તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • More Than 4 Inches Of Rain Fell In Several Areas Of The City, Including The Maximum Of 5.5 Inches In Maninagar In Just Three Hours With Thunderstorms.

અમદાવાદમાં મેઘમહેર:વીજળીના પ્રચંડ કડાકા સાથે માત્ર ત્રણ કલાકમાં મણિનગરમાં સૌથી વધુ 5.5 ઈંચ સહિત શહેરના અનેક વિસ્તારમાં 4 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
શહેરભરમાં તોફાની પવન સાથે વીજળીના પ્રચંડ કડાકા સાથે વરસાદ પડ્યો હતો. - Divya Bhaskar
શહેરભરમાં તોફાની પવન સાથે વીજળીના પ્રચંડ કડાકા સાથે વરસાદ પડ્યો હતો.
 • પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા, ઠેર ઠેર ટ્રાફિકજામ અને એક-દોઢ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી
 • પાલડી, આંબાવાડી, શાહીબાગ, મણિનગરમાં કલાકો સુધી લોકો અટવાયા
 • CTM ઠાકરે હોલ પાસે 2 ફૂટ પાણી, ખોખરા હાઉસિંગ બોર્ડમાં પણ પાણી ઘૂસ્યાં
 • ગોતા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, જગતપુરમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા
 • સરેરાશ 3 ઈંચ વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયાની ફરિયાદો મળી

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, શહેરના કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતાં. શહેરમાં સરેરાશ ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ મણિનગરમાં 5.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સીઝનમાં કુલ 13 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં શહેરમાં સરેરાશ ત્રણ ઈંચથી વધુ વરસાદ રવિવારે સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન પડ્યો હતો.

પાણીમાં ફસાયેલાં વાહનો ધક્કો મારીને બહાર કાઢવાં પડ્યાં
પાણીમાં ફસાયેલાં વાહનો ધક્કો મારીને બહાર કાઢવાં પડ્યાં

રવિવારે સાંજે પાંચ વાગ્યા બાદ વાદળ ઘેરાતાં એક જ કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સાંજે 6 વાગ્યાથી સતત ત્રણ કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડતા શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા.ધોધમાર વરસાદથી મણિનગર ઉપરાંત પાલડી, વેજલપુર, આંબાવાડી, હાટકેશ્વર સર્કલ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો ફસાઈ ગયા હતા અને પાણી ભરાવાને લીધે એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈન જોવા મળી હતી. ઓઢવ, વિરાટનગર, નિકોલ, મેમ્કો અને ચકુડિયા વિસ્તારમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ટ્રાફિક જામ થયો હતો.

સીટીએમ કુશાભાઉ ઠાકરે હોલ પાસે બે ફૂટ પાણી ભરાયા હતા, જ્યારે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. ખારીકટ કેનાલની આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયા હતા તેમજ પુનિતનગર, પાલડી અને શાહીબાગમાં પણ કલાકો સુધી પાણી ઉતર્યા નહોતા.

રન-વે પર પાણી ફરી વળતાં 7 ફ્લાઈટ મોડી પડી, પૂણે-અમદાવાદ ફ્લાઈટ સુરત ડાયવર્ટ
ભારે વરસાદથી એરપોર્ટ વિસ્તાર અને રન-વે પર પાણી ભરાયા હતા અને વિઝિબિલિટી 1500 મીટરથી ઓછી થતાં અમદાવાદથી જતી બેંગલુરુ-જયપુર-દિલ્હી-ચેન્નઈ સહિત અન્ય શહેરની 7 ફ્લાઈટો રોકી દેવાઈ હતી. મોડી રાત્રે વરસાદ રોકાયા બાદ ફ્લાઈટો રવાના થઈ હતી. એજ રીતે પૂણેથી અમદાવાદ આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટને હવામાં ચક્કર માર્યા બાદ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરાઇ હતી, જ્યારે ઈન્ડિગોની બેંગલુરુ ફ્લાઈટને વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરાઇ હતી.

પાણી ભરાતા 7 અંડરપાસ બંધ કરવા પડ્યા
વરસાદી પાણી ભરાતા અખબારનગર, મીઠાખળી, શાહીબાગ, પરિમલ, દક્ષિણી, કુબેરનગર અને ઉસ્માનપુરા અન્ડરપાસને બંધ કરવા પડ્યા હતા. અંડરપાસની ગટરની જાળીની તાબડતોબ સાફસફાઈ શરૂ કરતાં મોડી રાત્રે અવરજવર શરૂ થઈ હતી.

આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ (ઇંચમાં)

 • 5.5. - મણિનગર
 • 5 - મેમ્કો
 • 4.75 - નિકોલ
 • 4.75 - ચકુડીયા
 • ​​​​​​​4.75 - વિરાટનગર
 • 4.25 - ઓઢવ
 • 4 - ખાડિયા
 • ​​​​​​​4 - ઉસ્માનપુરા
 • 3.75 - દૂધેશ્વર
અન્ય સમાચારો પણ છે...