદમાં કેબિનેટ મંત્રી સામે જ મોરચો મંડાયો:પ્રદીપ પરમાર સામે 70થી વધુ ભાજપના દાવેદાર, મંત્રી જગદીશ પંચાલ સામે ચાર જ દાવેદાર

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે લેવાની પ્રક્રિયા 28 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા બે દિવસમાં પૂર્ણ થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બે કેબિનેટ મંત્રી સહિતના હાલના ધારાસભ્યોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં બે મંત્રીઓ સામે જ દાવેદારો વધુ અને ઓછા છે. નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા સામે 17 લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કેબિનેટ મંત્રી એવા પ્રદીપ પરમાર સામે સૌથી વધુ 70થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

અસારવા સીટની સેન્સ શરૂ થતા જ કાર્યકરો ઊમટી પડ્યા
ભાજપ દ્વારા 28 ઓક્ટોબરથી અમદાવાદ શહેરની 16 વિધાનસભાની બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે આઠ વિધાનસભા અને બીજા દિવસે આઠ વિધાનસભા એમ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રથમ દિવસે શાહીબાગ વિસ્તારમાં ઓસવાલ ભવન ખાતે સૌથી પહેલી અસારવા વિધાનસભા બેઠક માટેની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રક્રિયા શરૂ થઈ તેની પહેલાં જ ઓસવાલ ભવન ખાતે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો શરૂ થઈ ગયો હતો. અસારવા વિધાનસભામાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર છે. તેમની સામે સૌથી વધારે દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. આશરે 70થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.

અસારવા વિધાનસભા બેઠક પર 70થી વધુ દાવેદારો જે નોંધાયા છે તેમાં સમગ્ર ગુજરાતમાંથી અનામત વર્ગના લોકો દાવેદારી નોંધાવી છે પરંતુ સેન્સ પ્રક્રિયામાં અસારવા વિધાનસભાના મોટાભાગના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ચાલુ ધારાસભ્ય પ્રદીપ પરમાર ને ફરીથી ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી છે.

વિધાનસભા ચૂંટણીની દાવેદારી માટે આવેલા ભાજપના કાર્યકરો અને નેતાઓ
વિધાનસભા ચૂંટણીની દાવેદારી માટે આવેલા ભાજપના કાર્યકરો અને નેતાઓ

અસારવા સીટ ભાજપનો ગઢ હોવાથી ટિકિટ માટે લાઇન લાગી
અસારવા વિધાનસભા બેઠક હવે ભાજપ માટે ગઢ ગણાય છે. અસારવા સીટ અનામત સીટ છે અને હવે સૌથી સુરક્ષિત સીટ છે. જેથી ગુજરાતભરના અનામત વર્ગના દાવેદારો દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. 70 થી વધુ દાવેદારોએ પોતાના બાયોડેટા ઉમેદવારી નોંધાવવા માટે આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અસારવાના ધારાસભ્ય છે અને તેમની સામે જ અનામત વર્ગના નેતાઓ અને કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે ત્યારે શું ભાજપ હાઈકમાન્ડ ફરી એક વાર પ્રદીપ પરમારને રિપીટ કરશે તેના પર નજર છે.

નિકોલમાં જગદીશ પંચાલ સામે 17ની દાવેદારી
બીજી તરફ અમદાવાદ શહેરમાં સૌથી ઓછી દાવેદારી નિકોલ વિધાનસભા બેઠક પર થઈ છે. કેબિનેટ મંત્રી એવા જગદીશ વિશ્વકર્મા નિકોલના ધારાસભ્ય છે અને તેમની સામે 17 લોકોએ દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન નિકોલ વિધાનસભા માટે અમદાવાદના છ વોર્ડના તમામ ભાજપના કાર્યકર્તાઓએ એકમાત્ર જગદીશ વિશ્વકર્માને ટિકિટ આપવામાં આવે તેનું સમર્થન કર્યું હતું. તમામ છ વોર્ડના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનું તેમને સમર્થન હોવાથી અન્ય કોઈ વ્યક્તિએ દાવેદારી નોંધાવી નથી. જગદીશ વિશ્વકર્મા સામે પૂર્વ કોર્પોરેટર મધુબેન પટેલ અને ડો. વસંત પટેલ દ્વારા ત્યાં દાવેદારી કરવામાં આવી છે.

