કોરોનાની વિસ્ફોટક સ્થિતિ:અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, કોરોનાના કેસો વધતા લેવાયો નિર્ણય

અમદાવાદ2 વર્ષ પહેલા
  • દિવાળી પર લોકો બજારમાં ખરીદી માટે ઉમટતા જોઈને AMC તંત્રને અગાઉથી કોરોનાની બીજી લહેરનો અંદાજ હતો
  • સિવિલની કોવિડ 19 હોસ્પિટલથી કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓ શિફ્ટ કરવામાં આવે છે

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવે છે. નોંધનીય છેકે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. બારેજા નગરપાલિકાએ પણ 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

કેન્સર અને કિડની હોસ્પિ.માં 400થી વધુ પથારીની વ્યવસ્થા કરાઈ
અસારવા સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલમાં કુલ મળીને 400થી વધુ પથારી ઉપલબ્ધ કરાવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400થી વધુ પથારી ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક આવેલા વિસ્તારો સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ પથારીની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ પથારીઓ આજે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની આજે ફાળવણી કરાઈ
અમદાવાદ શહેરમાં હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 મળીને કુલ 2637 પથારીઓ ખાલી છે. આમ કોરોનાના દર્દીઓ માટે અમદાવાદ શહેરમાં પૂરતી સંખ્યામાં પથારીઓ ઉપલબ્ધ કરાવી છે. શહેરમાં કોરોનાની સારવાર માટે વિવિધ સેવાઓ પૂરી પડાઈ રહી છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલાઈઝેશન માટે સેવા પૂરી પાડતી 108 ઈમરજન્સી સર્વિસની હયાત 20 એમ્બ્યુલન્સ ઉપરાંત વધારાની 20 એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર માટે વધુ 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની આજે ફાળવણી કરવામાં આવી રહી છે.

કર્ફ્યૂની જાહેરાતથી આટલી વસ્તુઓ બંધ રહેશે
- રાત્રી બજાર
- રેસ્ટોરેન્ટ અને હોટલ
- બસ સેવા
- થિએટર
- પાનના ગલ્લા અને ચાની કિટલીઓ

723માંથી 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર
લોકડાઉન સમયે જ્યારે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો, ત્યારે અમદાવાદ સિવિલમાં આ પ્રકારની સ્થિતિ હતી. જે ફરીથી નિર્માણ થઇ છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 723 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. તેની સામે 384 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, તેનાથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે 179 વેન્ટિલેટર બેડ કોરોનાના દર્દીઓને ફાળવવામાં આવ્યા છે. જેમની સ્થિતિ ગંભીર થાય તો તેમને વેન્ટિલેટર પર લેવામાં આવે તેવી સ્થિતિ પણ નિર્માણ થઇ શકે છે. આવી સ્થિતિ અન્ય હોસ્પિટલમાં પણ થઇ રહી છે. ત્યારે આવનારા સમયમાં કોરોનાના દર્દીઓ રેકોર્ડ બ્રેક કરે તેવું પણ બની શકે છે.

સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ 723 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે
સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ 723 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે

સિવિલમાં દર્દી ઘટીને એક સમયે 100 આસપાસ થયા હતા
દિવાળીના તહેવારોમાં જે રીતે લોકો બજારમાં ફરી રહ્યાં હતાં. તેનાથી તંત્રને અંદાજ હતો કે તહેવારો બાદ કોરોનાની બીજી લહેર ગમે ત્યારે આવી શકે છે અને તે સ્થિતિ સામે આવી રહી છે. શહેરમાં એક સમયે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હતા. જે ઘટીને 100-120ની આજુબાજુ આવી ગયા હતા. પરંતુ હવે ફરી આ આંકડો 700ને પાર કરી ગયો છે. હવે ગંભીર હાલતમાં આવતા દર્દીઓની સંખ્યા ખૂબ ચોંકાવનારી છે. જેમાં 50 ટકા દર્દીઓ તો ઓક્સિજન વગર રહી શકે તેવા નથી.

ખરાબ હાલત ધરાવતા દર્દીઓને 179 વેન્ટિલેટર બેડ ફાળવવામાં આવ્યા
ખરાબ હાલત ધરાવતા દર્દીઓને 179 વેન્ટિલેટર બેડ ફાળવવામાં આવ્યા

કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ શિફ્ટ કરાય છે
આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ જે.પી. મોદીએ Divyabhaskarને જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં 723 કોરોનાના દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. તેની સાથે હવે કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓ શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. કુલ દર્દીઓમાંથી 384 જેટલા દર્દીઓ ઓક્સિજન સાથે સારવાર લઇ રહ્યાં છે. બીજી તરફ તેનાથી વધુ ખરાબ હાલત ધરાવતા દર્દીઓને 179 વેન્ટિલેટર બેડ ફાળવવામાં આવ્યા છે. જો કોઇ દર્દીની સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને તરત વેન્ટિલેટર પર લેવામાં આવે તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.