મંગળવારે રમજાન ઈદ અને પરશુરામ જયંતી બંને તહેવાર આવી રહ્યા હોવાથી શહેર પોલીસને એલર્ટ કરી દેવાઈ છે. પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં 4 શોભાયાત્રા નીકળવાની છે, જેથી આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખશે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રમજાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઊજવાય તે માટે પોલીસે અગાઉથી શાંતિ સમિતિ, મહોલ્લા કમિટી તેમ જ સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી. જોકે રમજાન ઈદના તહેવારમાં શહેરમાંથી એક પણ જુલૂસ કે સરઘસ નીકળવાનું નથી, પરંતુ પરશુરામ જયંતી નિમિત્તે શહેરમાં ચાર શોભાયાત્રા નીકળવાની છે. શોભાયાત્રા ઉપર કે યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારેય શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકોને અફવાઓથી દૂર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. તેમાં છતાં સોશિયલ મીડિયા પર પોલીસની નજર રહેશે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. પોલીસ બંદોબસ્તમાં 5 અધિક સંયુક્ત પોલીસ કમિશનર, 10 ડીસીપી, 18 એસીપી, 60 પીઆઈ, 300 પીએસઆઈ, 5000 પોલીસ કર્મી અને 500 એસઆરપી જવાન ફરજ પર તહેનાત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.