શહેરની 16 સીટ માટે 500થી વધુ દાવેદાર
અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકો પર સેન્સ પ્રક્રિયામાં 500થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. શાહીબાગના ઓસવાલ ભવન ખાતે અને સાયન્સ સિટી વિસ્તારમાં આર.કે રોયલ હોલ તેમજ મણિનગરમાં આવકાર હોલ ખાતે બે દિવસ યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક જગ્યાએ સમર્થકોએ પોતાના નેતાઓને ટિકિટ મળે તેના માટે થઈ રજૂઆત કરી હતી, તો ક્યાંક ટિકિટ ન મળે તેના માટે વિરોધ પણ થયો હતો. ખાસ કરીને અમદાવાદની પૂર્વ વિસ્તારની બે બેઠકો પર ટિકિટ આપવાને લઈ અને વિરોધ સામે આવ્યો હતો. દરિયાપુર બેઠક જે હાલમાં કોંગ્રેસ પાસે છે તેમાં 35થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે.

દરિયાપુર સીટ પર દાવેદારી કરવા આવેલા HB કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયા.
દરિયાપુર સીટ પર દાવેદારી કરવા આવેલા HB કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયા.

મુક્તક કાપડિયાની દાવેદારી સામે કાર્યકરોમાં રોષ
દરિયાપુરની સેન્સ પ્રક્રિયા દરમિયાન HB કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયા જ્યારે દાવેદારી નોંધાવી અને બહાર આવ્યા હતા ત્યારે દરિયાપુર વિસ્તારના કેટલાક પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુક્તક કાપડિયાને ટિકિટ ન મળે તેને લઈને વિરોધ કર્યો હતો. દરિયાપુરના સ્થાનિક કાર્યકરો અને નેતાઓની માંગ હતી કે દરિયાપુર વિસ્તારના જે પણ સ્થાનિક વ્યક્તિ છે અને પાર્ટીના જે કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરે છે, તેમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે. કોઈપણ આયાતી ઉમેદવારને દરિયાપુર વિધાનસભાની ટિકિટ ન આપે તેવી માંગ કરાઈ હતી.

બાપુનગરમાં પૂર્વ DYSP તરુણ બારોટની પણ દાવેદારી
બાપુનગર વિધાનસભા માટે બાપુનગર વોર્ડના કોર્પોરેટર અશ્વિન પેથાણી, પ્રકાશ ગુર્જર, દિનેશભાઈ કુશવાહ, મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને પૂર્વ ડીવાયએસપી તરુણ બારોટ સહિતના લોકોએ દાવેદારી નોંધાવી હતી. આ તમામ 10 જેટલા લોકોનાં નામ સાથેનો એક ઠરાવ નિરીક્ષકોને આપવામાં આવ્યો હતો. જેમાં આ 10 લોકોને બાપુનગર વિધાનસભા માટે ટિકિટ આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.

દરિયાપુરના લોકો સાથે લાગણી જોડાયેલી છેઃ મુક્તક કાપડિયા
HB કાપડિયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરિયાપુર વિધાનસભાની સેન્સ પ્રક્રિયા દરમિયાન હું મારી દાવેદારી કરવા ગયો હતો, ત્યારે કેટલાક લોકોએ મારો વિરોધ કર્યો હતો. તેને હું આવકારું છું. લોકશાહીમાં દરેકને પોતાનો હક છે, પરંતુ મારું કહેવું એટલું જ છે કે દરિયાપુર વિધાનસભા બેઠક છેલ્લાં દસ વર્ષથી કોંગ્રેસ પાસે છે અને આ સીટ જીતી શકાય તેવી છે. એકસાથે રહી અને સંગઠન મજબૂત કરી આ બેઠક પર જીત મેળવી શકાય એમ છે. છેલ્લાં 67 વર્ષથી ત્યાં જોડાયેલા છીએ અને લોકો સાથે લાગણી જોડાયેલી છે. જેથી અમને લોકો ચોક્કસથી આવકારશે તેનો સંપૂર્ણ વિશ્વાસ છે. તેથી ત્યાં દાવેદારી કરી છે. વિધાનસભાની ચૂંટણી માટેની ટિકિટ આપવી કે નહીં તે પાર્ટીનો નિર્ણય છે, પરંતુ આ બેઠક પર વિજય મેળવી અને વડાપ્રધાનની ગૌરવ યાત્રાને મજબૂત કરવાનો એક પ્રયાસ કરવામાં આવશે.

