કોરોના મહામારીને પલગે રાજ્યની તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી, જે હવે સ્થિતિ થોડી કાબૂમાં આવતાં ધીરે-ધીરે શરૂ થઈ છે. ત્યારે હવે પ્રાથમિક સ્કૂલોમાં પરીક્ષા લેવાની પણ તૈયારી થઈ રહી છે. સોમવારથી ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. કોરોના સંકટ વચ્ચે રાજ્યમાં પ્રથમવાર પ્રાથમિક સ્કૂલોમાં અંદાજે 50 લાખથી વધુ વિદ્યાર્થીઓની પ્રત્યેક્ષ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે, જેને લઈને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે, સાથે જ જે વિદ્યાર્થી પરીક્ષા આપવા નહીં આવી શકે તેમને ઘરેબેઠા પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહી મળશે.
ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં 70 ટકા વિદ્યાર્થીઓની હાજરી
કોરોના મહામારીથી સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને પડ્યું છે. સતત એક વર્ષ સુધી સ્કૂલ-કોલેજ બંધ રહેતાં અભ્યાસ પર મોટી અસર પડી છે. ઓનલાઈન અભ્યાસ ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. ત્યારે હવે છેલ્લા કેટલાક મહિનાથી ધીરે-ધીરે સ્કૂલો તેમજ કોલેજો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓ ખુશ થયા છે. શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાનો ઉત્સાહ વધારે જોવા મળ્યો છે. હાલમાં ગ્રામીણ વિસ્તારની સ્કૂલોમાં 70 ટકાની આસપાસ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ છે. ત્યારે હવે 15 માર્ચથી પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પણ તૈયારીમાં લાગી ગયા છે.
ધો.3થી 4ના વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રોમાં જવાબ લખશે
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, 15થી 22 માર્ચ સુધી પ્રથમ સત્રની નિદાન કસોટી યોજાશે, જેમાં સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી એમ તમામ સ્કૂલોમાં પરીક્ષા લેવામાં આવશે, સાથે જે પણ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર નહીં રહી શકે તેમને પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. ધોરણ 3થી 4ના વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રોમાં તેના જવાબ લખવાના રહેશે ત્યારે ધોરણ 5થી 8ને અલગથી ઉત્તરવહી આપવામાં આવશે.
વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાનો અનેરો ઉત્સાહ
કોરોનાકાળમાં પ્રથમ વખત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ પરીક્ષા લેવામાં આવી રહી છે, પરંતુ પરીક્ષા દરમિયાન તમામ વિદ્યાર્થી તેમજ શિક્ષકો માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું ફરજિયાત રહેશે. પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 6થી 8ના ક્લાસ શરૂ થતાં જ વિદ્યાર્થીઓમાં સ્કૂલે જવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.