ગરબા પાર્ટીમાં પોલીસનો ભંગ:અમદાવાદના કોફીબારમાં 500થી વધુ લોકો ગરબા રમતા મળી આવ્યા, પોલીસે ત્રણ આયોજકો સામે ગુનો નોંધ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાતમીના આધારે પોલીસે કોફીબારમાં તપાસ કરતા લોકો ગરબા રમતા જોવા મળ્યા
  • પોલીસે કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે, પરંતુ હજી કોરોનાથી સંપૂર્ણપણે મુક્તિ મળી નથી. રાજય સરકારે નવરાત્રીનો તહેવાર શેરી કે સોસાયટીમાં 400 લોકોની પરમિશન સાથે ગરબા ઉજવવાની છુટ આપી હતી. અમદાવાદના એસ.પી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. નામના કોફીબારમાં નવમા નોરતે 11.20 કલાકે 500થી વધુ લોકો ગરબા રમતા હતા. સોલા પોલીસને બાતમી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં વગર પરમિશન કોફીબારમાં 500 લોકો ગરબા રમતા હોય સોલા પોલીસે ગ્રેસ કોફી કો.ના માલિકો ચંદ્રમૌલી ઉર્ફે દિલીપ પટેલ, નરેશ ઉર્ફે યશ ધકાણ અને જસ્મીન સિસોદિયા સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કોફીબારમાં ટ્રેડિશનલ ડ્રેશમાં 500થી વધુ લોકો મળ્યા
સરકારની ગાઈડલાઈન મુજબ શેરી કે સોસાયટીમાં ગરબાની જ પરમિશન અને 400 લોકોની જ મર્યાદા હોવા છતાં એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલથી શીલજ સર્કલ વચ્ચે આવેલા ગ્રેસ કોફી કો. કોફીબારના માલિકોએ ગરબાનું આયોજન કર્યું હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જેથી સોલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.જે રાણા અને ટીમ ફોફીબાર પર પહોંચી ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં 500થી વધુ લોકો ગરબા રમતા મળી આવ્યા હતા.

કોફીબાર દ્વારા તૈયાર કરાયેલું ગરબા માટેનું ઈન્વાઈટ
કોફીબાર દ્વારા તૈયાર કરાયેલું ગરબા માટેનું ઈન્વાઈટ

ગરબા આયોજકો સામે પોલીસે ગુનો નોંધ્યો
​​​​​​​
પોલીસે ગ્રેસ ફોફી કો. નામના કોફીબારના માલિકો ચંદ્રમૌલી ઉર્ફે દિલીપ પટેલ (રહે. ગાંધીનગર), નરેશ ઉર્ફે યશ ધકાણ (રહે. સેટેલાઇટ) અને જસ્મીન સિસોદિયા (રહે. શીલજ)ની પૂછપરછ કરતા તેઓએ ગરબાની કોઈ પરમિશન લીધી ન હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં 500થી વધુ લોકો ગરબા રમતા હોવાથી, ગરબાનું આયોજન કરનારા ત્રણેય સામે પોલીસે કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

ખાનગી પાર્ટી પ્લોટ, ક્લબોમાં ગરબા રમવા પર મૂકાયો હતો પ્રતિબંધ
રાજયમાં માત્ર શેરી ગરબાની પરમિશન આપવામાં આવી હતી. ખાનગી પાર્ટી પ્લોટ, ક્લબો વગેરે જગ્યાએ ગરબા યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં ગ્રેસ કોફી કો. કોફીબાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેસ કોફી કો. દ્વારા સોશિયલ મીડિયામાં આ મામલે પોસ્ટ પણ કરવામાં આવી હતી. ગ્રેસ કોફી ઇન્ડિયા નામના ઇન્સ્ટાગ્રામ પર પાંચ દિવસ પહેલા ગરબાના આયોજન અંગે અને ગરબાના આમંત્રણનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. સરકારની પરમિશન નથી છતાં આ રીતે ગ્રેસ કોફી કો.ના માલિકોએ ગરબાનું આયોજન કર્યું હતું અને સોલા પોલીસે કાર્યવાહી કરી હતી.