ભાજપના કાઉન્સિલરો અને ભાજપના પૂર્વ ધારાસભ્ય સામસામે
બાપુનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે ભાસ્કર ભટ્ટ અને ભાજપના આ તમામ કાઉન્સિલરો દ્વારા જે નામ આપી અને ટિકિટ માંગવા માટેનો જે ઠરાવ નિરીક્ષકોને આપ્યો હતો. તેનો વિરોધ કર્યો હતો. જગરૂપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય તરીકે હું અપેક્ષિત તત્ત્વ અને ત્યાં મને જાણવા મળ્યું કે આ રીતે નામનો ઠરાવ કરી ટિકિટની માંગણી કરવામાં આવી છે. જેથી મેં કોઈ સ્થાનિક વ્યક્તિને અને કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. મારે ચૂંટણી લડવાની નથી. પરંતુ જે પણ સ્થાનિક વ્યક્તિ હોય અને પાર્ટીના કાર્યકર્તા છે અને મૂળ ભાજપના વ્યક્તિ હોય તેને ટિકિટ આપવી જોઈએ.

મુખ્યમંત્રી સામે એકપણ દાવેદાર નહીં
પશ્ચિમ વિસ્તારની બેઠકો પર ઘાટલોડિયા વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ એકમાત્ર દાવેદાર છે. જ્યારે સાબરમતી, નારણપુરા, વેજલપુર બેઠકો પર 15થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. એલિસબ્રિજ હાઈપ્રોફાઈલ બેઠક પર 28થી વધુ દાવેદારો છે. બાપુનગર અને નરોડા બેઠક ઉપર પણ 55થી વધુ દાવેદારો છે. ઠક્કરબાપાનગર બેઠક માટે 28થી વધુ લોકોએ દાવેદારી કરી છે.

એલિસબ્રિજ

 1. રાકેશ શાહ
 2. અમિત પી. શાહ
 3. જૈનિક વકીલ
 4. ડો. સુજય મહેતા
 5. પ્રીતેશ મહેતા
 6. ચૈતન્ય શંભુ મહારાજ
 7. નંદિની પંડ્યા
 8. ડો. રાજીકા

બાપુનગર

 1. તરુણ બારોટ
 2. ભાસ્કર ભટ્ટ
 3. પંકજ શુક્લા
 4. પરેશ લાખાણી
 5. શ્રદ્ધા ઝા
 6. મેનાબેન પટણી

ઠક્કરબાપાનગર

 1. વલ્લભભાઈ કાકડિયા
 2. અશ્વિન પેથાણી
 3. વિનુ રાદડિયા
 4. બાબુ ઝડફિયા
 5. નરસિંહ કાનાણી
 6. પરેશ લાખાણી

નિકોલ

 1. જગદીશ વિશ્વકર્મા
 2. નરસિંહ પટેલ
 3. મધુબેન પટેલ
 4. ડો. વસંત પટેલ

દરિયાપુર બેઠક

 1. કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ
 2. કૌશિક જૈન
 3. પ્રવીણ પટેલ
 4. મહેશ ઠક્કર
 5. રમણ માળી
 6. જગાભાઈ દનતાનિયાં
 7. કનુ મિસ્ત્રી
 8. બિપીન પટેલ
 9. અંજલિ કૌશિક
 10. જનક ખાંડવાલા
 11. મુક્તક કાપડિયા

વેજલપુર બેઠક

 1. હિતેશ બારોટ
 2. દેવાંગ દાણી
 3. જયેશ ત્રિવેદી
 4. રાજુ ઠાકોર
 5. દિલીપ બગડિયા
 6. કિશોર ચૌહાણ

નારણપુરા સીટ

 1. ગીતાબેન પટેલ
 2. જીતુ ભગત
 3. હર્ષદ પટેલ
 4. ગૌતમ શાહ
અન્ય સમાચારો પણ છે...