ઓક્સિજન ઉત્પાદક એકમો ‘ઓક્સિજન’ પર:ઔદ્યોગિક વપરાશના ઓક્સિજન પરનો પ્રતિબંધ દૂર ન થતાં 5 હજારથી વધુ એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાના કેસ ઘટતાં 100 ટકા સપ્લાય હોસ્પિટલોને આપવાનો નિયમ બદલવા માગ

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની માગ વધતા સરકારે 12 એપ્રિલથી તમામ ઔદ્યોગિક એકમો માટે ઓક્સિજન સપ્લાય બંધ કરી 100 ટકા સપ્લાય હોસ્પિટલો માટે ફાળવવાનો આદેશ આપ્યો હતો. હાલમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતા ઓક્સિજનની માગ પણ ઘટી ગઈ છે. તેમ છતાં સરકારે હજુ સુધી ઔદ્યોગિક એકમોને અપાતા ઓક્સિજન પર પ્રતિબંધ ચાલુ રાખતા અમદાવાદ સહિત રાજ્યભરના 5 હજારથી વધુ ઔદ્યોગિક એકમો જ હવે ઓક્સિજન પર આવી ગયા છે.

આ પરિસ્થિતિમાં હજારો એકમોમાં કામગીરી બંધ રાખવાનો વારો આવ્યો છે. બીજી બાજુ રો મટિરિયલના મોંઘા થવાની સાથે ઈલેક્ટ્રીસિટી ખર્ચ, કારીગરોના પગાર સહિતનો ખર્ચ ચાલુ છે. આ પરિસ્થિતિમાં એકમો મરણ પથારીએ જાય તે પહેલા સરકાર ઔદ્યોગિક એકમો માટે વહેલીતકે ઓક્સિજન સપ્લાય શરૂ કરવાની ઔદ્યોગિક એસોસિએશનોએ માગણી કરી છે.

કઠવાડા સ્ટીલ ફાઉન્ડ્રી એસોસિએસન સહિત અન્ય સંગઠનના સભ્યોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જ્યારે કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની જરૂર હતી ત્યારે તમામ ઔદ્યોગિક એકમોએ સરકારને સાથ આપી તેમના રોજગાર બંધ કરી દીધા હતા. પરંતુ હવે કોરોનાના કેસો ઓછા થવાની સાથે ઓક્સિજનની પણ ડિમાંડ ઘટી છે. જેના કારણે હવે ઓક્સિજન પર લગાવેલ પ્રતિબંધ સરકારે દૂર કરી ઔદ્યોગિક એકમો માટે સપ્લાય શરૂ કરવું જોઈએ. શહેરની વિવિધ જીઆઈડીસીમાં આવેલા ફાઉન્ડ્રી ઉદ્યોગ, સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, એન્જીનિયરિંગ અને ફેબ્રિકેશન ઉદ્યોગ સાથે જોડાયેલા 5 હજારથી વધુ એકમો હાલમાં બંધ છે. જેમાં લાખો કર્મચારીઓ ઘરે બેસી રહ્યા છે.

માંગ 2 હજાર સિલિન્ડરથી ઘટી 200 થઈ
એપ્રિલમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની ડિમાંડ વધતા શહેરમાં આવેલા એક ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટમાં ચોવીસ કલાક દરમિયાન રોજના 2 હજાર જેટલા સિલિન્ડરની રિફિલિંગ થતી હતી. પરંતુ હાલમાં ડિમાંડ ઘટતા પ્લાન્ટમાં ફક્ત 4થી 5 કલાક જ કામગીરી ચાલે છે જેમાં 200 જેટલા સિલિન્ડરની રિફિલિંગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...