દર વર્ષે 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિવસ ઉજવવામાં આવે છે. ગ્રાહકોના હિતોને ધ્યાને રાખીને આ દિવસની ઉજવણી કરાય છે. તેનો હેતુ ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને તેના લાભો માટે બનેલા કાયદાઓ વિશે માહિતગાર કરવાનો હોય છે. ત્યારે આ દિવસે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ગુજરાતના 38 શહેરના ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને સ્ટેટ કમિશનમાં ડિસેમ્બર 2022 સુધી 33 વર્ષોમાં કેટલી ફરિયાદો દાખલ થઈ અને કેટલી ફરિયાદોનો નિકાલ આવ્યો તથા કેટલા કેસો પેન્ડિંગ છે, તેના આંકડા એકત્ર કરી જાહેર કરવામાં આવ્યા હતા.
34 હજારથી વધુ ગ્રાહકો ન્યાયની પ્રતિક્ષામાં
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, ‘તા.15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, વધુને વધુ ફરિયાદો ગ્રાહક કમિશનમાં દાખલ થાય અને છેતરાયેલા ફરિયાદી ગ્રાહકોને વિના વિલંબે ઝડપી ન્યાય મળે તે હેતુથી રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાન અવિરત ચાલે છે’. ત્યારે ગ્રાહક અધિકારને લઈ દાખલ થયેલી ફરિયાદ તેમજ પેન્ડિંગ કેસો વગેરેની માહિતી આપતા મુકેશભાઈ જણાવે છે કે, ગુજરાતના કુલ 34,957 ફરિયાદી ગ્રાહકો ન્યાય મેળવવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. અમદાવાદ શહેરની ત્રણ કોર્ટમાં 9,608 ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે વડોદરાની બંને કોર્ટમાં 5,484 અને સૂરતની બન્ને કોર્ટમાં 5796 ફરિયાદો પેન્ડિંગ છે.
ગુજરાતમાં રોજની 45 ફરિયાદો દાખલ થાય છે
ગુજરાતના 38 શહેરના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વર્ષ-2023ના જાન્યુઆરી મહિનામાં 1352 ફરિયાદો દાખલ થઈ છે. જ્યારે અમદાવાદ શહેરમાં 96, અમદાવાદ ગ્રામ્યમાં 90 ફરિયાદો દાખલ થઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 1 કરોડની વસતી સામે દરરોજની ફક્ત 6-7 ફરિયાદ દાખલ થાય છે. જ્યારે આખા ગુજરાતમાં રોજની 45 ફરિયાદો દાખલ થાય છે. ગ્રાહક કમિશનમાં મોટાભાગે વીમા કંપનીઓ સામે મેડિક્લેઇમ બાબતોની ફરિયાદ બિલ્ડરો, ટૂર ઓપરેટરો, પોસ્ટ, બેન્કો, ડોક્ટરો અને હોસ્પિટલો, કંપનીઓ અને વેપારી પેઢીઓ, મોબાઈલ કંપનીઓ, પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓ વગેરે સામે વ્યાપક ફરિયાદ આવે છે. ફરિયાદી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચુકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે ગ્રાહક ન્યાય આંદોલન શરૂ કરવામાં આવ્યા છે.
પક્ષકારો દ્વારા 38,337 અપીલો દાખલ કરાઈ
ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અત્યાર સુધી 6,118 ફરિયાદ દાખલ થઈ છે અને 5,237 નો નિકાલ થતા 886 ફરિયાદો પેન્ડિંગ છે. જ્યારે ગુજરાતના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પક્ષકારો દ્વારા 38,337 અપીલો દાખલ થઈ છે અને 34,899 અપીલનો નિકાલ થતા 3,418 અપીલ પેન્ડિંગ છે. કુલ 64,829 મેટર એડમીટ થતા અને 40,139નો નિકાલનો થતા 4,690 ફરિયાદ-અપીલ વગેરે લીગલ મેટર પેન્ડિંગ છે.
પ્રધાનમંત્રી તથા ગ્રાહક બાબતોના મંત્રીને રજૂઆત કરવામાં આવશે
વધુમાં મુકેશ પરીખે જણાવ્યું હતું કે, ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇન્કાર છે. ત્યારે છેતરાયેલા ગ્રાહકોને ગુણવત્તાલક્ષી ચૂકાદા દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયેલને 25,000 ગ્રાહકોની સહિઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાવામાં આવશે. પ્રધાનમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા અને નેશનલ કમિશનના પ્રમુખને ટ્વીટ કરી રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ અભિયાનની જ્યોત પ્રજવલીત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો વર્ષ-2023ને ગ્રાહક અધિકાર વર્ષ તરીકે ઉજવે તે માટે વિનંતી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગ્રાહકોની સમસ્યાઓના ઉકેલ માટે સર્વોચ્ચ અગ્રીમતા આપે તે માટે સતત ઝૂંબેશ ઉપાડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.